તે જ કષાયી છે. એમ કલ્પિત કહેવાથી વસ્ત્રાદિ રાખવા છતાં પણ પોતાને લોક મુનિ માનવા
લાગે, તેથી એ માનકષાય પોષ્યો. તથા અન્યને સુગમક્રિયામાં ઉચ્ચપદ પ્રાપ્ત થવું બતાવ્યું, તેથી
ઘણા લોક તેમાં જોડાઈ ગયા. જે કલ્પિતમત થયા છે તે એ જ પ્રમાણે થયા છે. માટે કષાયવાન
થઈને વસ્ત્રાદિ હોવા છતાં પણ મુનિપણું કહ્યું છે, તે પૂર્વોક્ત યુક્તિવડે વિરુદ્ધ ભાસે છે, તેથી
એ કલ્પિતવચન છે; એમ જાણવું.
અહીં કહેશો કે — દિગંબરમાં પણ શાસ્ત્ર – પીંછી આદિ મુનિને ઉપકરણ કહે છે, તેમ
અમારે પણ ચૌદ ઉપકરણ કહે છે.
તેનું સમાધાનઃ — જેનાથી ઉપકાર થાય, તેનું નામ ઉપકરણ છે. હવે અહીં શીતાદિક
વેદના દૂર કરવાથી જો ઉપકરણ ઠરાવીએ તો સર્વ પરિગ્રહસામગ્રી ઉપકરણ નામ પામે, પણ
ધર્મમાં તેનું શું પ્રયોજન છે? એ તો પાપનું કારણ છે. ધર્મમાં તો જે ધર્મને ઉપકારી થાય
તેનું જ નામ ઉપકરણ છે. હવે શાસ્ત્ર તો જ્ઞાનનું, પીંછી દયાનું, તથા કમંડલ શૌચનું કારણ
છે, તેથી એ તો ધર્મના ઉપકારી થયા, પણ વસ્ત્રાદિક કેવી રીતે ધર્મના ઉપકારી થાય? એ
તો કેવળ શરીરના સુખને જ અર્થે ધારીએ છીએ.
હા, મુનિ જો શાસ્ત્ર રાખી મહંતતા બતાવે, પીંછીવડે વાસીદું કાઢે; તથા કમંડલવડે
જલાદિ પીવે વા મેલ ઉતારે તો એ શાસ્ત્રાદિક પરિગ્રહ જ છે. પણ મુનિ એવાં કાર્ય કરે જ
નહિ, માટે ધર્મના સાધનને પરિગ્રહસંજ્ઞા નથી, પણ ભોગના સાધનને પરિગ્રહ સંજ્ઞા હોય છે,
એમ જાણવું.
અહીં જો કહેશો કે ‘‘કમંડલથી તો શરીરનો મળ જ દૂર કરવામાં આવે છે’’ પણ
મળ દૂર કરવાની ઇચ્છાથી મુનિ કમંડલ રાખતા નથી, પરંતુ શાસ્ત્રવાંચનાદિ કાર્ય કરે, ત્યાં
મલલિપ્ત હોય તો તેનો અવિનય થાય અને લોકનિંદ્ય થાય, તેથી એ ધર્મને અર્થે કમંડલ રાખે
છે. એ જ પ્રમાણે પીંછી આદિ ઉપકરણ તો સંભવે છે પરંતુ વસ્ત્રાદિ ઉપકરણસંજ્ઞા સંભવતી
નથી.
કામ – અરતિ આદિ મોહના ઉદયથી વિકાર બાહ્ય પ્રગટ થાય, તથા શીતાદિ સહ્યાં જાય
નહિ, તેથી વિકારને ઢાંકવા માટે, વા શીતાદિક મટાડવા માટે, વસ્ત્રાદિક રાખી માનના ઉદયથી
પોતાની મહંતતા ઇચ્છે છે, તેથી કલ્પિતયુક્તિદ્વારા તેને ઉપકરણ ઠરાવવામાં આવે છે.
વળી ઘર – ઘર યાચના કરી આહાર લાવવો તેઓ ઠરાવે છે. પણ પ્રથમ તો એ પૂછીએ
છીએ કે – ‘‘યાચના ધર્મનું અંગ કે પાપનું અંગ છે?’’ જો ધર્મનું અંગ છે, તો માગવાવાળા
બધાય ધર્માત્મા થયા. તથા જો પાપનું અંગ છે, તો મુનિને એ કેમ સંભવે?
તું કહીશ કે – ‘‘લોભ વડે કાંઈ ધનાદિક યાચે તો પાપ થાય, પણ અહીં તો ધર્મસાધન
અર્થે શરીરની સ્થિરતા કરવા ઇચ્છે છે.’’
૧૫૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
20