૨૨૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
હિંસાદિકવડે વ્યાપારાદિક કરે તો કરો, પરંતુ પૂજનાદિ કાર્યોમાં તો આજીવિકાદિનું પ્રયોજન
વિચારવું યોગ્ય નથી.
પ્રશ્નઃ — જો એ પ્રમાણે છે તો મુનિ પણ ધર્મસાધન અર્થે પરઘર ભોજન કરે
છે, તથા સાધર્મી સાધર્મીનો ઉપકાર કરે – કરાવે છે, તે કેમ બને?
ઉત્તરઃ — તેઓ પોતે કાંઈ આજીવિકાદિનું પ્રયોજન વિચારી ધર્મ સાધતા નથી, પરંતુ
તેમને ધર્માત્મા જાણી કેટલાક સ્વયં ભોજન – ઉપકારાદિક કરે છે તો તેમાં કાંઈ દોષ નથી; પણ
જે પોતે જ ભોજનાદિકનું પ્રયોજન વિચારી ધર્મ સાધે છે, તે તો પાપી જ છે. જે વૈરાગ્યવાન
થઈ મુનિપણું અંગીકાર કરે છે, તેને ભોજનાદિનું પ્રયોજન હોતું નથી, કોઈ સ્વયં ભોજનાદિક
આપે તો શરીરની સ્થિતિ અર્થે લે, નહિ તો સમતા રાખે છે — સંક્લેશરૂપ થતા નથી, વળી તેઓ
પોતાના હિત અર્થે ધર્મ સાધે છે, તથા પોતાને જેનો ત્યાગ નથી એવો ઉપકાર કરાવે છે, પણ
ઉપકાર કરાવવાનો અભિપ્રાય નથી. કોઈ સાધર્મી સ્વયં ઉપકાર કરે તો કરે, તથા ન કરે તો
તેથી પોતાને કાંઈ સંક્લેશ થતો નથી. હવે એ પ્રમાણે તો યોગ્ય છે, પણ જો પોતે જ આજીવિકાદિનું
પ્રયોજન વિચારી બાહ્યધર્મસાધન કરે અને કોઈ ભોજનાદિક ઉપકાર ન કરે તો સંક્લેશ કરે, યાચના
કરે, ઉપાય કરે વા ધર્મસાધનમાં શિથિલ થઈ જાય, તો તેને પાપી જ જાણવો.
એ પ્રમાણે સાંસારિક પ્રયોજન અર્થે જે ધર્મ સાધે છે તે પાપી પણ છે અને મિથ્યાદ્રષ્ટિ
તો છે જ.
એ પ્રમાણે જૈનમતવાળા પણ મિથ્યાદ્રષ્ટિ જાણવા.
❀ વ્યવહારાભાસી ધાર્મધાારકોની સામાન્ય પ્રવૃત્તિ ❀
હવે તેમને ધર્મનું સાધન કેવું હોય છે તે અહીં વિશેષ દર્શાવીએ છીએઃ –
જે જીવો કુળપ્રવૃત્તિવડે વા દેખાદેખી લોભાદિકના અભિપ્રાયપૂર્વક ધર્મ સાધન કરે છે,
તેમને તો ધર્મદ્રષ્ટિ જ નથી, કારણ કે તેઓ જો ભક્તિ કરે છે તો ચિત્ત તો ક્યાંય છે, દ્રષ્ટિ
ફર્યા કરે છે, તથા મુખેથી પાઠાદિક વા નમસ્કારાદિક કરે છે, પરંતુ તે ઠીક નથી. તેમને ‘‘હું
કોણ છું , કોની સ્તુતિ કરું છું, શું પ્રયોજન અર્થે સ્તુતિ કરું છું, તથા આ પાઠનો શો અર્થ
છે?’’ એ આદિનું કાંઈ ભાન નથી.
કદાચિત્ કુદેવાદિકની પણ સેવા કરવા લાગી જાય છે, ત્યાં સુદેવ – ગુરુ – શાસ્ત્રાદિમાં
અને કુદેવ – ગુરુ – શાસ્ત્રાદિમાં વિશેષતાની પિછાણ નથી.
વળી તે દાન આપે છે તો પાત્ર – અપાત્રના વિચારરહિત જેમ પોતાની પ્રશંસા થાય તેમ
આપે છે.