૨૫૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અંગીકાર કરે છે. ઇત્યાદિ પ્રકારથી કોઈ પરદ્રવ્યોને બૂરાં જાણી
અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલાં જાણી ઇષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે; હવે
પરદ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યા છે.
વળી એ જ શ્રદ્ધાનથી તેને ઉદાસીનતા પણ દ્વેષબુદ્ધિરૂપ હોય છે કારણ કે – કોઈને બૂરાં
જાણવા તેનું જ નામ દ્વેષ છે.
પ્રશ્નઃ — તો સમ્યગ્દ્રષ્ટિ પણ પરદ્રવ્યોને બૂરાં જાણીને ત્યાગ કરે છે?
ઉત્તરઃ — સમ્યગ્દ્રષ્ટિ પરદ્રવ્યોને બૂરાં જાણતો નથી પણ પોતાના રાગભાવને બૂરો
જાણે છે, પોતે રાગભાવને છોડે છે તેથી તેના કારણોનો પણ ત્યાગ થાય છે. વસ્તુ વિચારતાં
કોઈ પરદ્રવ્ય તો ભલાં – બૂરાં છે જ નહિ.
પ્રશ્નઃ — નિમિત્તમાત્ર તો છે?
ઉત્તરઃ — પરદ્રવ્ય કોઈ બળાત્કારથી તો બગાડતું નથી, પણ પોતાના ભાવ બગડે ત્યારે
તે પણ બાહ્ય નિમિત્ત છે; વળી એ નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે માટે તે નિયમરૂપ
નિમિત્ત પણ નથી. એ પ્રમાણે પરદ્રવ્યોનો દોષ જોવો એ તો મિથ્યાભાવ છે. રાગાદિક જ બૂરા
છે પણ એવી તેને સમજણ નથી, તે તો પરદ્રવ્યોના દોષ જોઈ તેમાં દ્વેષરૂપ ઉદાસીનતા કરે
છે, સાચી ઉદાસીનતા તો તેનું નામ છે કે – કોઈ પણ પરદ્રવ્યોના ગુણ વા દોષ ભાસે નહિ
અને તેથી તે કોઈને પણ બૂરાં – ભલાં જાણે નહિ. પોતાને પોતારૂપ જાણે તથા પરને પરરૂપ
જાણે, પર સાથે મારું કાંઈ પણ પ્રયોજન નથી એવું માની સાક્ષીભૂત રહે; હવે એવી ઉદાસીનતા
જ્ઞાનીને જ હોય છે.
વળી તે ઉદાસીન થઈ શાસ્ત્રમાં જે અણુવ્રત – મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર કહેલ છે તેને
અંગીકાર કરે છે, એકદેશ વા સર્વદેશ હિંસાદિ પાપોને છોડે છે અને તેની જગાએ અહિંસાદિ
પુણ્યરૂપ કાર્યોમાં પ્રવર્તે છે. વળી જેમ પહેલાં પર્યાયાશ્રિત પાપકાર્યોમાં પોતાનું કર્તાપણું માનતો
હતો, તે જ પ્રમાણે હવે પર્યાયાશ્રિત પુણ્યકાર્યોમાં પોતાનું કર્તાપણું માનવા લાગ્યો; એ પ્રમાણે
તેને પર્યાયાશ્રિત કાર્યોમાં અહંબુદ્ધિ માનવાની સમાનતા થઈ. જેમ કે – હું જીવને મારું છું, હું
પરિગ્રહધારી છું, ઇત્યાદિરૂપ માન્યતા હતી, તે જ પ્રમાણે હું જીવોની રક્ષા કરું છું, હું નગ્ન –
પરિગ્રહરહિત છું એવી માન્યતા થઈ; હવે જેને પર્યાયાશ્રિત કાર્યોમાં અહંબુદ્ધિ છે તે જ
મિથ્યાદ્રષ્ટિ છે.
શ્રી સમયસાર કળશમાં પણ એ જ કહ્યું છે. યથા —
ये तु कर्तारमात्मानं पश्यन्ति तमसा तताः ।
सामान्यजनवत्तेषां न मोक्षोऽपि मुमुक्षुताम् ।।१९९।।