✾
નિશ્ચયાભાસીની સ્વચ્છંદતા અને તેમનો નિષેધા ✾
વળી મોક્ષમાર્ગમાં તો રાગાદિક મટાડવાનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ કરવાનું હોય છે. તેનો
તો વિચાર જ નથી, પોતાના શુદ્ધ અનુભવથી જ પોતાને સમ્યગ્દ્રષ્ટિ માની અન્ય સર્વ
સાધનોનો નિષેધ કરે છે.
✾ શાસ્ત્રાભ્યાસની નિરર્થકતા માનનારનો નિષેધા ✾
શાસ્ત્રાભ્યાસ કરવો નિરર્થક બતાવે છે, દ્રવ્યાદિકના, ગુણસ્થાન-માર્ગણાસ્થાનના, અને
ત્રિલોકાદિકના વિચારોને વિકલ્પ ઠરાવે છે, તપશ્ચરણ કરવાને વૃથાક્લેશ કરવો માને છે, વ્રતાદિક
ધારણ કરવાં તેને બંધનમાં પડવું ઠરાવે છે તથા પૂજનાદિ કાર્યોને શુભાસ્રવ જાણી ત્યાગવારૂપ
પ્રરૂપે છે, – ઇત્યાદિ સર્વ સાધનોને ઉઠાવી પ્રમાદી બની પરિણમે છે.
જો શાસ્ત્રાભ્યાસ નિરર્થક હોય તો મુનિઓને પણ ધ્યાન – અધ્યયન એ બે જ કાર્ય મુખ્ય
છે. ધ્યાનમાં ઉપયોગ ન જોડાય ત્યારે અધ્યયનમાં જ ઉપયોગને લગાવે છે, પણ વચમાં અન્ય
ઠેકાણે ઉપયોગ લગાવવા યોગ્ય નથી. શાસ્ત્રવડે તો તત્ત્વોનાં વિશેષો જાણવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન
નિર્મળ થાય છે, તથા જ્યાં સુધી તેમાં ઉપયોગ રહે, ત્યાં સુધી કષાય મંદ રહે છે, અને ભાવી
વીતરાગભાવોની વૃદ્ધિ થાય છે, તો એવાં કાર્યોને નિરર્થક કેમ મનાય?
પ્રશ્નઃ — જૈનશાસ્ત્રોમાં અધ્યાત્મ ઉપદેશ છે તેનો અભ્યાસ કરવો, અન્ય
શાસ્ત્રોના અભ્યાસથી કાંઈ સિદ્ધિ નથી?
ઉત્તરઃ — જો તારી દ્રષ્ટિ સાચી થઈ છે, તો બધાય જૈનશાસ્ત્રો કાર્યકારી છે. તેમાં
પણ મુખ્યપણે અધ્યાત્મશાસ્ત્રોમાં તો આત્મસ્વરૂપનું કથન મુખ્ય છે. હવે સમ્યગ્દ્રષ્ટિ થતાં
આત્મસ્વરૂપનો તો નિર્ણય થઈ ચૂક્યા પછી, જ્ઞાનની નિર્મળતા માટે વા ઉપયોગને મંદકષાયરૂપ
રાખવા અર્થે અન્ય શાસ્ત્રોનો અભ્યાસ મુખ્ય જરૂરનો છે, તથા આત્મસ્વરૂપનો નિર્ણય થયો છે,
તેને સ્પષ્ટ રાખવા માટે અધ્યાત્મશાસ્ત્રોનો અભ્યાસ પણ જરૂરનો છે. પરંતુ અન્ય શાસ્ત્રોમાં અરુચિ
તો ન હોવી જોઈએ. જેને અન્ય શાસ્ત્રોની અરુચિ છે તેને અધ્યાત્મની રુચિ પણ સાચી નથી.
જેમ કે – જેનામાં વિષયાસક્તપણું હોય તે વિષયાસક્ત પુરુષોની કથા પણ રુચિથી
સાંભળે, વિષયના વિશેષોને પણ જાણે, વિષયાચરણમાં જે સાધનો હોય તેને પણ હિતરૂપ જાણે,
તથા વિષયના સ્વરૂપને પણ ઓળખે; તેમ જેને આત્મરુચિ થઈ હોય, તે આત્મરુચિના ધારક
તીર્થંકરાદિનાં પુરાણને પણ જાણે, આત્માના વિશેષો જાણવા માટે ગુણસ્થાનાદિકને પણ જાણે,
આત્મ આચરણમાં જે વ્રતાદિકસાધન છે તેને પણ હિતરૂપ માને તથા આત્માના સ્વરૂપને પણ
ઓળખે. એ પ્રમાણે ચારે અનુયોગ કાર્યકારી છે.
સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૦૫