સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૨૩
ઉત્તરઃ — ત્યાં દયાદિકનો અંશમાત્ર તો આવ્યો! માટે એ લક્ષણોને અતિવ્યાપ્તિપણું
હોય છે, તેથી એનાથી સાચી પરીક્ષા થાય નહિ.
તો કેવી રીતે થાય? જૈનધર્મમાં તો સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે,
ત્યાં સત્યદેવાદિક વા જીવાદિકનું શ્રદ્ધાન કરવાથી સમ્યગ્દર્શન થાય છે, તેને યથાર્થ જાણતાં
સમ્યગ્જ્ઞાન થાય છે, તથા ખરેખરા રાગાદિક મટતાં સમ્યક્ચારિત્ર થાય છે. હવે તેના સ્વરૂપનું
જેવું જૈનમતમાં નિરૂપણ કર્યું છે, તેવું કોઈપણ ઠેકાણે નિરૂપણ કર્યું નથી, તથા જૈન વિના
અન્યમતીઓ એવાં કાર્યો કરી શકતા નથી. માટે એ જ જૈનમતનું સાચું લક્ષણ છે. એ લક્ષણને
ઓળખીને જે પરીક્ષા કરે છે તે જ શ્રદ્ધાની છે, પણ એ વિના અન્ય પ્રકારથી જે પરીક્ષા કરે
છે, તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે.
વળી કેટલાક સંગતિવડે જૈનધર્મ ધારે છે, કેટલાક મહાન પુરુષને જૈનધર્મમાં પ્રવર્તતા
દેખી પોતે પણ તેમાં પ્રવર્તે છે, તથા કોઈ દેખાદેખી જૈનધર્મની શુદ્ધ – અશુદ્ધ ક્રિયાઓમાં પ્રવર્તે
છે, – ઇત્યાદિ અનેક પ્રકારના જીવો પોતે તો વિચારપૂર્વક જૈનધર્મનાં રહસ્યને પિછાણતા નથી,
અને જૈનનામ ધરાવે છે, તે સર્વ મિથ્યાદ્રષ્ટિ જ જાણવા.
હા, એટલું ખરું કે — જૈનમતમાં પાપપ્રવૃત્તિ વિશેષ થઈ શકતી નથી અને પુણ્યનાં
નિમિત્ત ઘણાં છે, તથા સાચા મોક્ષમાર્ગનાં કારણ પણ ત્યાં બન્યાં રહે છે; તેથી જે કુળાદિકથી
પણ જૈની છે તેઓ બીજાઓ કરતાં તો ભલા જ છે.
❀ સાંસારિક પ્રયોજન અર્થે ધાર્મધાારક વ્યવહારાભાસી ❀
જે જીવ આજીવિકા અર્થે, મોટાઈ માટે, વા કોઈ વિષય – કષાયસંબંધી પ્રયોજન વિચારી
કપટથી જૈન થાય છે તે તો પાપી જ છે; કારણ કે – અતિ તીવ્રકષાય થતાં જ એવી બુદ્ધિ થાય
છે; તેમનું સુલઝવું પણ કઠણ છે. જૈનધર્મ તો સંસારનાશના અર્થે સેવવામાં આવે છે, જે એ
વડે સાંસારિક પ્રયોજન સાધવા ઇચ્છે છે તે મોટો અન્યાય કરે છે, માટે તે તો મિથ્યાદ્રષ્ટિ
જ છે.
પ્રશ્નઃ — હિંસાદિકવડે જે કાર્યો કરીએ, તે કાર્યો ધર્મસાધનવડે સિદ્ધ કરીએ
તો તેમાં બૂરું શું થયું? એથી તો બંને પ્રયોજન સધાય છે?
ઉત્તરઃ — પાપકાર્ય અને ધર્મકાર્યનું એકસાધન કરતાં તો પાપ જ થાય. જેમ કોઈ
ધર્મના સાધનરૂપ ચૈત્યાલય બનાવી, તેને જ સ્ત્રીસેવનાદિ પાપોનું પણ સાધન કરે; તો તેથી
પાપ જ થાય. હિંસાદિક કરી ભોગાદિકના અર્થે જુદું મંદિર બનાવે તો બનાવો, પરંતુ
ચૈત્યાલયમાં ભોગાદિક કરવા યોગ્ય નથી; તેમ પૂજા – શાસ્ત્રાદિક કે જે ધર્મનાં સાધનરૂપ કાર્યો
છે, તેને જ આજીવિકાદિ પાપનાં પણ સાધન બનાવે તો પાપી જ થાય. આજીવિકાદિક અર્થે