સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૩૭
જુઓ! ચોથા ગુણસ્થાનવાળો શાસ્ત્રાભ્યાસ, આત્મચિંતવન આદિ કાર્ય કરે – ત્યાં પણ તેને
(ગુણશ્રેણી) નિર્જરા નથી, બંધ પણ ઘણો થાય છે. અને પાંચમા ગુણસ્થાનવાળો વિષયસેવનાદિ
કાર્ય કરે ત્યાં પણ તેને ગુણશ્રેણી નિર્જરા થતી રહે છે, બંધ પણ થોડો થાય છે તથા પાંચમા
ગુણસ્થાનવાળો ઉપવાસાદિ વા પ્રાયશ્ચિત્તાદિ તપ કરે તે કાળમાં પણ તેને નિર્જરા થોડી હોય
છે, અને છઠ્ઠા ગુણસ્થાનવાળો આહાર વિહારાદિ ક્રિયા કરે તે કાળમાં પણ તેને નિર્જરા ઘણી
થાય છે અને બંધ તેનાથી પણ થોડો થાય છે.
માટે બાહ્યપ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી, પણ અંતરંગ કષાયશક્તિ ઘટવાથી
વિશુદ્ધતા થતાં નિર્જરા થાય છે. તેનું પ્રગટસ્વરૂપ આગળ નિરૂપણ કરીશું ત્યાંથી
જાણવું.
એ પ્રમાણે અનશનાદિ ક્રિયાને તપસંજ્ઞા ઉપચારથી છે એમ જાણવું, અને તેથી જ તેને
વ્યવહારતપ કહ્યું છે, વ્યવહાર ઉપચારનો એક અર્થ છે. વળી એવા સાધનથી જે વીતરાગ-
ભાવરૂપ વિશુદ્ધતા થાય તે જ સાચું તપ નિર્જરાનું કારણ જાણવું.
દ્રષ્ટાંત — જેમ ધન વા અન્યને પ્રાણ કહ્યા છે તેનું કારણ, ધનથી અન્ન લાવી તેનું
ભક્ષણ કરી પ્રાણોનું પોષણ કરવામાં આવે છે તેથી ઉપચારથી ધન અને અન્નને પ્રાણ કહ્યા
છે. કોઈ ઇન્દ્રિયાદિક પ્રાણોને ન જાણે અને તેને જ પ્રાણ જાણી સંગ્રહ કરે તો તે મરણ જ
પામે, તેમ અનશનાદિક વા પ્રાયશ્ચિત્તાદિકને તપ કહ્યાં છે, કારણ કે અનશનાદિ સાધનથી
પ્રાયશ્ચિત્તાદિરૂપ પ્રવર્તન કરીને વીતરાગભાવરૂપ સત્યતપનું પોષણ કરવામાં આવે છે, તેથી એ
અનશનાદિને વા પ્રાયશ્ચિત્તાદિકને ઉપચારથી તપ કહ્યાં છે; પણ કોઈ વીતરાગભાવરૂપ તપને
તો ન જાણે અને તેને જ તપ જાણી સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ કરે.
ઘણું શું કહીએ! આટલું જ સમજી લેવું કે – નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે, તથા
અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્યસાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેને
વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી. આ રહસ્યને જાણતો નથી તેથી તેને નિર્જરાનું પણ
સાચું શ્રદ્ધાન નથી.
✾ મોક્ષતત્ત્વના શ્રદ્ધાનની અયથાર્થતા ✾
વળી સિદ્ધ થવું તેને તે મોક્ષ માને છે. જન્મ, જરા, મરણ, રોગ, ક્લેશાદિ દુઃખ દૂર
થયાં છે, અનંત જ્ઞાનવડે લોકાલોકનું તેને જાણવું થયું છે, ત્રૈલોક્યપૂજ્યપણું થયું છે —
ઇત્યાદિરૂપથી તેનો મહિમા જાણે છે, પણ એ પ્રમાણે દુઃખને દૂર કરવાની, જ્ઞેયને જાણવાની
તથા પૂજ્ય થવાની ઇચ્છા તો સર્વ જીવોને છે; જો એના જ અર્થે તેણે મોક્ષની ઇચ્છા કરી
તો તેને અન્ય જીવોના શ્રદ્ધાનથી વિશેષતા શી થઈ?