૨૫૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
મિથ્યાદ્રષ્ટિ – અસંયમી જ કહ્યો છે, તેનું કારણ એ છે કે – તેને તત્ત્વોનું શ્રદ્ધાન – જ્ઞાન સાચું થયું
નથી, પણ પૂર્વે વર્ણન કર્યું છે તેવું તેને તત્ત્વોનું શ્રદ્ધાન – જ્ઞાન થયું છે, અને એ જ અભિપ્રાયથી
સર્વ સાધન કરે છે. હવે એ સાધનોના અભિપ્રાયની પરંપરાને વિચારીએ તો તેને કષાયોનો
અભિપ્રાય આવે છે. કેવી રીતે તે સાંભળો —
તે પાપનાં કારણ રાગાદિકને તો હેય જાણી છોડે છે પરંતુ પુણ્યનાં કારણ પ્રશસ્તરાગને
ઉપાદેય માને છે તથા તેને વધવાનો ઉપાય પણ કરે છે. હવે પ્રશસ્તરાગ પણ કષાય છે, કષાયને
ઉપાદેય માન્યો ત્યારે તેને કષાય કરવાનું જ શ્રદ્ધાન રહ્યું; અપ્રશસ્ત પરદ્રવ્યોથી દ્વેષ કરી પ્રશસ્ત
પરદ્રવ્યોમાં રાગ કરવાનો અભિપ્રાય થયો પણ કોઈપણ પરદ્રવ્યોમાં સામ્યભાવરૂપ અભિપ્રાય
ન થયો.
પ્રશ્નઃ — તો સમ્યગ્દ્રષ્ટિ પણ પ્રશસ્તરાગનો ઉપાય રાખે છે?
ઉત્તરઃ — જેમ કોઈને ઘણો દંડ થતો હતો તે હવે થોડો દંડ આપવાનો ઉપાય રાખે
છે તથા થોડો દંડ આપીને હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવો અનિષ્ટ જ
માને છે; તેમ સમ્યગ્દ્રષ્ટિને પણ પાપરૂપ ઘણો કષાય થતો હતો, તે હવે પુણ્યરૂપ થોડો કષાય
કરવાનો ઉપાય રાખે છે તથા થોડો કષાય થતાં હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને
હેય જ માને છે. વળી જેમ કોઈ કમાણીનું કારણ જાણી વ્યાપારાદિકનો ઉપાય રાખે છે, ઉપાય
બની આવતાં હર્ષ માને છે, તેમ દ્રવ્યલિંગી મોક્ષનું કારણ જાણી પ્રશસ્તરાગનો ઉપાય રાખે
છે, ઉપાય બની આવતાં હર્ષ માને છે. — એ પ્રમાણે પ્રશસ્ત રાગના ઉપાયમાં વા તેના હર્ષમાં
સમાનતા હોવા છતાં પણ સમ્યગ્દ્રષ્ટિને તો દંડસમાન તથા મિથ્યાદ્રષ્ટિને વ્યાપારસમાન શ્રદ્ધાન
હોય છે. માટે એ બંનેના અભિપ્રાયમાં ભેદ થયો.
વળી તેને પરીષહ – તપશ્ચરણાદિના નિમિત્તથી દુઃખ થાય તેનો ઇલાજ તો કરતો નથી
પરંતુ દુઃખ વેદે છે; હવે દુઃખ વેદવું એ કષાય જ છે; જ્યાં વીતરાગતા હોય છે ત્યાં તો
જેમ અન્ય જ્ઞેયને જાણે છે તે જ પ્રમાણે દુઃખના કારણ જ્ઞેયને પણ જાણે છે, — એવી દશા
તેને થતી નથી; બીજું તેને સહન કરે છે તે પણ કષાયના અભિપ્રાયરૂપ વિચારથી સહન કરે
છે. એ વિચાર આ પ્રમાણે હોય છે કે – ‘‘મેં પરવશપણે નરકાદિ ગતિમાં ઘણા દુઃખ સહ્યાં
છે, આ પરીષહાદિકનું દુઃખ તો થોડું છે, તેને જો સ્વવશપણે સહન કરવામાં આવે તો સ્વર્ગ –
મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે, જો તેને ન સહન કરીએ અને વિષયસુખ સેવીએ તો નરકાદિની
પ્રાપ્તિ થઈ ત્યાં ઘણું દુઃખ થશે’’ — ઇત્યાદિ વિચારોથી પરીષહોમાં તેને અનિષ્ટબુદ્ધિ રહે છે,
માત્ર નરકાદિકના ભયથી તથા સુખના લોભથી તેને સહન કરે છે, પણ એ બધો કષાયભાવ
જ છે. વળી તેને એવો વિચાર હોય છે કે – ‘જે કર્મ બાંધ્યાં છે તે ભોગવ્યા વિના છૂટતાં નથી
માટે સહન કરવાં જોઈએ,’ એવા વિચારથી તે કર્મફળચેતનારૂપ પ્રવર્તે છે. વળી પર્યાયદ્રષ્ટિથી
જે પરિષહાદિરૂપ અવસ્થા થાય છે તે પોતાને થઈ માને છે પણ દ્રવ્યદ્રષ્ટિથી પોતાની અને