૨૩૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
જેમ અન્નને પ્રાણ કહ્યો છે તેમ. એ પ્રમાણે બાહ્યસાધન થતાં અંતરંગતપની વૃદ્ધિ થાય છે
તેથી ઉપચારથી તેને તપ કહે છે; પણ જે બાહ્યતપ તો કરે અને અંતરંગતપ ન હોય તો
ઉપચારથી તેને પણ તપસંજ્ઞા નથી. કહ્યું છે કેઃ —
कषायविषयाहारोत्यागो यत्र विधीयते ।
उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः ।। (સુભાષિતરત્નસંદોહ)
અર્થાત્ – જ્યાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ
જાણવો; બાકીનાને શ્રીગુરુ લાંઘણ કહે છે.
અહીં કોઈ કહે કે – જો એમ છે તો અમે ઉપવાસાદિ નહિ કરીએ?
તેને કહીએ છીએ — ઉપદેશ તો ઊંચે ચઢવા અર્થે આપવામાં આવે છે, પણ તું ઊલટો
નીચો પડેે તો ત્યાં અમે શું કરીએ? જો તું માનાદિકથી ઉપવાસાદિક કરે છે તો કર વા ન કર,
પણ તેથી કાંઈ સિદ્ધિ નથી, પણ જો ધર્મબુદ્ધિથી આહારાદિકનો અનુરાગ છોડે છે તો જેટલો
રાગ છૂટ્યોે તેટલો જ છૂટ્યોે, પરંતુ તેને જ તપ જાણી તેનાથી નિર્જરા માની સંતુષ્ટ ન થા!
પણ અંતરંગતપોમાં પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ
ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્યતપવત્ જ જાણવું. જેવી અનશનાદિ બાહ્યક્રિયા છે તેવી
એ પણ બાહ્યક્રિયા છે. તેથી પ્રાયશ્ચિત્તાદિ બાહ્યસાધન પણ અંતરંગતપ નથી; પરંતુ એવું
બાહ્યપ્રવર્તન થતાં જે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગતપ
જાણવું.
ત્યાં પણ એટલું વિશેષ છે કે ઘણી શુદ્ધતા થતાં શુદ્ધોપયોગરૂપ પરિણતિ થાય છે; ત્યાં
તો નિર્જરા જ છે, બંધ થતો નથી. અને થોડી શુદ્ધતા થતાં શુભોપયોગનો પણ અંશ રહે છે,
તેથી જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિર્જરા છે તથા જેટલો શુભભાવ છે તેનાથી
બંધ છે અને એવો મિશ્રભાવ જ્યાં યુગપત્ હોય છે ત્યાં બંધ વા નિર્જરા બંને હોય છે.
પ્રશ્નઃ – શુભભાવોથી પાપની નિર્જરા અને પુણ્યનો બંધ થાય છે પરંતુ
શુદ્ધભાવોથી બંનેની નિર્જરા થાય છે – એમ કેમ ન કહો?
ઉત્તરઃ – મોક્ષમાર્ગમાં સ્થિતિનું તો ઘટવું બધી જ પ્રકૃતિઓનું થાય છે, ત્યાં પુણ્ય-
પાપની વિશેષતા છે જ નહિ, તથા અનુભાગનું ઘટવું પુણ્યપ્રકૃતિઓમાં શુદ્ધોપયોગથી પણ થતું
નથી. ઉપર ઉપર પુણ્યપ્રકૃતિઓના અનુભાગનો તીવ્ર બંધ-ઉદય થાય છે તથા પાપપ્રકૃતિઓના
પરમાણુ પલટી શુભપ્રકૃતિરૂપ થાય છે – એવું સંક્રમણ શુભ અને શુદ્ધ બંને ભાવ થતાં થાય છે,
માટે પૂર્વોક્ત નિયમ સંભવતો નથી પણ વિશુદ્ધતાના જ અનુસાર નિયમ સંભવે છે.