અહીં છયે મતમાં ઈશ્વર એક કહ્યો, તેમાં અરિહંતદેવને પણ ઈશ્વરપણું પ્રગટ કર્યું.
પ્રશ્નઃ — જેમ અહીં સર્વ મતોમાં એક ઈશ્વર કહ્યો તેમ તમે પણ માનો?
ઉત્તરઃ — એમ તો તમે કહો છો પણ અમે કહ્યું નથી, તેથી તમારા મતમાં અરિહંતને
ઈશ્વરપણું સિદ્ધ થયું. અમારા મતમાં પણ જો એમ જ કહીએ, તો અમે પણ શિવાદિકને ઈશ્વર
માનીએ. જેમ કોઈ વ્યાપારી સાચાં રત્ન બતાવે તથા કોઈ જૂઠાં રત્ન બતાવે, હવે ત્યાં જૂઠા
રત્નવાળો તો સર્વ રત્નોનું સરખું મૂલ્ય લેવા માટે બધાને સમાન કહે, પણ સાચાં રત્નવાળો
કેવી રીતે સમાન માને? તેમ જૈન સાચા દેવાદિકને પ્રરૂપે તથા અન્યમતી જૂઠા પ્રરૂપે, હવે
ત્યાં અન્યમતી તો પોતાના માહાત્મ્ય માટે સર્વને સમાન કહે, પણ જૈન કેવી રીતે એમ કહે?
વળી ‘રુદ્રયામલતંત્ર’ માં ભવાનીસહસ્રનામમાં પૃ. ૯માં એમ કહ્યું કેઃ —
कुंडासना जगद्धात्री बुद्धमाता जिनेश्वरी ।
जिनमाता जिनेन्द्रा च शारदा हंसवाहिनी ।।१३।।
અહીં ભવાનીનાં નામ જિનેશ્વરી ઇત્યાદિક કહ્યાં તેથી જિનનું ઉત્તમપણું પ્રગટ થયું.
વળી ‘‘ગણેશપુરાણ’’માં એમ કહ્યું છે કે – ‘‘जैनं पाशुपतं सांख्यं’’
તથા વ્યાસકૃત સૂત્રમાં પણ એમ કહ્યું છે કે —
‘‘जैना एकस्मिन्नैव वस्तुनि उभयं प्ररूपयन्ति स्याद्वादिनः’’
ઇત્યાદિક તેમનાં શાસ્ત્રોમાં જૈનમતનું નિરૂપણ છે, તથા જૈનમતનું પ્રાચીનપણું જણાય
છે.
વળી ભાગવતના પંચમસ્કંધમાં ૧ૠષભાવતારનું વર્ણન છે, ત્યાં તેને કરુણામય,
તૃષ્ણાદિરહિત, ધ્યાનમુદ્રાધારી તથા સર્વાશ્રમદ્વારા પૂજિત કહ્યો છે. તેના અનુસારે અરહંતરાજાએ
પ્રવૃત્તિ કરી, એમ કહે છે. તે જેમ રામકૃષ્ણાદિ અવતારો અનુસાર અન્યમત છે, તેમ
ૠષભાવતાર અનુસાર જૈનમત છે, એમ તમારા મતવડે જ જૈનમત પ્રમાણ થયો.
અહીં આટલો વિચાર વિશેષ કરવો કે — કૃષ્ણાદિ અવતારો અનુસાર વિષય – કષાયોની
પ્રવૃત્તિ હોય છે, તથા ૠષભાવતાર અનુસાર વીતરાગભાવ – સામ્યભાવની પ્રવૃત્તિ હોય છે. હવે
અહીં બંને પ્રવૃત્તિ સમાન માનીએ તો ધર્મ – અધર્મની વિશેષતા ન રહે, તથા જો વિશેષતા
માનીએ તો જે ભલી હોય તે અંગીકાર કરો.
૧. ભાગવતસ્કંધ ૫ અધ્યાય ૫, – ૨૯.
૧૪૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક