૨૧૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
તથા શુભ – અશુભનો પરસ્પર વિચાર કરીએ તો શુભભાવોમાં કષાય મંદ થાય છે, તેથી
બંઘ હીન થાય છે, તથા અશુભભાવોમાં કષાય તીવ્ર થાય છે અને તેથી બંધ ઘણો થાય છે,
– એ પ્રમાણે વિચાર કરતાં સિદ્ધાંતમાં અશુભની અપેક્ષાએ શુભને ભલો પણ કહે છે. જેમ –
રોગ તો થોડો વા ઘણો બૂરો જ છે, પરંતુ ઘણા રોગની અપેક્ષાએ થોડા રોગને ભલો પણ
કહીએ છીએ.
માટે શુદ્ધોપયોગ ન હોય ત્યારે અશુભથી છૂટી શુભમાં પ્રવર્તવું યોગ્ય છે, પણ શુભને
છોડી અશુભમાં પ્રવર્તવું તો યોગ્ય નથી.
પ્રશ્નઃ — કામાદિક વા ક્ષુધાદિક મટાડવા માટે અશુભરૂપ પ્રવૃત્તિ તો થયા વિના
રહેતી નથી, તથા શુભપ્રવૃત્તિ ઇચ્છા કરીને કરવી પડે છે. જ્ઞાનીને ઇચ્છા કરવી નથી,
માટે શુભનો ઉદ્યમ ન કરવો?
ઉત્તરઃ — શુભપ્રવૃત્તિમાં ઉપયોગ લાગવાથી વા તેના નિમિત્તથી વિરાગતા વધવાથી
કામાદિક હીન થાય છે; ક્ષુધાદિકમાં પણ સંકલેશ થોડો થાય છે, માટે શુભોપયોગનો અભ્યાસ
કરવો. ઉદ્યમ કરવા છતાં પણ જો કામાદિક વા ક્ષુધાદિકની પીડા રહે, તો તેના અર્થે જેથી
થોડું પાપ લાગે તે કરવું, પણ શુભોપયોગને છોડી નિઃશંક પાપરૂપ પ્રવર્તવું તો યોગ્ય નથી.
વળી તું કહે છે કે – ‘‘જ્ઞાનીને ઇચ્છા નથી, અને શુભોપયોગ ઇચ્છા કરવાથી થાય છે;’’
પણ જેમ કોઈ પુરુષ કિંચિત્માત્ર પણ પોતાનું ધન આપવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણું
ધન જ્તું જાણે, ત્યાં પોતાની ઇચ્છાથી અલ્પધન આપવાનો ઉપાય કરે છે; તેમ જ્ઞાની કિંચિત્માત્ર
પણ કષાયરૂપ કાર્ય કરવા ઇચ્છતો નથી, પરંતુ જ્યાં ઘણા કષાયરૂપ અશુભકાર્ય થતું જાણે,
ત્યાં ઇચ્છા કરીને અલ્પકષાયરૂપ શુભકાર્ય કરવાનો ઉદ્યમ કરે છે.
એ પ્રમાણે આ વાત સિદ્ધ થઈ કે – જ્યાં શુદ્ધોપયોગ થતો જાણે ત્યાં તો શુભકાર્યનો
નિષેધ જ છે, અને જ્યાં અશુભોપયોગ થતો જાણે, ત્યાં શુભકાર્ય ઉપાયવડે અંગીકાર કરવા
યોગ્ય છે.
એ પ્રમાણે જે અનેક વ્યવહારકાર્યોને ઉથાપી સ્વચ્છંદપણાને સ્થાપે છે, તેનો નિષેધ કર્યો.
✾ કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ ✾
હવે એ કેવળ નિશ્ચયાવલંબી જીવની પ્રવૃત્તિ દર્શાવીએ છીએ.
એક શુદ્ધાત્માને જાણવાથી જ્ઞાની થઈ જાય છે, અન્ય કશાની જરૂર નથી; – એવું જાણી
કોઈ વેળા એકાંતમાં બેસી ધ્યાનમુદ્રા ધારી ‘‘હું સર્વકર્મઉપાધિરહિત સિદ્ધસમાન આત્મા છું.’’
ઇત્યાદિ વિચારવડે તે સંતુષ્ટ થાય છે; પણ એ વિશેષણ કેવી રીતે સંભવિત છે તેનો વિચાર