સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૫૫
જોકે એ પ્રમાણે અંગીકાર કરવામાં બંને નયોમાં પરસ્પર વિરોધ છે, તોપણ કરે શું!
કારણ બંને નયોનું સાચું સ્વરૂપ તેને ભાસ્યું નથી અને જૈનમતમાં બે નય કહ્યા છે તેમાંથી
કોઈને છોડ્યો પણ જતો નથી તેથી ભ્રમસહિત બંને નયોનું સાધન સાધે છે; એ જીવો પણ
મિથ્યાદ્રષ્ટિ જાણવા.
હવે તેમની પ્રવૃત્તિની વિશેષતા દર્શાવીએ છીએઃ —
અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય – વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખ્યો નથી,
પણ જિનઆજ્ઞા માની નિશ્ચય – વ્યવહારરૂપ બે પ્રકારનો મોક્ષમાર્ગ માને છે; હવે મોક્ષમાર્ગ
તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને નિરૂપણ
કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે, તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત
છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે, કારણ કે
નિશ્ચય – વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર
નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો, પણ
એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા
મિથ્યા છે.
વળી તે નિશ્ચય – વ્યવહાર બંનેને ઉપાદેય માને છે તે પણ ભ્રમ છે, કારણ
કે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહિત છે, શ્રી સમયસાર (ગાથા-
૧૧)માં પણ એમ કહ્યું છે કે —
ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ
અર્થઃ — વ્યવહાર અભૂતાર્થ છે, સત્યસ્વરૂપને નિરૂપતો નથી પણ કોઈ અપેક્ષાએ
ઉપચારથી અન્યથા નિરૂપે છે; તથા શુદ્ધનય જે નિશ્ચય છે તે ભૂતાર્થ છે. કારણ કે – તે જેવું
વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે.
એ પ્રમાણે એ બંનેનું સ્વરૂપ તો વિરુદ્ધતાસહિત છે.
વળી તું એમ માને છે કે – સિદ્ધસમાન શુદ્ધ આત્માનો અનુભવ તે નિશ્ચય તથા વ્રત
–
શીલ – સંયમાદિકરૂપ પ્રવૃત્તિ તે વ્યવહાર, પણ તારું એમ માનવું ઠીક નથી; કારણ કે – કોઈ
દ્રવ્યભાવનું નામ નિશ્ચય તથા કોઈનું નામ વ્યવહાર એમ નથી; પણ ૧એક જ દ્રવ્યના
ભાવને તે જ સ્વરૂપે નિરૂપણ કરવો તે નિશ્ચયનય છે તથા તે દ્રવ્યના ભાવને
ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવસ્વરૂપ નિરૂપણ કરવો તે વ્યવહારનય છે, જેમ માટીના
૧. સમયસાર ગા. ૫૬ની ટીકા ઉપરથી.