૨૬૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક
अबुद्धस्य बोधनार्थं मुनिश्वरा देशयन्त्यभूतार्थम् ।
व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति ।।६।।
माणवक एव सिंहो यथा भवत्यनवगीत सिंहस्य; ।
व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयस्य ।।७।।
અર્થઃ — મુનિરાજ, અજ્ઞાનીને સમજાવવા અર્થે અસત્યાર્થ જે વ્યવહારનય તેનો ઉપદેશ
દે છે, જે કેવળ વ્યવહારને જ જાણે છે તેને તો ઉપદેશ આપવો જ યોગ્ય નથી; વળી જેમ
કોઈ સાચા સિંહને ન જાણતો હોય તેને તો બિલાડું જ સિંહ છે; તેમ જે નિશ્ચયને ન જાણતો
હોય તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પ્રાપ્ત થાય છે. અહીં કોઈ નિર્વિચાર પુરુષ એમ પ્રશ્ન
કરે કે —
પ્રશ્નઃ — તમે વ્યવહારને અસત્યાર્થ અને હેય કહો છો તો અમે વ્રત, શીલ,
સંયમાદિ વ્યવહારકાર્ય શા માટે કરીએ? સર્વ છોડી દઈશું.
ઉત્તરઃ — કાંઈ વ્રત, શીલ, સંયમાદિકનું નામ વ્યવહાર નથી પણ તેને મોક્ષમાર્ગ
માનવો એ વ્યવહાર છે, એ છોડી દે. વળી એવા શ્રદ્ધાનથી તેને તો બાહ્ય સહકારી જાણી
ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે પણ એ તો પરદ્રવ્યાશ્રિત છે, અને સાચો મોક્ષમાર્ગ
વીતરાગભાવ છે તે સ્વદ્રવ્યાશ્રિત છે, એ પ્રમાણે વ્યવહારને અસત્યાર્થ – હેય સમજવો; પણ
વ્રતાદિકને છોડવાથી તો કાંઈ વ્યવહારનું હેયપણું થતું નથી.
વળી અમે પૂછીએ છીએ કે – વ્રતાદિકને છોડી તું શું કરીશ? જો હિંસાદિરૂપ પ્રવર્તીશ
તો ત્યાં તો મોક્ષમાર્ગનો ઉપચાર પણ સંભવતો નથી. ત્યાં પ્રવર્તવાથી શું ભલું થશે? નરકાદિક
પામીશ, માટે એમ કરવું એ તો નિર્વિચારપણું છે. જો વ્રતાદિરૂપ પરિણતિને મટાડીને કેવળ
વીતરાગ ઉદાસીનભાવરૂપ થવું બને તો ભલું જ છે, પણ નીચલી દશામાં એમ થઈ શકે નહિ,
માટે વ્રતાદિસાધન છોડી સ્વચ્છંદી થવું યોગ્ય નથી. એ પ્રમાણે શ્રદ્ધાનમાં નિશ્ચયને તથા પ્રવૃત્તિમાં
વ્યવહારને ઉપાદેય માનવો તે પણ મિથ્યાભાવ જ છે.
હવે તે જીવ બંને નયોનો અંગીકાર કરવા અર્થે કોઈ વેળા પોતાને શુદ્ધ સિદ્ધસમાન,
રાગાદિરહિત અને કેવળજ્ઞાનાદિસહિત આત્મા અનુભવે છે, તથા ધ્યાનમુદ્રા ધારણ કરી એવા
વિચારોમાં લાગે છે, પોતે એવો નથી છતાં ભ્રમથી નિશ્ચયથી ‘હું આવો જ છું’ એમ માની
સંતુષ્ટ થાય છે, તથા કોઈ વેળા વચનદ્વારા નિરૂપણ પણ એવું જ કરે છે, પણ પ્રત્યક્ષ પોતે
જેવો નથી તેવો પોતાને માનવો ત્યાં નિશ્ચયનામ કેવી રીતે પામે? કારણ કે – વસ્તુને યથાવત્
પ્રરૂપણ કરે તેનું નામ નિશ્ચય છે, તેથી જેમ કેવળ નિશ્ચયાભાસવાળા જીવનું અયથાર્થપણું પહેલાં
કહ્યું હતું, તેમ જ આને પણ જાણવું.