તેનું સમાધાન — કર્મપ્રકૃતિનો ઉદય મંદ – તીવ્ર ભેદસહિત હોય છે. ત્યાં અતિ મંદ ઉદય
થતાં તેના ઉદયજનિત કાર્યની વ્યક્તતા ભાસતી નથી, તેથી મુખ્યપણે તેનો અભાવ કહીએ છીએ,
પણ તારતમ્યપણે તેનો સદ્ભાવ કહીએ છીએ. જેમ – નવમા ગુણસ્થાનમાં વેદાદિકનો ઉદય મંદ
છે, ત્યાં મૈથુનાદિ ક્રિયા વ્યક્ત નથી, તેથી ત્યાં બ્રહ્મચર્ય જ કહ્યું, પણ તારતમ્યમાં ત્યાં મૈથુનાદિકનો
સદ્ભાવ કહીએ છીએ. તેમ કેવળીને અશાતાનો ઉદય અતિમંદ છે, કારણ કે – એક એક કાંડકમાં
અનંતમા ભાગ – અનુભાગ રહે છે, એવા ઘણા અનુભાગકાંડકોવડે વા ગુણસંક્રમણાદિકવડે સત્તામાં
અશાતાવેદનીયનો અનુભાગ અત્યંત મંદ થયો છે, પણ તેના ઉદયમાં એવી ક્ષુધા વ્યક્ત થતી નથી
કે જે શરીરને ક્ષીણ કરે, તથા મોહના અભાવથી ક્ષુધાજનિત દુઃખ પણ નથી, તેથી કેવળીને
ક્ષુધાદિકનો અભાવ કહીએ છીએ, તથા તારતમ્યમાં તેનો સદ્ભાવ કહીએ છીએ.
વળી તેં કહ્યું કે — ‘‘આહારાદિક વિના ક્ષુધાની ઉપશાંતતા કેવી રીતે થાય?’’ પણ
આહારાદિક ઉપશાંતતા હોવાયોગ્ય ક્ષુધા લાગે તો મંદ ઉદય ક્યાં રહ્યો? દેવ – ભોગભૂમિયા
આદિને કિંચિત્ મંદ ઉદય થતાં, ઘણાકાળ પછી કિંચિત્ આહારગ્રહણ હોય છે. તો કેવળીને
અતિ મંદ ઉદય થયો છે, તેથી તેમને આહારનો અભાવ સંભવે છે.
ત્યારે તે કહે છે કે — ‘‘દેવ ભોગભૂમિયાનું તો શરીર જ એવું છે કે જેને તો ઘણાકાળ
પછી થોડી ભૂખ લાગે, પણ કેવળીનું શરીર તો કર્મભૂમિનું – ઔદારિક છે, તેથી તેનું શરીર
આહારવિના ઉત્કૃષ્ટપણે દેશેન્યૂનક્રોડપૂર્વ સુધી કેવી રીતે રહે?’’
તેનું સમાધાન — દેવાદિકનું શરીર પણ એવું છે, જે કર્મના જ નિમિત્તથી છે, અહીં
કેવળજ્ઞાન થતાં એવા જ કર્મનો ઉદય થયો, જેથી શરીર એવું થયું કે જેને ભૂખ પ્રગટ થતી
જ નથી. જેમ કેવળજ્ઞાન થયા પહેલાં કેશ નખ વધતા હતા તે હવે વધતા નથી, છાયા થતી
હતી તે હવે થતી નથી, અને શરીરમાં નિગોદ હતા તેનો અભાવ થયો, ઘણા પ્રકારથી જેમ
શરીરની અવસ્થા અન્યથા થઈ, તેમ આહાર વિના પણ શરીર જેવું ને તેવું રહે, એવી પણ
અવસ્થા થઈ. પ્રત્યક્ષ જુઓ! અન્યને ઘડપણ વ્યાપતાં શરીર શિથિલ થઈ જાય છે. ત્યારે
કેવળીને આયુના અંત સુધી પણ શરીર શિથિલ થતું નથી, તેથી અન્ય મનુષ્યોનું શરીર અને
કેવળીના શરીરની સમાનતા સંભવતી નથી.
પ્રશ્નઃ — ‘‘દેવાદિકને આહાર જ એવો છે કે જેથી ઘણાકાળની ભૂખ મટી
જાય, પણ કેવળીને ભૂખ શાનાથી મટી, તથા શરીર કેવી રીતે પુષ્ટ રહ્યું?’’
ઉત્તરઃ — અશાતાનો ઉદય મંદ થવાથી ભૂખ મટી, તથા સમય સમય પરમ-
ઔદારિકશરીર વર્ગણાનું ગ્રહણ થાય છે, એટલે હવે તો નોકર્મઆહાર છે, તેથી એવી
નોકર્મવર્ગણાનું ગ્રહણ થાય છે કે જેથી ક્ષુધાદિક વ્યાપે જ નહિ, વા શરીર શિથિલ થાય નહિ.
અને સિદ્ધાંતમાં એ જ અપેક્ષાએ કેવળીને આહાર કહ્યો છે.
૧૫૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક