આદિ કાળ તથા રત્નત્રયાદિ ભાવ જે મારે નમસ્કાર કરવા યોગ્ય છે તેને નમસ્કાર કરું છું
તથા જે તેથી ન્યૂન વિનય કરવા યોગ્ય છે તેમનો પણ યથાયોગ્ય વિનય કરું છું. એ પ્રમાણે
પોતાના ઇષ્ટનું સન્માન કરી મંગલ કર્યું. હવે એ અરહંતાદિક ઇષ્ટ કેવી રીતે છે તેનો વિચાર
કરીએ છીએ.
જે વડે સુખ ઉપજે વા દુઃખ વિણસે એ કાર્યનું નામ પ્રયોજન છે. એ પ્રયોજનની
જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઇષ્ટ છે. હવે આ અવસરમાં અમને વીતરાગ વિશેષ જ્ઞાનનું
હોવું એ જ પ્રયોજન છે. કારણ કે એનાથી નિરાકુલ સત્યસુખની પ્રાપ્તિ થાય છે અને સર્વ
આકુલતારૂપ દુઃખનો નાશ થાય છે.
✾ અરિહંતાદિકથી પ્રયોજન સિદ્ધિ ✾
વળી એ પ્રયોજનની સિદ્ધિ શ્રી અરિહંતાદિક વડે થાય છે. કેવી રીતે તે અહીં વિચારીએ
છીએ. આત્માના પરિણામ ત્રણ પ્રકારના છે. સંક્લેશ, વિશુદ્ધ અને શુદ્ધ. તીવ્ર કષાયરૂપ સંકલેશ
છે, મંદકષાયરૂપ વિશુદ્ધ છે અને કષાયરહિત શુદ્ધ પરિણામ છે. હવે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ
પોતાના સ્વભાવના ઘાતક જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો તો સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય
છે, વિશુદ્ધ પરિણામ વડે મંદ બંધ થાય છે વા વિશુદ્ધ પરિણામ પ્રબલ હોય તો પૂર્વના તીવ્ર
બંધને પણ મંદ કરે છે; તથા શુદ્ધ પરિણામ વડે બંધ થતો જ નથી, કેવળ તેની નિર્જરા જ
થાય છે. અરિહંતાદિક પ્રત્યે જે સ્તવનાદિરૂપ ભાવ થાય છે તે કષાયની મંદતાપૂર્વક હોય છે
માટે તે વિશુદ્ધ પરિણામ છે. તથા સમસ્ત કષાયભાવ મટાડવાનું સાધન છે તેથી તે શુદ્ધ પરિણામનું
કારણ પણ છે. તો એવા પરિણામ વડે પોતાના ઘાતક ઘાતિકર્મનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે
જ વીતરાગ વિશેષજ્ઞાન પ્રગટ થાય છે. જેટલા અંશે તે (ઘાતિકર્મ ) હીન થાય તેટલા અંશથી
તે (વીતરાગ વિશેષજ્ઞાન) પ્રગટ થાય છે. એ પ્રમાણે શ્રી અરિહંતાદિક વડે પોતાનું પ્રયોજન સિદ્ધ
થાય છે — અથવા શ્રી અરિહંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર, તેમના વચનનું
શ્રવણ, નિકટવર્તી હોવું અથવા તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત
થઈ રાગાદિકને હીન કરે છે. જીવ – અજીવાદિકનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે માટે એ પ્રમાણે પણ
શ્રી અરિહંતાદિક વડે વીતરાગ વિશેષજ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે.
પ્રશ્નઃ — તેમનાથી એવા પ્રયોજનની તો એ પ્રમાણે સિદ્ધિ થાય છે; પરંતુ જે વડે
ઇન્દ્રિયજનિત સુખ ઉપજે વા દુઃખ વિણસે એવા પ્રયોજનની સિદ્ધિ તેમનાથી થાય છે કે
નહિ?
ઉત્તરઃ — અર્હંતાદિકમાં જે સ્તવનાદિરૂપ વિશુદ્ધ પરિણામ થાય છે, જેનાથી અઘાતિ-
કર્મોની શાતા આદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ થાય છે, વળી જો તે પરિણામ તીવ્ર હોય તો પૂર્વે
જે અશાતા આદિ પાપપ્રકૃતિ બાંધી હતી તેને પણ મંદ કરે છે, અથવા નષ્ટ કરી પુણ્ય-પ્રકૃતિરૂપે
૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક