૨૬૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
તો કેવી રીતે છે? બાહ્ય વ્રતાદિક છે તે તો શરીરાદિ પરદ્રવ્યાશ્રિત છે, અને પરદ્રવ્યનો
પોતે કર્તા નથી, માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ પણ ન કરવી તથા તેમાં મમત્વ પણ ન કરવું; એ
વ્રતાદિકમાં ગ્રહણ – ત્યાગરૂપ પોતાનો શુભોપયોગ થાય છે તે પોતાના આશ્રયે છે, અને તેનો
પોતે કર્તા છે, માટે તેમાં કર્તૃત્વબુદ્ધિ પણ માનવી તથા ત્યાં મમત્વ પણ કરવું, પરંતુ એ
શુભોપયોગને બંધનું જ કારણ જાણવું પણ મોક્ષનું કારણ ન જાણવું, કારણ કે –
બંધ અને મોક્ષને તો પ્રતિપક્ષપણું છે, તેથી એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ
થાય તથા મોક્ષનું પણ કારણ થાય, એમ માનવું એ ભ્રમ છે.
તેથી વ્રત – અવ્રત એ બંને વિકલ્પરહિત જ્યાં પરદ્રવ્યના ગ્રહણ – ત્યાગનું કાંઈ પ્રયોજન
નથી એવો ઉદાસીન વીતરાગશુદ્ધોપયોગ તે જ મોક્ષમાર્ગ છે; નીચલી દશામાં કેટલાક જીવોને
શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી
મોક્ષમાર્ગ કહ્યો છે, પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. કેમ
કે આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે, એવું શ્રદ્ધાન કરવું.
શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા આ રીતે શુભોપયોગ –
અશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો, અને જ્યાં શુદ્ધોપયોગ ન થઈ
શકે ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં જ પ્રવર્તવું, કારણ કે – શુભોપયોગની અપેક્ષાએ
અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે. શુદ્ધોપયોગ હોય ત્યારે તો તે પરદ્રવ્યનો સાક્ષીભૂત
જ રહે છે, એટલે ત્યાં તો કોઈ પરદ્રવ્યનું પ્રયોજન જ નથી. વળી શુભોપયોગ હોય ત્યાં બાહ્ય
વ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે તથા અશુભોપયોગ હોય ત્યાં બાહ્ય અવ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે,
કારણ કે – અશુદ્ધોપયોગને અને પરદ્રવ્યની પ્રવૃત્તિને નિમિત્ત – નૈમિત્તિક સંબંધ હોય છે, તેથી
પહેલાં અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય, પછી શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય, એવી
ક્રમપરિપાટી છે.
વળી કોઈ એમ માને છે કે – શુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે, હવે ત્યાં જેમ
અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય છે એમ જ
જો કારણ – કાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ ઠરે; અથવા દ્રવ્યલિંગીને
શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે, શુદ્ધોપયોગ હોતો જ નથી, તેથી વાસ્તવિકપણે તેમને કારણ –
કાર્યપણું નથી. જેમ કોઈ રોગીને ઘણો રોગ હતો અને પાછળથી અલ્પરોગ રહ્યો ત્યાં એ
અલ્પરોગ કાંઈ નીરોગ થવાનું કારણ નથી; હા એટલું ખરું કે – અલ્પરોગ રહે ત્યારે નીરોગ
થવાનો ઉપાય કરે તો થઈ જાય, પણ જો અલ્પરોગને જ ભલો જાણી તેને રાખવાનો યત્ન
કરે તો તે નીરોગી કેવી રીતે થાય? તેમ કોઈ કષાયીને તીવ્રકષાયરૂપ અશુભોપયોગ હતો,
પાછળથી મંદકષાયરૂપ શુભોપયોગ થયો. હવે એ શુભોપયોગ કાંઈ નિષ્કષાય શુદ્ધોપયોગ થવાનું