સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૧૯
કહ્યું છે કે —
लोयम्मि रायणीई णायं ण कुलकम्म कइयावि ।
किं पुण तिलोयपहुणो जिणंदधम्मादिगारम्मि ।।
(ઉપ સિ. ૨. માળા, ગા. ૭)
અર્થઃ — લોકમાં એવી રાજનીતિ છે કે – કુળક્રમવડે કદી તેનો ન્યાય થતો નથી. જેનું
કુળ ચોર છે, તેને ચોરી કરતાં પકડી લે તો તેનો કુળક્રમ છે એમ માનીને છોડતા નથી પણ
દંડ જ આપે છે, તો ત્રિલોકપ્રભુ જિનેન્દ્રદેવના ધર્માધિકારમાં શું કુળક્રમાનુસાર ન્યાય સંભવે છે?
વળી જો પિતા દરિદ્રી હોય અને પોતે ધનવાન થાય તો ત્યાં કુળક્રમ વિચારી પોતે
દરિદ્રી રહેતો જ નથી, તો ધર્મમાં કુળનું શું પ્રયોજન છે? પિતા નરકમાં જાય અને પુત્ર મોક્ષ
જાય છે ત્યાં કુળક્રમ કયાં રહ્યો? જો કુળ ઉપર જ દ્રષ્ટિ હોય તો પુત્ર પણ નરકગામી થવો
જોઈએ, માટે ધર્મમાં કુળક્રમનું કાંઈપણ પ્રયોજન નથી.
શાસ્ત્રોના અર્થને વિચારીને જો કાળદોષથી જૈનધર્મમાં પણ પાપી પુરુષોએ કુદેવ – કુગુરુ –
કુધર્મ સેવનાદિરૂપ તથા વિષય – કષાય પોષણાદિરૂપ વિપરીત પ્રવૃત્તિ ચલાવી હોય તો તેનો ત્યાગ
કરી જિનઆજ્ઞાનુસાર પ્રવર્તવું યોગ્ય છે.
પ્રશ્નઃ — પરંપરા છોડી નવીન માર્ગમાં પ્રવર્તવું યોગ્ય નથી?
ઉત્તરઃ — જો પોતાની બુદ્ધિથી નવીન માર્ગ પકડે તો યોગ્ય નથી. જે પરંપરા
અનાદિનિધન જૈનધર્મનું સ્વરૂપ શાસ્ત્રોમાં પ્રરૂપણ કર્યું છે, તેની પ્રવૃત્તિ છોડી વચ્ચે કોઈ પાપી
પુરુષોએ અન્યથા પ્રવૃત્તિ ચલાવી હોય, તેને પરંપરા માર્ગ કેવી રીતે કહેવાય? તથા તેને છોડી
પુરાતન જૈનશાસ્ત્રોમાં જેવો ધર્મ પ્રરૂપ્યો હતો તેમ પ્રવર્ત્તે તો તેને નવીન માર્ગ કેમ કહેવાય?
બીજું, કુળમાં જેવી જિનદેવની આજ્ઞા છે તેવી જ ધર્મની પ્રવૃતિ હોય તો પોતે પણ
તે જ પ્રમાણે પ્રવર્તવું યોગ્ય છે, પરંતુ તેને કુળાચરણ ન જાણી, ધર્મ જાણી તેના સ્વરૂપ –
ફળાદિનો નિશ્ચય કરી અંગીકાર કરવો. જે સાચા ધર્મને પણ કુળાચાર જાણી પ્રવર્તે છે તેને
ધર્માત્મા કહી શકાય નહિ, કારણ કે – કુળના સર્વ તે આચરણને છોડે તો પોતે પણ છોડી દેશે.
વળી તે જે આચરણ કરે છે તે કુળના ભયથી કરે છે, પણ કાંઈ ધર્મબુદ્ધિથી કરતો નથી,
માટે તે ધર્માત્મા નથી.
તેથી કુળસંબંધી વિવાહાદિક કાર્યોમાં તો કુળક્રમનો વિચાર કરવો, પણ ધર્મ-
સંબંધી કાર્યોમાં કુળનો વિચાર ન કરવો, પરંતુ જેમ સત્યધર્મમાર્ગ છે તેમ જ પ્રવર્તવું
યોગ્ય છે.