સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૬૧
અથવા તે એમ માને છે કે ‘‘આ નયથી આત્મા આવો છે તથા આ નયથી આવો
છે,’ પણ આત્મા તો જેવો છે તેવો જ છે, પરંતુ ત્યાં નયવડે નિરૂપણ કરવાનો જે અભિપ્રાય
છે તેને આ ઓળખતો નથી. જેમ આત્મા નિશ્ચયનયથી તો સિદ્ધસમાન, કેવળજ્ઞાનાદિસહિત,
દ્રવ્યકર્મ – નોકર્મ – ભાવકર્મરહિત છે, તથા વ્યવહારનયથી સંસારી, મતિજ્ઞાનાદિસહિત, દ્રવ્યકર્મ –
નોકર્મ – ભાવકર્મસહિત છે, એમ તે માને છે. હવે એક આત્માને એવાં બે સ્વરૂપ તો હોય નહિ,
કારણ કે – જે ભાવનું સહિતપણું તે જ ભાવનું રહિતપણું એક જ વસ્તુમાં કેવી રીતે સંભવે?
માટે એમ માનવું એ ભ્રમ છે.
તો કેવી રીતે છે? જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ સમાન છે, તેમ સિદ્ધ
અને સંસારી એ બંને જીવપણાની અપેક્ષાએ સમાન કહ્યા છે, કેવળજ્ઞાનાદિની અપેક્ષાએ
સમાનતા માનીએ, પણ તેમ તો છે નહિ; કારણ કે – સંસારીને નિશ્ચયથી મતિજ્ઞાનાદિક જ છે
તથા સિદ્ધને કેવળજ્ઞાન છે. અહીં એટલું વિશેષ કે – સંસારીને મતિજ્ઞાનાદિક છે તે કર્મના
નિમિત્તથી છે તેથી સ્વભાવ અપેક્ષાએ સંસારીમાં કેવળજ્ઞાનની શક્તિ કહીએ તો તેમાં દોષ નથી;
જેમ રંકમનુષ્યમાં રાજા થવાની શક્તિ હોય છે તેમ આ શક્તિ જાણવી. વળી દ્રવ્યકર્મ – નોકર્મ
તો પુદ્ગલથી નીપજે છે તેથી નિશ્ચયથી સંસારીને પણ તેનું ભિન્નપણું છે, પરંતુ સિદ્ધની માફક
તેનો કારણ – કાર્યઅપેક્ષા સંબંધ પણ ન માને તો તે ભ્રમ જ છે, તથા ભાવકર્મ એ આત્માનો
ભાવ છે, અને તે નિશ્ચયથી આત્માનો જ છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે તેથી વ્યવહારથી
તેને કર્મનો કહીએ છીએ. બીજું સિદ્ધની માફક સંસારીને પણ રાગાદિક ન માનવા અને કર્મના
જ માનવા, એ પણ ભ્રમ જ છે.
એ પ્રમાણે બંને નયથી એક જ વસ્તુને એકભાવઅપેક્ષાએ ‘આમ પણ માનવી તથા
આમ પણ માનવી’ એ તો મિથ્યાબુદ્ધિ છે, પણ જુદા જુદા ભાવોની અપેક્ષાએ નયોની પ્રરૂપણા
છે એમ માની વસ્તુને યથાસંભવ માનવી એ જ સાચું શ્રદ્ધાન છે, એ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ
અનેકાન્તરૂપ વસ્તુને માને છે પરંતુ તે યથાર્થ ભાવને ઓળખી માની શકતો નથી એમ જાણવું.
વળી આ જીવને વ્રત – શીલ – સંયમાદિકનો અંગીકાર હોય છે તેને વ્યવહારથી ‘આ પણ
મોક્ષમાર્ગનું કારણ છે’ એવું માની તેને ઉપાદેય માને છે, એ તો જેમ પહેલાં કેવળ
વ્યવહારાવલંબી જીવને અયથાર્થપણું કહ્યું હતું તેમ આને પણ અયથાર્થપણું જાણવું.
વળી તે આમ પણ માને છે કે – ‘યથાયોગ્ય વ્રતાદિ ક્રિયા તો કરવી યોગ્ય છે પરંતુ
તેમાં મમત્વ ન કરવું;’ હવે જેનો પોતે કર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે, જો પોતે
કર્તા નથી તો ‘મારે કરવી યોગ્ય છે’ એવો ભાવ કેવી રીતે કર્યો? તથા જો પોતે કર્તા છે
તો તે (ક્રિયા) પોતાનું કર્મ થયું એટલે કર્તાકર્મસંબંધ સ્વયં સિદ્ધ થયો, હવે એવી માન્યતા તો
ભ્રમ છે.