૨૩૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
✾ બંધાતત્ત્વનું અન્યથારુપ ✾
વળી બંધતત્ત્વમાં જે અશુભભાવોથી નરકાદિરૂપ પાપબંધ થાય તેને તો બૂરો જાણે અને
શુભભાવવડે દેવાદિરૂપ પુણ્યબંધ થાય તેને ભલો જાણે; પણ એ પ્રમાણે દુઃખ-સામગ્રીમાં દ્વેષ
અને સુખસામગ્રીમાં રાગ તો બધા જીવોને હોય છે, તેથી તેને પણ રાગ-દ્વેષ કરવાનું શ્રદ્ધાન
થયું. જેવો આ પર્યાયસંબંધી સુખદુઃખસામગ્રીમાં રાગ-દ્વેષ કરવો થયો, તેવો જ ભાવી
પર્યાયસંબંધી સુખદુઃખસામગ્રીમાં રાગ-દ્વેષ કરવો થયો.
વળી શુભાશુભભાવોવડે પુણ્ય-પાપનાં વિશેષો તો અઘાતિકર્મોમાં થાય છે, પણ
અઘાતિકર્મો આત્મગુણનાં ઘાતક નથી. બીજું શુભાશુભભાવોમાં ઘાતિકર્મોનો તો નિરંતર બંધ થાય
છે, જે સર્વ પાપરૂપ જ છે અનેે એ જ આત્મગુણનો ઘાતક છે; માટે અશુદ્ધ (શુભાશુભ)
ભાવોવડે કર્મબંધ થાય છે તેમાં ભલો-બૂરો જાણવો એ જ મિથ્યાશ્રદ્ધાન છે.
એવા શ્રદ્ધાનથી બંધતત્ત્વનું પણ તેને સત્યશ્રદ્ધાન નથી.
✾ સંવરતત્ત્વનું અન્યથારુપ ✾
વળી સંવરતત્ત્વમાં-અહિંસાદિરૂપ શુભાસ્રવભાવને સંવર માને છે, પરંતુ એક જ કારણથી
પુણ્યબંધ પણ માનીએ તથા સંવર પણ માનીએ એમ બને નહિ.
પ્રશ્નઃ – મુનિને એક કાળમાં એક ભાવ થાય છે, ત્યાં તેમને બંધ પણ થાય
છે, તથા સંવર-નિર્જરા પણ થાય છે, તે કેવી રીતે?
ઉત્તરઃ – એ ભાવ મિશ્રરૂપ છે, કંઈક વીતરાગ થયા છે તથા કંઈક સરાગ રહેલ છે.
જે અંશ વીતરાગ થયો તે વડે તો સંવર છે, તથા જે અંશ સરાગ રહ્યો તે વડે બંધ છે;
હવે (મિશ્ર એવા) એક ભાવથી તો બે કાર્ય બને છે, પણ એક પ્રશસ્તરાગથી જ પુણ્યાસ્રવ
પણ માનવો તથા સંવર-નિર્જરા પણ માનવી એ ભ્રમ છે. મિશ્રભાવમાં પણ આ સરાગતા છે,
આ વિરાગતા છે — એવી ઓળખાણ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, તેથી તે અવશેષ સરાગભાવને
હેયરૂપ શ્રદ્ધે છે. મિથ્યાદ્રષ્ટિને એવી ઓળખાણ નથી, તેથી તે સરાગભાવમાં સંવરના ભ્રમથી
પ્રશસ્તરાગરૂપ કાર્યોને ઉપાદેય શ્રદ્ધે છે.
વળી સિદ્ધાંતમાં ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય તથા ચારિત્ર – તે વડે સંવર
થાય છે એમ કહ્યું છે, તેનું પણ તે યથાર્થ શ્રદ્ધાન કરતો નથી.
કેવી રીતે તે અહીં કહીએ છીએઃ —
ગુપ્તિઃ – મન-વચન-કાયાની બાહ્ય ચેષ્ટા મટાડે, પાપચિંતવન ન કરે, મૌન ધારે,
ગમનાદિ ન કરે, તેને તે ગુપ્તિ માને છે; હવે મનમાં તો ભક્તિ આદિરૂપ પ્રશસ્તરાગાદિ