૨૨૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
પરમહંસાદિ અન્યમતીઓમાં તથા જૈની મિથ્યાદ્રષ્ટિઓમાં પણ હોય છે, માટે એમાં
અતિવ્યાપ્તિપણું છે, એ વડે સાચી પરીક્ષા થાય નહિ; વળી તે જે ગુણોનો વિચાર કરે છે તેમાં
કેટલાક જીવાશ્રિત છે તથા કેટલાક પુદ્ગલાશ્રિત છે, તેની વિશેષતા નહિ જાણવાથી
અસમાનજાતીય મુનિપર્યાયમાં એકત્વબુદ્ધિથી તે મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. સમ્યગ્દર્શન – જ્ઞાન –
ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ મુનિઓનું સાચું લક્ષણ છે તેને ઓળખતો નથી.
જો એ ઓળખાણ થાય તો તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ. એ પ્રમાણે મુનિનું સાચું સ્વરૂપ
જ ન જાણે તો તેને સાચી ભક્તિ કેવી રીતે હોય? માત્ર પુણ્યબંધના કારણભૂત શુભક્રિયારૂપ
ગુણોને ઓળખી તેની સેવાથી પોતાનું ભલું થવું જાણી તેનામાં અનુરાગી થઈ ભક્તિ કરે છે.
એ પ્રમાણે તેની ગુરુભક્તિનું સ્વરૂપ કહ્યું.
શાસ્ત્રભકિતનું અન્યથાપણું
હવે શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહીએ છીએઃ —
કેટલાક જીવ તો આ કેવળી ભગવાનની વાણી છે માટે કેવળીના પૂજ્યપણાથી આ પણ
પૂજ્ય છે — એમ જાણી ભક્તિ કરે છે, તથા કેટલાક આ પ્રમાણે પરીક્ષા કરે કે – આ શાસ્ત્રોમાં
વૈરાગ્યતા, દયા, ક્ષમા, શીલ, સંતોષાદિકનું નિરૂપણ છે માટે તે ઉત્કૃષ્ટ છે, એમ જાણી તેની
ભક્તિ કરે છે, પણ એવાં કથન તો અન્ય શાસ્ત્ર – વેદાન્તાદિકમાં પણ હોય છે.
વળી આ શાસ્ત્રોમાં ત્રિલોકાદિનું ગંભીર નિરૂપણ છે માટે ઉત્કૃષ્ટતા જાણી ભક્તિ કરે
છે; પરંતુ અહીં અનુમાનાદિકનો તો પ્રવેશ નથી તેથી સત્ય-અસત્યનો નિર્ણય કરીને મહિમા
કેવી રીતે જાણે? માટે એ પ્રમાણે તો સાચી પરીક્ષા થાય નહિ. અહીં તો અનેકાન્તરૂપ સાચા
જીવાદિતત્ત્વોનું નિરૂપણ છે તથા સાચો રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ દર્શાવ્યો છે તેથી
જૈનશાસ્ત્રોની ઉત્કૃષ્ટતા છે તેને ઓળખતો નથી, કેમકે જો એ ઓળખાણ થઈ જાય
તો તે મિથ્યાદ્રષ્ટિ રહે નહિ.
એ પ્રમાણે શાસ્ત્રભક્તિનું સ્વરૂપ કહ્યું.
એ પ્રમાણે તેને દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ થઈ છે તેથી તે પોતાને વ્યવહારસમ્યક્ત્વ થયું
માને છે, પરંતુ તેનું સાચું સ્વરૂપ ભાસ્યું નથી તેથી પ્રતીતિ પણ સાચી થઈ નથી, અને સાચી
પ્રતીતિ વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ નથી તેથી મિથ્યાદ્રષ્ટિ જ છે.
તત્ત્વાર્થશ્રદ્ધાનનું અયથાર્થપણું
વળી શાસ્ત્રમાં ‘तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्’ (મોક્ષશાસ્ત્ર અ. ૧ સૂત્ર ૨) એવું વચન કહ્યું
છે; તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદિતત્ત્વ લખ્યાં છે તેમ પોતે શીખી લે છે, અને ત્યાં ઉપયોગ