આકુળતા ઘટી આત્મ – સ્તુતિ યોગ્ય થાય છે, જેનાથી આગામી ભલું થવું કેવળ અમે જ નથી
કહેતા પણ સર્વે મતવાળા કહે છે. તથા સરાગભાવ થતાં તત્કાળ આકુળતા થાય છે – નિંદનીક
થાય છે, અને ભવિષ્યમાં પણ બૂરું થવું ભાસે છે. માટે જેમાં વીતરાગભાવનું જ પ્રયોજન
છે, એવો જૈનમત જ ઇષ્ટ છે, પણ જેમાં સરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું છે એવા અન્ય
મતો અનિષ્ટ છે; તેને સમાન કેમ મનાય?
પ્રશ્નઃ — એ તો સાચું પરંતુ અન્યમતોની નિંદા કરતાં અન્યમતી દુઃખ પામે, અને
બીજાઓની સાથે વિરોધ થાય, તેથી નિંદા શા માટે કરો છો?
ઉત્તરઃ — જો કષાયપૂર્વક નિંદા કરીએ વા અન્યને દુઃખ ઉપજાવીએ તો અમે પાપી
જ છીએ, પણ અહીં તો અન્યમતના શ્રદ્ધાનાદિવડે જીવોને અતત્ત્વશ્રદ્ધાન દ્રઢ થાય, અને તેથી
તેઓ સંસારમાં દુઃખી થાય, તેથી કરુણાભાવવડે અહીં યથાર્થ નિરૂપણ કર્યું છે. છતાં કોઈ દોષ
વિના પણ દુઃખ પામે, વિરોધ ઉપજાવે, તો તેમાં અમે શું કરીએ? જેમ મદિરાની નિંદા કરતાં
કલાલ દુઃખ પામે, કુશીલની નિંદા કરતાં વેશ્યાદિક દુઃખ પામે તથા ખરું – ખોટું ઓળખવાની
પરીક્ષા બતાવતાં ઠગ દુઃખ પામે તો તેમાં અમે શું કરીએ? એ પ્રમાણે જો પાપીઓના ભયથી –
ધર્મોપદેશ ન આપીએ તો જીવોનું ભલું કેમ થાય? એવો તો કોઈ ઉપદેશ નથી, કે જે વડે
સર્વ જીવોને ચેન થાય. વળી સત્ય કહેતાં વિરોધ ઉપજાવે, પણ વિરોધ તો પરસ્પર ઝગડો
કરતાં થાય; પણ અમે લડીએ નહિ, તો તેઓ પોતાની મેળે જ ઉપશાંત થઈ જશે. અમને
તો અમારા પરિણામોનું જ ફળ થશે.
પ્રશ્નઃ — પ્રયોજનભૂત જીવાદિતત્ત્વોનું અન્યથા શ્રદ્ધાન કરતાં તો મિથ્યા-
દર્શનાદિક થાય છે, પણ અન્યમતોનું શ્રદ્ધાન કરતાં મિથ્યાદર્શનાદિક કેવી રીતે થાય?
ઉત્તરઃ — અન્યમતોમાં વિપરીત યુક્તિ પ્રરૂપી છે, જીવાદિતત્ત્વોનું સ્વરૂપ યથાર્થ ન
ભાસે તેવા ઉપાય કર્યા છે, તે શા માટે કર્યા છે? જો જીવાદિતત્ત્વોનું યથાર્થ સ્વરૂપ ભાસે
તો વીતરાગભાવ થતાં જ મહંતપણું દેખાય, પણ જે જીવો વીતરાગી નથી, અને પોતાની
મહંતતા ઇચ્છે છે, તેઓ સરાગભાવ હોવા છતાં, પોતાની મહંતતા મનાવવા માટે કલ્પિત યુક્તિ
વડે અન્યથા નિરૂપણ કરે છે. અદ્વૈતબ્રહ્માદિકના નિરૂપણ વડે જીવ – અજીવનું, સ્વચ્છંદવૃત્તિ
પોષવા વડે આસ્રવ – સંવરાદિકનું, તથા સકષાયીવત્ વા અચેતનવત્ મોક્ષ કહીને એ વડે તેઓ
મોક્ષનું અયથાર્થશ્રદ્ધાન પોષણ કરે છે. તેથી અહીં અન્ય મતોનું અયથાર્થપણું પ્રગટ કર્યું છે.
જો એનું અન્યથાપણું ભાસે તો તત્ત્વશ્રદ્ધાનમાં રુચિવાન થાય, અને તેઓની યુક્તિવડે ભ્રમ
ન થાય.
એ પ્રમાણે અન્ય મતોનું નિરૂપણ કર્યું.
૧૩૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
18