સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૬૩
કારણ નથી; હા એટલું ખરું કે – શુભોપયોગ થતાં શુદ્ધોપયોગનો જો યત્ન કરે તો થઈ જાય,
પણ જો શુભોપયોગને જ ભલો જાણી તેનું સાધન કર્યા કરે તો શુદ્ધોપયોગ ક્યાંથી થાય?
માટે મિથ્યાદ્રષ્ટિનો શુભોપયોગ તો શુદ્ધોપયોગનું કારણ છે જ નહિ, સમ્યગ્દ્રષ્ટિને શુભોપયોગ
થતાં નિકટ શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે એવા મુખ્યપણાથી કોઈ ઠેકાણે શુભોપયોગને
શુદ્ધોપયોગનું કારણ પણ કહીએ છીએ – એમ સમજવું.
વળી આ જીવ પોતાને નિશ્ચય – વ્યવહારરૂપ મોક્ષમાર્ગનો સાધક માને છે, ત્યાં પૂર્વે કહ્યા
પ્રમાણે આત્માને શુદ્ધ માન્યો તે તો સમ્યગ્દર્શન થયું, તે જ પ્રમાણે જાણ્યો તે સમ્યગ્જ્ઞાન થયું,
તથા તે જ પ્રમાણે વિચારમાં પ્રવર્ત્યો તે સમ્યક્ચારિત્ર થયું. એ પ્રમાણે તો પોતાને નિશ્ચયરત્નત્રય
થયું માને છે; પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ છતાં શુદ્ધ કેવી રીતે માનું – જાણું – વિચારું છું? ઇત્યાદિ
વિવેકરહિત ભ્રમથી સંતુષ્ટ થાય છે.
વળી અર્હંતાદિક વિના અન્ય દેવાદિકને માનતો નથી વા જૈનશાસ્ત્રાનુસાર જીવાદિકના
ભેદ શીખી લીધા છે તેને જ માને છે, અન્યને માનતો નથી તે તો સમ્યગ્દર્શન થયું, જૈનશાસ્ત્રોના
અભ્યાસમાં ઘણો પ્રવર્ત્તે છે તે સમ્યગ્જ્ઞાન થયું, તથા વ્રતાદિરૂપ ક્રિયાઓમાં પ્રવર્ત્તે છે તે
સમ્યક્ચારિત્ર થયું, – એ પ્રમાણે પોતાને વ્યવહારરત્નત્રય થયું માને છે; પણ વ્યવહાર તો
ઉપચારનું નામ છે અને તે ઉપચાર પણ ત્યારે જ બને કે જ્યારે તે સત્યભૂત નિશ્ચયરત્નત્રયના
કારણાદિક થાય, અર્થાત્ જેમ નિશ્ચયરત્નત્રય સધાય તેમ તેને સાધે તો તેમાં વ્યવહારપણું પણ
સંભવે. પણ આને તો સત્યભૂત નિશ્ચયરત્નત્રયની પિછાણ જ થઈ નથી તો આ એ પ્રમાણે
કેવી રીતે સાધી શકે? માત્ર આજ્ઞાનુસારી બની દેખાદેખી સાધન કરે છે તેથી તેને નિશ્ચય –
વ્યવહાર મોક્ષમાર્ગ થયો નહિ.
નિશ્ચય – વ્યવહાર મોક્ષમાર્ગનું નિરૂપણ આગળ કરીશું તેનું સાધન થતાં જ
મોક્ષમાર્ગ થશે.
એ પ્રમાણે આ જીવ નિશ્ચયાભાસને માને – જાણે છે, પરંતુ વ્યવહારસાધનને પણ ભલાં
જાણે છે તેથી સ્વચ્છંદી બની અશુભરૂપ પ્રવર્તતો નથી પણ વ્રતાદિ શુભોપયોગરૂપ પ્રવર્તે
છે તેથી અંતિમ ગ્રૈવેયકસુધીનાં પદ પ્રાપ્ત કરે છે, તથા જો નિશ્ચયાભાસની પ્રબળતાથી
અશુભરૂપ પ્રવૃત્તિ થઈ જાય તો કુગતિમાં પણ ગમન થાય છે. પરિણામાનુસાર ફળ પામે
છે, પરંતુ સંસારનો જ ભોક્તા રહે છે, અર્થાત્ સાચો મોક્ષમાર્ગ પામ્યા વિના સિદ્ધપદને પામી
શકતો નથી.
એ પ્રમાણે નિશ્ચય – વ્યવહારાભાસ બંને નયાવલંબી મિથ્યાદ્રષ્ટિઓનું નિરૂપણ કર્યું.
હવે સમ્યક્ત્વસન્મુખ જે મિથ્યાદ્રષ્ટિ છે, તેનું નિરૂપણ કરીએ છીએ —