૨૫૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
છે, જ દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયત વા દેશસંયત સમ્યગ્દ્રષ્ટિને ઘાતિકર્મોનો બંધ થોડો છે.
દ્રવ્યલિંગીને તો સર્વ ઘાતિયા કર્મોનો બંધ ઘણી સ્થિતિ – અનુભાગસહિત હોય છે ત્યારે અસંયત –
દેશસંયતસમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કર્મોનો બંધ તો છે જ નહિ તથા
બાકીની પ્રકૃતિઓનો બંધ હોય છે પણ તે અલ્પસ્થિતિ – અનુભાગસહિત હોય છે. દ્રવ્યલિંગીને
ગુણશ્રેણીનિર્જરા કદી પણ થતી નથી ત્યારે સમ્યગ્દ્રષ્ટિને કોઈ વેળા થાય છે તથા દેશ –
સકલસંયમ થતાં નિરંતર થાય છે, માટે તે મોક્ષમાર્ગી થયો છે, એટલા માટે દ્રવ્યલિંગીમુનિને
શાસ્ત્રમાં અસંયત – દેશસંયતસમ્યગ્દ્રષ્ટિથી હીન કહ્યો છે.
શ્રી સમયસાર શાસ્ત્રમાં દ્રવ્યલિંગી મુનિનું હીનપણું ગાથા, ટીકા અને કળશમાં પ્રગટ
કર્યું છે. શ્રી પંચાસ્તિકાયની ટીકામાં પણ જ્યાં કેવળ વ્યવહારાવલંબીનું કથન કર્યું છે, ત્યાં
વ્યવહારપંચાચાર હોવા છતાં પણ તેનું હીનપણું જ પ્રગટ કર્યું છે. શ્રી પ્રવચનસારમાં
દ્રવ્યલિંગીને સંસારતત્ત્વ* કહ્યું છે, તથા પરમાત્મપ્રકાશાદિ અન્ય શાસ્ત્રોમાં પણ એ વ્યાખ્યાનને
સ્પષ્ટ કર્યું છે. દ્રવ્યલિંગીને જે જપ, તપ, શીલ, સંયમાદિ ક્રિયાઓ હોય છે તેને પણ એ
શાસ્ત્રોમાં જ્યાં ત્યાં અકાર્યકારી બતાવી છે ત્યાં જોઈ લેવું; અહીં ગ્રંથ વધી જવાના ભયથી
લખતા નથી.
એ પ્રમાણે કેવળ વ્યવહારાભાસના અવલંબી મિથ્યાદ્રષ્ટિઓનું નિરૂપણ કર્યું.
હવે નિશ્ચય – વ્યવહાર બંને નયોના આભાસને અવલંબે છે એવા મિથ્યાદ્રષ્ટિઓનું
નિરૂપણ કરીએ છીએ —
✾ ઉભયાભાસી મિથ્યાદ્રષ્ટિ ✾
જે જીવ એમ માને છે કે – જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે માટે
અમારે એ બંને નયોને અંગીકાર કરવા જોઈએ, એ પ્રમાણે વિચારી જેમ કેવળ નિશ્ચયાભાસના
અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તો તે નિશ્ચયનો અંગીકાર કરે છે તથા જેમ કેવળ
વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારનો અંગીકાર કરે છે.
❀ ये स्वयमविवेकतोऽन्यथैव प्रतिपद्यार्थानित्थमेव तत्त्वमिति निश्चयमाचरयन्तः सततं समुपचीयमान-
महामोहमलमलीसमानसतया नित्यमज्ञानिनो भवन्ति, ते खलु समचेस्थिताअप्यनासादितपरमार्थश्रामण्यतया श्रमणाभासाः
सन्तोऽनन्तकर्मफलोपभोगप्राग्भारभयंकरमनन्तकालमनन्तभवान्तपरावर्तैरनवस्थितवृत्तयः संसारतत्त्वमेवावबुध्यताम्।
અર્થઃ — તે અજ્ઞાનીમુનિ મિથ્યાબુદ્ધિથી પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન કરતો નથી પણ અન્યની અન્ય
પ્રકારરૂપ કલ્પના કરે છે, તે મહામોહમલ્લવડે નિરંતર ચિત્તની મલિનતાથી અવિવેકી છે. જોકે તે દ્રવ્યલિંગ
ધારણ કરી રહ્યો છે, મુનિ જેવો દેખાય છે, તોપણ પરમાર્થ મુનિપણાને પ્રાપ્ત થયો નથી. તેવો મુનિ
અનંતકાળ સુધી અનંતપરાવર્તનવડે ભયાનક કર્મફળને ભોગવતો ભટક્યા કરે છે તેથી એવા શ્રમણાભાસ
મુનિને સંસારતત્ત્વ જાણવું. બીજો અન્ય કોઈ સંસાર નથી. જે જીવ મિથ્યાબુદ્ધિસહિત છે તે જીવ પોતે
જ સંસાર છે.
(શ્રી પ્રવચનસાર અ – ૩. ગા –
૨૭૧ ની વ્યાખ્યા — અનુવાદક.)