૨૪૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
શાસ્ત્રાભ્યાસમાં તત્પર રહે છે. ત્યાં શીખવું શીખવવું, યાદ કરવું, વાંચવું, ભણવું ઇંત્યાદિ ક્રિયામાં
તો ઉપયોગને રમાવે છે પરંતુ તેના પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી. આ ઉપદેશમાં મને કાર્યકારી
શું છે?’ તે અભિપ્રાય નથી, સ્વયં શાસ્ત્રાભ્યાસ કરીને અન્યને ઉપદેશ આપવાનો અભિપ્રાય
રાખે છે અને ઘણા જીવો ઉપદેશ માને ત્યાં પોતે સંતુષ્ટ થાય છે. પણ જ્ઞાનાભ્યાસ તો પોતાના
અર્થે કરવામાં આવે છે તથા અવસર પામીને પરનું પણ ભલું થતું હોય તો પરનું પણ ભલું
કરે; તથા કોઈ ઉપદેશ ન સાંભળે તો ન સાંભળો, પોતે શા માટે વિષાદ કરે? શાસ્ત્રાર્થનો
ભાવ જાણી પોતાનું ભલું કરવું.
વળી શાસ્ત્રાભ્યાસમાં પણ કેટલાક તો વ્યાકરણ, ન્યાય, કાવ્યાદિ શાસ્ત્રોનો
ઘણો અભ્યાસ કરે છે, પણ એ તો લોકમાં પંડિતતા પ્રગટ કરવાનાં કારણ છે. એમાં
આત્મ – હિતનું નિરૂપણ તો નથી, એનું પ્રયોજન તો એટલું જ છે કે – પોતાની બુદ્ધિ
ઘણી હોય તો તેનો થોડોઘણો અભ્યાસ કરી પછી આત્મહિતસાધક શાસ્ત્રોનો અભ્યાસ
કરવો, પણ જો થોડી બુદ્ધિ હોય તો આત્મહિતસાધક સુગમશાસ્ત્રોનો જ અભ્યાસ
કરવો, પરંતુ એ વ્યાકરણાદિનો જ અભ્યાસ કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ થઈ જાય
અને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ ન બને એમ તો ન કરવું.
પ્રશ્નઃ – એવું છે તો વ્યાકરણાદિનો અભ્યાસ ન કરવો જોઈએ?
ઉત્તરઃ – એના અભ્યાસ વિના મહાન ગ્રંથોનો અર્થ ખુલતો નથી, તેથી એનો પણ
અભ્યાસ કરવો યોગ્ય છે.
પ્રશ્નઃ – મહાન ગ્રંથ એવા શા માટે બનાવ્યા કે જેનો અર્થ વ્યાકરણાદિ વિના ન
ખુલે? ભાષાવડે સુગમરૂપ હિતોપદેશ કેમ ન લખ્યો? તેમને કાંઈ પ્રયોજન તો હતું નહિ?
ઉત્તરઃ – ભાષામાં પણ પ્રાકૃત-સંસ્કૃતાદિના જ શબ્દો છે, પરંતુ તે અપભ્રંશસહિત છે,
વળી જુદા જુદા દેશોમાં જુદા જુદા પ્રકારની ભાષા છે, હવે મહાનપુરુષ શાસ્ત્રોમાં અપભ્રંશ
શબ્દ કેમ લખે? બાળક તોતડું બોલે પણ મોટા તો ન બોલે; વળી એક દેશનાં ભાષારૂપ શાસ્ત્ર
બીજા દેેશમાં જાય તો ત્યાં તેનો અર્થ કેવી રીતે ભાસે? એટલા માટે પ્રાકૃત-સંસ્કૃતાદિ શુદ્ધ
શબ્દરૂપ ગ્રંથ રચ્યા.
તથા વ્યાકરણ વિના શબ્દનો અર્થ યથાવત્ ભાસે નહિ તથા ન્યાય વિના લક્ષણ પરીક્ષાદિ
યથાયોગ્ય થઈ શકે નહિ, ઇત્યાદિ વચન દ્વારા વસ્તુનો સ્વરૂપનિર્ણય વ્યાકરણાદિ વિના બરાબર
ન થતો જાણી તેની આમ્નાયાનુસાર કથન કર્યું છે. ભાષામાં પણ તેની થોડીઘણી આમ્નાય
મળવાથી જ ઉપદેશ થઈ શકે છે, પણ તેની ઘણી આમ્નાયથી બરાબર નિર્ણય થઈ શકે છે.