તેથી તેને હર્ષ જ થાત. પણ તેના મકાનમાં જઈ ભોજન માંગવું, એ તો તેને દબાણ કરી
કાર્ય કરાવવા જેવું થયું. વળી પોતાના કાર્ય માટે યાચનારૂપ વચન છે તે તો પાપરૂપ છે, તેથી
ત્યાં અસત્ય વચન પણ થયું. તેને આપવાની ઇચ્છા નહોતી, છતાં આણે યાચના કરી, ત્યારે
તેણે પોતાની ઇચ્છાથી તો આપ્યો નહિ પણ સંકોચ કરી આપ્યો, તેથી એ અદત્તગ્રહણ પણ
થયું. ગૃહસ્થના ઘરમાં સ્ત્રી જેમતેમ બેઠી હતી અને આ ચાલ્યો ગયો, તેથી ત્યાં બ્રહ્મચર્યની
વાડનો ભંગ થયો. આહાર લાવી કેટલોક વખત રાખ્યો, આહારાદિક રાખવા પાત્રાદિક રાખ્યાં,
એટલે તે પરિગ્રહ પણ થયો. એ પ્રમાણે પાંચ મહાવ્રતનો ભંગ થવાથી ત્યાં મુનિધર્મ નષ્ટ
થાય છે, તેથી યાચનાપૂર્વક આહાર લેવો મુનિને યુક્ત નથી.
ત્યારે તે કહે છે કે — ‘‘મુનિને બાવીસ પરિષહોમાં યાચના પરિષહ કહ્યો છે; હવે
માગ્યા વિના એ પરિષહનું સહેવું કેવી રીતે થાય?’’
તેનું સમાધાનઃ — યાચના કરવાનું નામ યાચનાપરિષહ નથી, પણ યાચના ન કરવી તેનું
નામ યાચનાપરિષહ છે, જેમ અરતિ કરવાનું નામ અરતિપરિષહ નથી, પણ અરતિ ન કરવાનું
નામ અરતિપરિષહ છે. તેમ અહીં જાણવું. જો યાચના કરવી એ પરિષહ ઠરે, તો રંક આદિ
ઘણી યાચના કરે છે, તો તેમને ઘણો ધર્મ હોય. જો કહેશો કે – ‘‘માન ઘટાડવાથી તેને પરિષહ
કહીએ છીએ.’’ પણ કોઈ કષાયી કાર્યના અર્થે કોઈ કષાય છોડે, તોપણ તે પાપી જ છે. જેમ
કોઈ લોભ અર્થે પોતાના અપમાનને પણ ન ગણે, તો તેને લોભની અતિ તીવ્રતા જ છે, તેથી
એ અપમાન કરાવવાથી પણ મહાપાપ થાય છે. તથા પોતાને કાંઈ પણ ઇચ્છા નથી, અને કોઈ
સ્વયં અપમાન કરે, તો તે (સહન કરનારને) મહાધર્મ થાય છે. હવે અહીં તો ભોજનના લોભથી
યાચના કરી અપમાન કરાવ્યું તેથી તે પાપ જ છે, ધર્મ નથી. વળી વસ્ત્રાદિક માટે પણ યાચના
કરે છે, પણ વસ્ત્રાદિક કાંઈ ધર્મનું અંગ નથી, તે તો શરીરસુખનું કારણ છે, તેથી તેનો પણ પૂર્વોક્ત
રીતે નિષેધ જાણવો. પોતાના ધર્મસ્વરૂપ ઉચ્ચપદને યાચના કરી નીચો કરે છે, એમાં તો ધર્મની
હીનતા થાય છે, ઇત્યાદિ અનેક પ્રકારથી મુનિધર્મમાં યાચનાદિ સંભવતાં નથી, છતાં એવી
અસંભવતી ક્રિયાના ધારકને તેઓ સાધુ – ગુરુ કહે છે, તેથી તેઓ ગુરુનું સ્વરૂપ અન્યથા કહે
છે. તથા ધર્મનું સ્વરૂપ પણ અન્યથા કહે છે તેથી એ વચન કલ્પિત છે.
✾ ધાર્મનું અન્યથા સ્વરુપ ✾
સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રની એકતા એ મોક્ષમાર્ગ છે, અને એ જ ધર્મ છે. હવે તેનું
સ્વરૂપ પણ તેઓ અન્યથા પ્રરૂપે છે, એ જ અહીં કહીએ છીએઃ —
તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન છે, તેની તો પ્રધાનતા નથી, પણ પોતે જેવા અર્હંતદેવ – સાધુ –
ગુરુ – દયા – ધર્મને નિરૂપણ કરે છે, તેના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહે છે. હવે પ્રથમ તો
૧૫૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક