સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૩૫
જ ઠરે, પણ એમ તો બને નહિ, કારણ – પરિણામ દુષ્ટ થતાં ઉપવાસાદિ કરતાં પણ નિર્જરા
થવી કેમ સંભવે?
વળી અહીં જો એમ કહેશો કે – ‘જેવો અશુભ – શુભ – શુદ્ધરૂપ ઉપયોગ પરિણમે તે
અનુસાર બંધ – નિર્જરા છે.’ તો ઉપવાસાદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું? ત્યાં તો
અશુભ – શુભ પરિણામ બંધના કારણ ઠર્યાં, તથા શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ ઠર્યો.
પ્રશ્નઃ – તો તત્ત્વાર્થસૂત્રમાં ‘तपसा निर्जरा च’ (અ. ૯ સૂ. ૩) એમ શામાટે કહ્યું છે?
ઉત્તરઃ – શાસ્ત્રમાં ‘इच्छानिरोधस्तपः’ એમ કહ્યું છે અર્થાત્ ઇચ્છાને રોકવી તેનું નામ તપ
છે. શુભ – અશુભ ઇચ્છા મટતાં ઉપયોગ શુદ્ધ થાય છે ત્યાં નિર્જરા થાય છે તેથી તપવડે નિર્જરા
કહી છે.
પ્રશ્નઃ – આહારાદિરૂપ અશુભની ઇચ્છા તો દૂર થતાં જ તપ થાય પરંતુ
ઉપવાસાદિ વા પ્રાયશ્ચિત્તાદિ શુભકાર્ય છે તેની ઇચ્છા તો રહે?
ઉત્તરઃ – જ્ઞાનીપુરુષોને ઉપવાસાદિની ઇચ્છા નથી, એક શુદ્ધોપયોગની ઇચ્છા છે, હવે
ઉપવાસાદિ કરતાં શુદ્ધોપયોગ વધે છે તેથી તેઓ ઉપવાસાદિક કરે છે, પણ જો ઉપવાસાદિથી
શરીરની વા પરિણામોની શિથિલતાને કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો તેઓ
આહારાદિક ગ્રહણ કરે છે. જો ઉપવાસાદિથી જ સિદ્ધિ થાય તો શ્રી અજિતનાથાદિ ત્રેવીસ
તીર્થંકરો દીક્ષા લઈ બે ઉપવાસ જ કેમ ધારણ કરે? તેમની તો શક્તિ પણ ઘણી હતી, પરંતુ
જેવા પરિણામ થયા તેવાં બાહ્યસાધનવડે એક વીતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કર્યો.
પ્રશ્નઃ – જો એમ છે તો અનશનાદિકને તપસંજ્ઞા કેવી રીતે કહી?
ઉત્તરઃ – એને બાહ્યતપ કહ્યાં છે. બાહ્યનો અર્થ એ છે કે--બહાર બીજાઓને દેખાય
કે – ‘આ તપસ્વી છે,’ પણ પોતે તો જેવો અંતરંગપરિણામ થશે તેવું જ ફળ પામશે. કારણ
કે-પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી.
પ્રશ્નઃ – શાસ્ત્રમાં તો અકામનિર્જરા કહી છે, ત્યાં ઇચ્છા વિના ભૂખ-તૃષાદિ
સહન કરતાં નિર્જરા થાય છે તો ઉપવાસાદિવડે કષ્ટ સહતાં નિર્જરા કેમ ન થાય?
ઉત્તરઃ – અકામનિર્જરામાં પણ બાહ્યનિમિત્ત તો ઇચ્છારહિત ભૂખ-તૃષા સહન કરવી એ
થયું છે તથા ત્યાં જો મંદકષાયરૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય – દેવાદિ પુણ્યનો બંધ
થાય; પરંતુ જો તીવ્રકષાય થતાં પણ કષ્ટ સહન કરતાં પુણ્યબંધ થાય તો સર્વ તિર્યંચાદિક દેવ
જ થાય, પણ એમ બને નહિ, એ જ પ્રમાણે ઇચ્છા કરી ઉપવાસાદિ કરતાં ત્યાં ભૂખ-તૃષાદિ
કષ્ટ સહન કરીએ છીએ તે બાહ્યનિમિત્ત છે પણ ત્યાં જેવા પરિણામ હોય તેવું ફળ પામે છે.