સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૪૫
ઉત્તરઃ — ‘‘મરણપર્યંત કષ્ટ થાઓ તો ભલે થાઓ, પરંતુ પ્રતિજ્ઞા ન છોડવી’’ — એવા
વિચારથી તે પ્રતિજ્ઞા કરે છે પરંતુ પ્રતિજ્ઞામાં નિરાદરપણું નથી.
તથા સમ્યગ્દ્રષ્ટિ જે પ્રતિજ્ઞા કરે છે તે તત્ત્વાજ્ઞાનાદિપૂર્વક જ કરે છે.
પણ જેને અંતરંગવિરક્તતા નથી થઈ અને બાહ્યથી પ્રતિજ્ઞા ધારણ કરે છે, તે પ્રતિજ્ઞાની
પહેલા વા પાછળ જેની તે પ્રતિજ્ઞા કરે છે તેમાં અતિ આસક્ત થઈ લાગે છે; જેમ ઉપવાસના
ધારણા – પારણાનાં ભોજનમાં અતિલોભી થઈ ગરિષ્ટાદિ ભોજન કરે છે, ઉતાવળ ઘણી કરે છે;
જેમ જળને રોકી રાખ્યું હતું તે જ્યારે છૂટ્યું ત્યારે ઘણો પ્રવાહ વહેવા લાગ્યો, તેમ આણે
પ્રતિજ્ઞાથી વિષયપ્રવૃત્તિ રોકી, પણ અંતરંગમાં આસક્તતા વધી ગઈ અને પ્રતિજ્ઞા પૂરી થતાં જ
અત્યંત વિષયપ્રવૃત્તિ થવા લાગી, એટલે તેને પ્રતિજ્ઞાના કાળમાં પણ વિષયવાસના મટી નથી
તથા આગળ – પાછળ તેની અવેજ ઉપર (અવેજી અર્થાત્ બદલા ઉપર) અધિક રાગ કર્યો, પણ
ફળ તો રાગભાવ મટતાં જ થશે; માટે જેટલી વિરક્તતા થઈ હોય તેટલી જ પ્રતિજ્ઞા કરવી.
મહામુનિ પણ થોડી પ્રતિજ્ઞા કરી પછી આહારાદિમાં ઉછટિ (ઓછપ – ઘટાડો) કરે છે, તથા
મોટી પ્રતિજ્ઞા કરે છે તો પોતાની શક્તિ વિચારી કરે છે પણ જેમ પરિણામ ચઢતા રહે તેમ
કરે છે; માટે જેથી પ્રમાદ પણ ન થાય તથા આકુળતા પણ ન ઉપજે એવી પ્રવૃત્તિ કાર્યકારી
છે, એમ સમજવું.
વળી જેને ધર્મ ઉપર દ્રષ્ટિ નથી તે પણ કોઈ વેળા તો મોટો ધર્મ આચરે છે ત્યારે
કોઈ વેળા અધિક સ્વચ્છંદી થઈ પ્રવર્તે છે. જેમ કોઈ ધર્મપર્વમાં તો ઘણા ઉપવાસાદિ કરે છે
ત્યારે કોઈ ધર્મપર્વમાં વારંવાર ભોજનાદિ કરે છે; હવે જો તેને ધર્મબુદ્ધિ હોય તો સર્વ
ધર્મપર્વોમાં યથાયોગ્ય સંયમાદિક ધારણ કરે. વળી કોઈ વેળા કોઈ કાર્યોમાં તો ઘણું ધન ખર્ચે
ત્યારે કોઈ વેળા કોઈ ધર્મકાર્ય આવી પ્રાપ્ત થયું હોય તો પણ ત્યાં થોડું પણ ધન ન ખર્ચે;
જો તેને ધર્મબુદ્ધિ હોય તો યથાશક્તિ સર્વ ધર્મકાર્યોમાં જ યથાયોગ્ય ધન ખર્ચ્યા કરે. એ જ
પ્રમાણે અન્ય પણ જાણવું.
વળી જેને સાચું ધર્મસાધન નથી તે કોઈ ક્રિયા તો ઘણી મોટી અંગીકાર કરે છે ત્યારે
કોઈ હીન ક્રિયા કરે છે; જેમ ધનાદિકનો તો ત્યાગ કર્યો અને સારાં ભોજન, સારાં વસ્ત્ર ઇત્યાદિ
વિષયોમાં વિશેષ પ્રવર્તે છે, તથા કોઈ પાયજામો પહેરવો વા સ્ત્રીસેવન કરવું ઇત્યાદિ કાર્યોનો
ત્યાગ કરી ધર્માત્માપણું પ્રગટ કરે છે અને પછી ખોટા વ્યાપારાદિ કાર્ય કરે છે તથા ત્યાં
લોકનિંદ્ય પાપક્રિયામાં પણ પ્રવર્તે છે; એ જ પ્રમાણે કોઈ ક્રિયા અતિ ઊંચી તથા કોઈ અતિ
નીચી કરે છે ત્યાં લોકનિંદ્ય થઈને ધર્મની હાંસી કરાવે છે કે – ‘‘જુઓ, અમુક ધર્માત્મા આવાં
કાર્ય કરે છે!’’ જેમ કોઈ પુરુષ એક વસ્ત્ર તો અતિ ઉત્તમ પહેરે તથા એક વસ્ત્ર અતિ હીન
પહેરે તો તે હાસ્યપાત્ર જ થાય, તેમ આ પણ હાંસી જ પામે છે.