૨૧૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
હવે ત્યાં તો આમ કહ્યું છે કે – પૂર્વે સ્વ – પરને એક જાણતો હતો, પછી એ બંને જુદાં
જાણવા માટે ભેદજ્ઞાનને ત્યાં સુધી જ ભાવવું યોગ્ય છે કે – જ્યાંસુધી જ્ઞાન પરરૂપને ભિન્ન
જાણી પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ નિશ્ચિત થાય, પણ તે પછી ભેદવિજ્ઞાન કરવાનું પ્રયોજન રહેતું
નથી; પરને પરરૂપ અને આપને આપરૂપ સ્વયં જાણ્યા જ કરે છે; પણ અહીં એમ નથી કે
– પરદ્રવ્યને જાણવાનું જ મટી જાય છે. કારણ કે પરદ્રવ્યને જાણવાં વા સ્વદ્રવ્યના વિશેષો
જાણવાનું નામ વિકલ્પ નથી.
તો કેવી રીતે છે? તે કહીએ છીએ — રાગ – દ્વેષવશથી કોઈ જ્ઞેયને જાણવામાં ઉપયોગ
લગાવવો, વા કોઈ જ્ઞેયને જાણતાં ઉપયોગને છોડાવવો, એ પ્રમાણે વારંવાર ઉપયોગને ભમાવવો
તેનું નામ વિકલ્પ છે. તથા જ્યાં વીતરાગરૂપ થઈ જેને જાણે છે તેને યથાર્થ જાણે છે, અન્ય
અન્ય જ્ઞેયને જાણવા માટે ઉપયોગને ભમાવતો નથી ત્યાં નિર્વિકલ્પદશા જાણવી.
પ્રશ્નઃ — છદ્મસ્થનો ઉપયોગ તો નાના જ્ઞેયમાં અવશ્ય ભમે, તો ત્યાં
નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે?
ઉત્તરઃ — જેટલો કાળ એક જાણવારૂપ રહે, તેટલો કાળ નિર્વિકલ્પતા નામ પામે,
સિદ્ધાંતમાં ધ્યાનનું લક્ષણ એવું જ કહ્યું છે.
एकाग्रचिंतानिरोधो ध्यानम् (મોક્ષશાસ્ત્ર અ. ૮ સૂત્ર ૨૭)
અર્થાત્ એકનું મુખ્ય ચિંતવન હોય તથા અન્ય ચિંતવન રોકાય તેનું નામ ધ્યાન છે.
સૂત્રની સર્વાર્થસિદ્ધિ ટીકામાં તો આમ વિશેષ કહ્યું છે કે – ‘‘જો સર્વ ચિંતા રોકવાનું નામ ધ્યાન
હોય તો અચેતનપણું થઈ જાણ.’’ વળી એવી પણ વિવક્ષા છે કે – સંતાન અપેક્ષા નાના જ્ઞેયનું
પણ જાણવું થાય છે, પરંતુ જ્યાંસુધી વીતરાગતા રહે, રાગાદિક વડે પોતે ઉપયોગને ભમાવે
નહિ, ત્યાં સુધી નિર્વિકલ્પદશા કહીએ છીએ.
પ્રશ્નઃ — જો એમ છે, તો પરદ્રવ્યથી છોડાવી ઉપયોગને સ્વરૂપમાં લગાવવાનો
ઉપદેશ શામાટે આપ્યો છે?
ઉત્તરઃ — જે શુભ – અશુભ ભાવોનાં કારણરૂપ પરદ્રવ્ય છે, તેમાં ઉપયોગ લાગતાં જેને
રાગ – દ્વેષ થઈ આવે છે, તથા સ્વરૂપચિંતવન કરે તો જેને રાગ – દ્વેષ ઘટે છે, એવા નીચલી
અવસ્થાવાળા જીવોને પૂર્વોક્ત ઉપદેશ છે. જેમ – કોઈ સ્ત્રી વિકારભાવથી કોઈના ઘરે જતી હતી,
તેને મનાઈ કરી કે પરઘરે ન જા, ઘરમાં બેસી રહે; તથા જે સ્ત્રી નિર્વિકારભાવથી કોઈના
ઘરે જાય, અને યથાયોગ્ય પ્રવર્તે તો કાંઈ દોષ નથી; તેમ ઉપયોગરૂપ પરિણતિ રાગ – દ્વેષભાવથી
પરદ્રવ્યોમાં પ્રવર્ત્તતી હતી, તેને મના કરી રહ્યું કે ‘પરદ્રવ્યોમાં ન પ્રવર્ત, સ્વરૂપમાં મગ્ન રહે;’
પણ જે ઉપયોગરૂપ પરિણતિ વીતરાગભાવથી પરદ્રવ્યોને જાણી યથાયોગ્ય પ્રવર્ત્તે તો તેને કાંઈ
દોષ નથી.