સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૨૭
ત્યાં અનિષ્ટ નાશ અને ઇષ્ટ પ્રાપ્તિના કારણમાં ઉપચારથી અરહંતાદિની ભક્તિ કહીએ છીએ;
પણ જે જીવ પહેલાંથી જ સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે છે તેને તો પાપનો જ
અભિપ્રાય રહ્યો કાંક્ષા, વિચિકિત્સારૂપ ભાવ થતાં એ વડે પૂર્વ પાપનું સંક્રમણાદિ કેવી રીતે
થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહિ.
વળી કેટલાક જીવ ભક્તિને મોક્ષનું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે છે,
પણ તે તો જેમ અન્યમતી ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન થયું; પરંતુ ભક્તિ
તો રાગરૂપ છે અને રાગથી બંધ છે માટે તે મોક્ષનું કારણ નથી. રાગનો ઉદય આવતાં
જો ભક્તિ ન કરે તો પાપાનુરાગ થાય એટલા માટે અશુભરાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં
પ્રવર્તે છે અને મોક્ષમાર્ગમાં બાહ્ય નિમિત્તમાત્ર પણ જાણે છે, પરંતુ ત્યાં જ ઉપાદેયપણું માની
સંતુષ્ટ થતો નથી પણ શુદ્ધોપયોગનો ઉદ્યમી રહે છે.
તે જ શ્રી પંચાસ્તિકાયની (ગાથા ૧૩૬ની) વ્યાખ્યામાં પણ કહ્યું છે કે अयं हि स्थूल-
लक्ष्यतया केवलभक्ति प्राधान्यस्योअज्ञानिनो भवति। उपरितनभूमिकायालब्धास्पदस्यास्थानरागनिषेधार्थं
तीव्ररागज्वरविनोदार्थं वा कदाचिज्ज्ञानिनोऽपि भवतीति।
અર્થઃ — આ ભક્તિ, કેવળભક્તિ જ છે પ્રધાન જેને એવા અજ્ઞાની જીવોને જ હોય
છે, તથા તીવ્ર રાગજ્વર મટાડવા અર્થે વા કુસ્થાનના રાગનો નિષેધ કરવાને અર્થે કદાચિત્
જ્ઞાનીને પણ હોય છે.
પ્રશ્નઃ – જો એમ છે, તો જ્ઞાની કરતાં અજ્ઞાનીને ભક્તિની વિશેષતા થતી હશે?
ઉત્તરઃ — યથાર્થપણાની અપેક્ષાએ તો જ્ઞાનીને સાચી ભક્તિ છે, અજ્ઞાનીને નહિ; તથા
રાગભાવની અપેક્ષાએ અજ્ઞાનીને શ્રદ્ધાનમાં પણ ભક્તિને મુક્તિનું કારણ જાણવાથી અતિ
અનુરાગ છે; જ્ઞાનીના શ્રદ્ધાનમાં તેને શુભબંધનું કારણ જાણવાથી તેવો અનુરાગ નથી. બાહ્યમાં
કદાચિત્ જ્ઞાનીને ઘણો અનુરાગ હોય છે, કદાચિત્ અજ્ઞાનીને પણ હોય છે — એમ જાણવું.
એ પ્રમાણે દેવભક્તિનું સ્વરૂપ બતાવ્યું.
ગુરુભકિતનું અન્યથારુપ
હવે તેને ગુરુભક્તિ કેવી હોય છે તે કહીએ છીએઃ —
કેટલાક જીવ આજ્ઞાનુસારી છે તેઓ તો ‘આ જૈનના સાધુ છે, અમારા ગુરુ છે, માટે
તેમની ભક્તિ કરવી’ – એમ વિચારી તેમની ભક્તિ કરે છે; તથા કેટલાક જીવ પરીક્ષા પણ કરે
છે તો ત્યાં ‘‘આ મુનિ દયા પાળે છે, શીલ પાળે છે, ધનાદિ રાખતા નથી, ઉપવાસાદિ તપ
કરે છે, ક્ષુધાદિપરિષહ સહન કરે છે, કોઈથી ક્રોધાદિ કરતા નથી, ઉપદેશ આપી બીજાઓને
ધર્મમાં લગાવે છે,’’ — ઇત્યાદિ ગુણ વિચારી તેમાં ભક્તિભાવ કરે છે, પણ એવા ગુણો તો