જે જીવ રાગાદિકની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું માને છે, તે જીવ પણ
શુદ્ધજ્ઞાનથી રહિત છે અંધબુદ્ધિ જેની, એવો બની મોહનદીની પાર ઊતરતો નથી.
શ્રી સમયસારના સર્વવિશુદ્ધજ્ઞાનાધિકારમાં જે આત્માને અકર્તા માને છે, અને એમ કહે
છે કે – કર્મ જ જગાડે છે, સુવાડે છે, પરઘાતકર્મથી હિસા છે, વેદકર્મથી અબ્રહ્મ છે, માટે કર્મ
જ કર્તા છે, એમ માનનાર જૈનીને સાંખ્યમતી કહ્યો છે. જેમ સાંખ્યમતી આત્માને શુદ્ધ માની
સ્વચ્છંદી થાય છે, તેમ જ આ પણ થયો.
એવા શ્રદ્ધાનથી આ દોષ થયો કે – રાગાદિકને પોતાના ન જાણ્યા અને પોતાને તેનો
અકર્તા માન્યો, એટલે રાગાદિક થવાનો ભય રહ્યો નહિ અથવા રાગાદિક મટાડવાનો ઉપાય
કરવાનો પણ રહ્યો નહિ, એટલે સ્વચ્છંદી બની ખોટાં કર્મ બાંધી અનંતસંસારમાં ભટકે છે.
પ્રશ્નઃ — શ્રી સમયસાર કળશમાં જ એમ કહ્યું છે કે –
वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः ।
तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ।।३७।।
અર્થઃ — વર્ણાદિક વા રાગાદિકભાવ છે, તે બધાય આ આત્માથી ભિન્ન છે.
વળી ત્યાં જ રાગાદિકને પુદ્ગલમય કહ્યા છે, તથા અન્ય શાસ્ત્રોમાં પણ આત્માને
રાગાદિકથી ભિન્ન કહ્યો છે, તે કેવી રીતે છે?
ઉત્તરઃ – રાગાદિકભાવ પરદ્રવ્યના નિમિત્તથી ઔપાધિકભાવ થાય છે, અને આ જીવ
તેને સ્વભાવ જાણે છે. જેને સ્વભાવ જાણે તેને બૂરો કેમ માને? વા તેના નાશનો ઉદ્યમ શામાટે
કરે? હવે એ શ્રદ્ધાન પણ વિપરીત છે, તેને છોડાવવા માટે સ્વભાવની અપેક્ષાએ એ રાગાદિકને
ભિન્ન કહ્યા છે, તથા નિમિત્તની મુખ્યતાથી પુદ્ગલમય કહ્યા છે. જેમ વૈદ્ય રોગને મટાડવા ઇચ્છે
છે, જો શીતની અધિકતા દેખે, તો તેને ઉષ્ણ ઔષધિ બતાવે, તથા ઉષ્ણતાની અધિકતા દેખે,
તો તેને શીતળ ઔષધિ બતાવે, તેમ શ્રીગુરુ રાગાદિક છોડાવવા ઇચ્છે છે. હવે જે રાગાદિકને
પરના માની સ્વચ્છંદી બની નિરુદ્યમી થાય, તેને તો ઉપાદાનકારણની મુખ્યતાથી ‘‘રાગાદિક
આત્માના છે’’ એવું શ્રદ્ધાન કરાવ્યું; તથા જે રાગાદિકને પોતાનો સ્વભાવ માની તેના નાશનો
ઉદ્યમ કરતો નથી, તેને નિમિત્તકારણની મુખ્યતાથી ‘‘રાગાદિક પરભાવ છે’’ એવું શ્રદ્ધાન કરાવ્યું.
એ બંને વિપરીતશ્રદ્ધાનથી રહિત થતાં સત્યશ્રદ્ધાન થાય ત્યારે તે એમ માને કે – આ
રાગાદિકભાવ આત્માનો સ્વભાવ તો નથી, પણ કર્મના નિમિત્તથી આત્માના અસ્તિત્વમાં
વિભાવપર્યાય ઊપજે છે, નિમિત્ત મટતાં તેનો નાશ થતાં સ્વભાવ રહી જાય છે, માટે તેના
નાશનો ઉદ્યમ કરવો.
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૦૧