સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૨૧
ઉત્તરઃ — મોક્ષમાર્ગમાં દેવ – ગુરુ – ધર્મ, જીવાદિ તત્ત્વ તથા બંધ – મોક્ષમાર્ગ પ્રયોજન –
ભૂત છે, માટે તેની તો પરીક્ષા અવશ્ય કરવી અને જે શાસ્ત્રોમાં એ સત્ય કહ્યાં હોય તેની
સર્વ આજ્ઞા માનવી, તથા જેમાં એ અન્યથા પ્રરૂપ્યા હોય તેની આજ્ઞા ન માનવી.
જેમ લોકમાં જે પુરુષ પ્રયોજનભૂત કાર્યોમાં જૂઠ બોલતો નથી તે પ્રયોજનરહિત કાર્યમાં
કેવી રીતે જૂઠ બોલશે? તેમ જે શાસ્ત્રોમાં પ્રયોજનભૂત દેવાદિકનું સ્વરૂપ અન્યથા કહ્યું નથી,
તેમાં પ્રયોજનરહિત દ્વીપસમુદ્રાદિનું કથન અન્યથા કેવી રીતે હોય? કારણ કે – દેવાદિકનું કથન
અન્યથા કરતાં તો વક્તાના વિષય – કષાય પોષાય છે.
પ્રશ્નઃ — વિષય – કષાયવશ દેવાદિકનું કથન તો અન્યથા કર્યું, પણ તે જ
શાસ્ત્રોમાં બીજાં કથન અન્યથા શામાટે કર્યાં?
ઉત્તરઃ — જો એક જ કથન અન્યથા કરે તો તેનું અન્યથાપણું તુરત જ પ્રગટ થઈ
જાય, તથા જુદી પદ્ધતિ ઠરે નહિ; તે માટે ઘણાં કથન અન્યથા કરવાથી જુદી પદ્ધતિ ઠરે.
ત્યાં તુચ્છબુદ્ધિ ભ્રમમાં પડી જાય છે કે – ‘આ પણ મત છે આ પણ મત છે,’ એટલા માટે
પ્રયોજનભૂતનું અન્યથાપણું ભેળવવા અર્થે અપ્રયોજનભૂત પણ અન્યથા કથન ઘણાં કર્યાં, તથા
પ્રતીતિ કરાવવા અર્થે કોઈ કોઈ સાચા કથન પણ કર્યાં, પરંતુ ચતુર હોય તે ભ્રમમાં પડે નહિ,
પ્રયોજનભૂત કથનની પરીક્ષા કરી જેમાં સત્ય ભાસે તે મતની સર્વ આજ્ઞા માને.
એવી પરીક્ષા કરતાં એક જૈનમત જ સત્ય ભાસે છે — અન્ય નહિ, કારણ કે – એના
વક્તા શ્રી સર્વજ્ઞવીતરાગ છે, તેઓ જૂઠ શામાટે કહે? એ પ્રમાણે જિનઆજ્ઞા માનવાથી જે
સત્યશ્રદ્ધાન થાય તેનું નામ આજ્ઞાસમ્યક્ત્વ છે. તથા ત્યાં એકાગ્રચિંતવન હોવાથી તેનું જ નામ
આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
જો એમ ન માનીએ અને પરીક્ષા કર્યા વિના માત્ર આજ્ઞા માનવાથી સમ્યક્ત્વ વા
ધર્મધ્યાન થઈ જાય તો જે દ્રવ્યલિંગી આજ્ઞા માની મુનિ થયો છે, તથા આજ્ઞાનુસાર સાધનવડે
ગ્રૈવેયક સુધી જાય છે, તેને મિથ્યાદ્રષ્ટિપણું કેવી રીતે રહ્યું? માટે કંઈક પરીક્ષા કરી, આજ્ઞા
માનવાથી જ સમ્યક્ત્વ વા ધર્મધ્યાન થાય છે. લોકમાં પણ કોઈ પ્રકારથી પરીક્ષા કરીને જ
પુરુષની પ્રતીતિ કરે છે.
વળી તેં કહ્યું કે — જિનવચનમાં સંશય કરવાથી સમ્યક્ત્વમાં શંકા નામનો દોષ થાય
છે, પણ ‘‘ન માલૂમ આ કેમ હશે? એવું માની નિર્ણય ન કરીએ ત્યાં શંકા નામનો દોષ
થાય, તથા જો નિર્ણય કરવા માટે વિચાર કરતાં જ સમ્યક્ત્વમાં દોષ લાગે તો અષ્ટસહસ્રીમાં
આજ્ઞાપ્રધાની કરતાં પરીક્ષાપ્રધાનીને ઉત્તમ શામાટે કહ્યો? પૃચ્છના આદિને સ્વાધ્યાયનાં અંગ
કેવી રીતે કહ્યાં? પ્રમાણ – નયવડે પદાર્થોનો નિર્ણય કરવાનો ઉપદેશ શામાટે આપ્યો? માટે
પરીક્ષા કરી આજ્ઞા માનવી યોગ્ય છે.