૨૧૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
સમ્યગ્દર્શન છે, જેમ રાગાદિક મટાડવાનું જાણવું થાય તે જ જાણવું સમ્યગ્જ્ઞાન
છે, તથા જેમ રાગાદિક મટે તે જ આચરણ સમ્યક્ચારિત્ર છે અને એવો જ
મોક્ષમાર્ગ માનવો યોગ્ય છે.
એ પ્રમાણે નિશ્ચયનયના આભાસસહિત એકાંતપક્ષધારી જૈનાભાસોના મિથ્યાત્વનું
નિરૂપણ કર્યું.
✾ કેવળ વ્યવહારાવલંબી જૈનાભાસોનું નિરુપણ ✾
હવે વ્યવહારાભાસ પક્ષના ધારક જૈનાભાસોના મિથ્યાત્વનું નિરૂપણ કરીએ છીએ.
જિનાગમમાં જ્યાં વ્યવહારની મુખ્યતાથી ઉપદેશ છે, તેને માની જે બાહ્યસાધનાદિકનું
જ શ્રદ્ધાનાદિક કરે છે, તેને ધર્મનાં સર્વ અંગ અન્યથારૂપ થઈ મિથ્યાભાવને પ્રાપ્ત થાય છે
તે વિસ્તારથી કહે છે.
અહીં એમ જાણવું કે — વ્યવહારધર્મની પ્રવૃત્તિથી પુણ્યબંધ થાય છે માટે પાપપ્રવૃત્તિની
અપેક્ષાએ તો તેનો નિષેધ નથી, પણ જે જીવ વ્યવહારપ્રવૃત્તિ વડે જ સંતુષ્ટ થાય છે અને
સાચા મોક્ષમાર્ગમાં ઉદ્યમી થતો નથી, તેને મોક્ષમાર્ગમાં સન્મુખ કરવા માટે તે શુભરૂપ
પ્રવૃત્તિનો પણ નિષેધ નિરૂપણ કરીએ છીએ.
આ કથનને સાંભળીને જો શુભપ્રવૃત્તિ છોડી અશુભમાં પ્રવર્તશો તો તમારું બૂરું થશે,
અને જો યથાર્થ શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તશો તો તમારું ભલું થશે. જેમ કોઈ રોગી નિર્ગુણ
ઔષધિનો નિષેધ સાંભળી ઔષધિસાધન છોડી જો કુપથ્યસેવન કરે તો તે મરે છે, તેમાં વૈદ્યનો
કાંઈ દોષ નથી; તેમ કોઈ સંસારી પુણ્યરૂપ ધર્મનો નિષેધ સાંભળી ધર્મસાધન છોડી
વિષયકષાયરૂપ પ્રવર્ત્તશે, તો તે નરકાદિક દુઃખને પામશે; તેમાં ઉપદેશદાતાનો તો દોષ નથી.
ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય તો અસત્ય શ્રદ્ધાનાદિક છોડાવી મોક્ષમાર્ગમાં લગાવવાનો
જ જાણવો.
એવા અભિપ્રાયથી અહીં નિરૂપણ કરીએ છીએ.
કુળ અપેક્ષા ધાર્મધાારક વ્યવહારાભાસી
કોઈ જીવ તો કુળક્રમવડે જ જૈની છે પણ જૈનધર્મનું સ્વરૂપ જાણતા નથી, માત્ર કુળમાં
જેવી પ્રવૃત્તિ ચાલતી આવે છે તે જ પ્રમાણે પ્રવર્તે છે. ત્યાં જેમ અન્યમતી પોતાના કુળધર્મમાં
પ્રવર્તે છે તે જ પ્રમાણે આ પણ પ્રવર્તે છે. જો કુળક્રમથી જ ધર્મ હોય તો મુસલમાનાદિ સર્વ
ધર્માત્મા જ ઠરે, અને તો પછી જૈનધર્મનું વિશેષપણું શું રહ્યું?