૨૩૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
વળી તેને એવો પણ અભિપ્રાય છે કે – સ્વર્ગમાં સુખ છે તેનાથી અનંતગણું મોક્ષમાં
સુખ છે. હવે એ ગુણાકારમાં તે સ્વર્ગ અને મોક્ષસુખની એક જાતિ જાણે છે; સ્વર્ગમાં તો
વિષયાદિ, સામગ્રીજનિત સુખ હોય છે તેની જાતિ તો તેને ભાસે છે, પણ મોક્ષમાં વિષયાદિ
સામગ્રી નથી એટલે ત્યાંના સુખની જાતિ તેને ભાસતી તો નથી, પરંતુ મહાપુરુષો મોક્ષને
સ્વર્ગથી પણ ઉત્તમ કહે છે તેથી આ પણ ઉત્તમ જ માને છે. જેમ કોઈ ગાયનના સ્વરૂપને
ઓળખતો નથી પણ સભાના સર્વલોક વખાણે છે તેથી પોતે પણ વખાણે છે, એ પ્રમાણે આ
મોક્ષને ઉત્તમ માને છે.
પ્રશ્નઃ – શાસ્ત્રમાં પણ ઇંદ્રાદિકથી અનંતગણું સુખ સિદ્ધોને છે એમ પ્રરૂપ્યું છે,
તેનું શું કારણ?
ઉત્તરઃ – જેમ તીર્થંકરનાં શરીરની પ્રભાને સૂર્યપ્રભાથી ક્રોડગુણી કહી ત્યાં તેની એક
જાતિ નથી પરંતુ લોકમાં સૂર્યપ્રભાનું માહાત્મ્ય છે તેનાથી પણ ઘણું માહાત્મ્ય જણાવવા અર્થે
એવો ઉપમાલંકાર કરીએ છીએ; તેમ સિદ્ધસુખને ઇન્દ્રાદિસુખથી અનંતગણું કહ્યું છે ત્યાં તેની
એક જાતિ નથી; પરંતુ લોકમાં ઇન્દ્રાદિસુખનું માહાત્મ્ય છે તેનાથી પણ ઘણું માહાત્મ્ય જણાવવા
અર્થે એવો ઉપમાલંકાર કરીએ છીએ.
પ્રશ્નઃ – સિદ્ધસુખ અને ઇંદ્રાદિસુખની તે એક જાતિ જાણે છે — એવો નિશ્ચય
તમે કેવી રીતે કર્યો?
ઉત્તરઃ – જે ધર્મસાધનનું ફળ સ્વર્ગ માને છે તે જ ધર્મસાધનનું ફળ તે મોક્ષ માને
છે કોઈ જીવ ઇંદ્રાદિપદ પામે તથા કોઈ મોક્ષ પામે ત્યાં એ બંનેને એકજાતિના ધર્મનું ફળ
થયું માને છે. એવું તો માને છે કે – જેને થોડું સાધન હોય છે તે ઇંદ્રાદિપદ પ્રાપ્ત ક્રરે છે
તથા જેને સંપૂર્ણ સાધન હોય છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે, પરંતુ ત્યાં તે ધર્મની જાતિ એક જાણે
છે, હવે જે કારણની જાતિ એક જાણે છે તેને કાર્યની પણ એક જાતિનું શ્રદ્ધાન અવશ્ય હોય.
કારણ કે — કારણ વિશેષતા થતાં જ કાર્ય વિશેષતા થાય છે, તેથી અમે નિશ્ચય કર્યો કે – તેના
અભિપ્રાયમાં ઇંદ્રાદિસુખ અને સિદ્ધસુખની જાતિમાં એક જાતિનું શ્રદ્ધાન છે.
વળી કર્મનિમિત્તથી આત્માને ઔપાધિકભાવ હતા તેનો અભાવ થતાં પોતે શુદ્ધ
સ્વભાવરૂપ કેવળ આત્મા થયો; જેમ પરમાણુ સ્કંધથી છૂટતાં શુદ્ધ થાય છે તેમ આ કર્માદિકથી
ભિન્ન થઈને શુદ્ધ થાય છે પણ તેમાં વિશેષતા એટલી છે કે – તે (પરમાણુ) બંને અવસ્થામાં
દુઃખી-સુખી નથી, પરંતુ આત્મા અશુદ્ધ અવસ્થામાં દુઃખી હતો, હવે તેનો અભાવ થવાથી
નિરાકુળલક્ષણ અનંતસુખની પ્રાપ્તિ થઈ.
બીજું ઇન્દ્રાદિકોને જે સુખ છે તે તો કષાયભાવોથી આકુળતારૂપ છે તેથી તે પરમાર્થથી