માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઇચ્છે છે, તે પ્રથમ જ કુદેવ – કુગુરુ – કુધર્મનો ત્યાગી
થાય, સમ્યક્ત્વના પચ્ચીસ મળદોષોના ત્યાગમાં પણ અમૂઢદ્રષ્ટિ વા છ આયતનમાં પણ તેનો
જ ત્યાગ કરાવ્યો છે. માટે તેનો અવશ્ય ત્યાગ કરવો.
વળી એ કુદેવાદિના સેવનથી જે મિથ્યાત્વભાવ થાય છે, તે હિંસાદિપાપોથી પણ
મહાનપાપ છે. કારણ કે – એના ફળથી નિગોદ – નર્કાદિપર્યાય પ્રાપ્ત થાય છે, ત્યાં અનંતકાળસુધી
મહાસંકટ પામે છે, તથા સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ પણ મહાદુર્લભ થઈ જાય છે.
શ્રી ષટ્પાહુડમાં (ભાવપાહુડમાં) પણ કહ્યું છે કે —
कुच्छियधम्मम्मि रओ कुच्छियपाखंडिभत्तिसंजुत्तो ।
कुच्छियतवं कुणंतो कुच्छियगइभायणो होइ ।।१४०।।
અર્થઃ — જે કુત્સિત્ધર્મમાં લીન છે, કુત્સિત્ પાખંડીઓની ભક્તિવડે સંયુક્ત છે, તથા
કુત્સિત્ તપ કરે છે, તે જીવ કુત્સિત્ અર્થાત્ માઠીગતિ ભોગવવાવાળો થાય છે.
હે ભવ્ય! કિંચિત્માત્ર લોભ વા ભયથી પણ એ કુદેવાદિનું સેવન ન કર! કારણ કે
તેનાથી અનંતકાળ સુધી મહાદુઃખ સહન કરવું થાય છે, માટે એવો મિથ્યાત્વભાવ કરવો યોગ્ય
નથી.
જૈનધર્મમાં તો એવી આમ્નાય છે કે પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ
છોડાવવામાં આવે છે. તેથી એ મિથ્યાત્વને સાતવ્યસનાદિથી પણ મહાનપાપ જાણી પહેલાં
છોડાવ્યું છે. માટે જે પાપના ફળથી ડરતો હોય, તથા પોતાના આત્માને દુઃખસમુદ્રમાં ડુબાવવા
ન ઇચ્છતો હોય, તે જીવ આ મિથ્યાત્વપાપને અવશ્ય છોડો. નિંદા-પ્રશંસાદિના વિચારથી શિથિલ
થવું યોગ્ય નથી. નીતિશાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે –
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु,
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ।
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा,
न्यायात्पथः प्रविचलन्ति पदं न धीराः ।। (નીતિશતક-૮૪)
કોઈ નિંદે છે તો નિંદો, સ્તુતિ કરે છે તો સ્તુતિ કરો, લક્ષ્મી આવો વા ગમે ત્યાં
જાઓ, તથા મરણ આજે જ થાઓ વા યુગાંતરે થાઓ; પરંતુ નીતિમાં નિપુણ પુરુષો
ન્યાયમાર્ગથી એક પગલું પણ ચલિત થતા નથી.
એવો ન્યાય વિચારી, નિંદા-પ્રશંસાદિના ભયથી વા લોભાદિકથી પણ અન્યાયરૂપ
મિથ્યાત્વપ્રવૃત્તિ કરવી યોગ્ય નથી.
૧૯૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક