સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૧૫
ઘટતાં નિર્જરા છે. તથા રાગાદિક થતાં બંધ છે, તને રાગાદિકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી,
તેથી અન્યથા માને છે.
✾ નિર્વિકલ્પ દશાનો વિચાર ✾
પ્રશ્નઃ — જો એમ છે, તો નિર્વિકલ્પ અનુભવદશામાં નય – પ્રમાણ – નિક્ષેપાદિનો
વા દર્શન – જ્ઞાનાદિકના પણ વિકલ્પોનો નિષેધ કર્યો છે, તેનું શું કારણ?
ઉત્તરઃ — જે જીવ એ જ વિકલ્પોમાં લાગી રહે છે, અને અભેદરૂપ એક પોતાના
આત્માને અનુભવતા નથી, તેમને એવો ઉપદેશ આપ્યો છે કે – એ સર્વ વિકલ્પો વસ્તુનો નિશ્ચય
કરવા માટે કારણ છે, વસ્તુનો નિશ્ચય થતાં એનું કાંઈ પ્રયોજન રહેતું નથી; માટે એ વિકલ્પોને
પણ છોડી અભેદરૂપ એક આત્માનો અનુભવ કરવો, પણ એના વિચારરૂપ વિકલ્પોમાં જ ફસાય
રહેવું યોગ્ય નથી.
વળી વસ્તુનો નિશ્ચય થયા પછી પણ એમ નથી કે – સામાન્યરૂપ સ્વદ્રવ્યનું જ ચિંતવન
રહ્યા કરે, ત્યાં તો સ્વદ્રવ્ય વા પરદ્રવ્યનું સામાન્યરૂપ વા વિશેષરૂપ જાણવું થાય છે. પણ તે
વીતરાગતા સહિત થાય છે, અને તેનું જ નામ નિર્વિકલ્પદશા છે.
પ્રશ્નઃ — ત્યાં તો ઘણા વિકલ્પ થયા. તો નિર્વિકલ્પદશા કેવી રીતે સંભવે છે?
ઉત્તરઃ — નિર્વિચાર થવાનું નામ નિર્વિકલ્પ નથી, કેમકે છદ્મસ્થનું જાણવું વિચાર સહિત
હોય છે, તેનો અભાવ માનતાં જ્ઞાનનો પણ અભાવ થાય ત્યારે એ તો જડપણું થયું, પણ
આત્માને એ હોતું નથી; માટે વિચાર તો રહે છે.
વળી જો એક સામાન્યનો જ વિચાર રહે છે, વિશેષનો નહિ – એમ કહીએ, તો
સામાન્યનો વિચાર તો ઘણોકાળ રહેતો નથી, વા વિશેષની અપેક્ષા વિના સામાન્યનું સ્વરૂપ
ભાસતું નથી.
અહીં જો એમ કહીએ કે — ‘પોતાનો જ વિચાર રહે છે, પરનો નહિ.’ પણ પરમાં
પરબુદ્ધિ થયા વિના, નિજમાં નિજબુદ્ધિ કેવી રીતે આવે?
ત્યારે તે કહે છે કે — ‘‘શ્રી સમયસારમાં એમ કહ્યું છે કે —
भावयेत् भेदविज्ञानमिदमच्छिन्नधारया ।
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ।। (કળશ – ૧૩૦)
અર્થઃ – આ ભેદવિજ્ઞાન ત્યાં સુધી નિરંતર ભાવવું કે – જ્યાંસુધી પરથી છૂટી જ્ઞાન
જ્ઞાનમાં સ્થિર થાય, માટે ભેદવિજ્ઞાન છૂટતાં પરનું જાણવું મટી જાય છે, કેવળ પોતે પોતાને
જ જાણ્યા કરે છે.’’