૨૬૪ ][ મોક્ષમાર્ગપ્રકાશક
✾ સમ્યક્ત્વસન્મુખ મિથ્યાદ્રષ્ટિનું નિરુપણ ✾
કોઈ મંદકષાયાદિનું કારણ પામીને જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષયોપશમ થયો, તેથી
તત્ત્વવિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ, તથા મોહ મંદ થયો તેથી તત્ત્વવિચારમાં ઉદ્યમી થયો,
અને બાહ્યનિમિત્ત દેવ – ગુરુ – શાસ્ત્રાદિકનું થતાં એ વડે સત્ય ઉપદેશનો લાભ થયો.
ત્યાં પોતાના પ્રયોજનભૂત મોક્ષમાર્ગના, દેવ – ગુરુ – ધર્માદિકના, જીવાદિતત્ત્વોના, સ્વ –
પરના વા પોતાને અહિતકારી – હિતકારી ભાવોના, ઇત્યાદિના ઉપદેશથી સાવધાન થઈ એવો
વિચાર કર્યો કે – અહો! મને તો આ વાતની ખબર જ નથી, હું ભ્રમથી ભૂલી પ્રાપ્ત પર્યાયમાં
જ તન્મય થયો, પણ આ પર્યાયની તો થોડા જ કાળની સ્થિતિ છે, અહીં મને સર્વ નિમિત્તો
મળ્યાં છે માટે મારે આ વાતનો બરાબર નિર્ણય કરવો જોઈએ કારણ કે, આમાં તો મારું
જ પ્રયોજન ભાસે છે; એમ વિચારી જે ઉપદેશ સાંભળ્યો તેનો નિર્ધાર કરવાનો ઉદ્યમ કર્યો.
ત્યાં ઉદ્દેશ, લક્ષણનિર્દેશ અને પરીક્ષા વડે તેનો નિર્ધાર થાય છે માટે પ્રથમ તો તેનાં
દેવ – ગુરુ – શાસ્ત્રના ઉદ્દેશ એટલે નામ જાણે લક્ષણથી ઓળખે, નામ શીખે તે ઉદ્દેશ, પછી તેનાં
લક્ષણ જાણે, પછી આમ સંભવે છે કે નહિ? એવા વિચારપૂર્વક પરીક્ષા કરવા લાગે.
હવે ત્યાં નામ શીખી લેવાં તથા લક્ષણ જાણી લેવાં એ બંને તો ઉપદેશાનુસાર થાય
છે; જેવો ઉપદેશ મળ્યો હોય તેવો યાદ કરી લેવો, તથા પરીક્ષા કરવામાં પોતાનો વિવેક
જોઈએ, એટલે વિવેકપૂર્વક એકાંતમાં પોતાના ઉપયોગમાં વિચાર કરે કે – ‘જેમ ઉપદેશ આપ્યો
તેમ જ છે કે અન્યથા છે’ તેનો અનુમાનાદિ પ્રમાણવડે યથાર્થ નિર્ણય કરે, વા ‘ઉપદેશ તો
આમ છે, તથા આમ ન માનીએ તો આમ થાય,’ હવે તેમાં પ્રબળયુક્તિ કઈ છે તથા
નિર્બળયુક્તિ કઈ છે? જે પ્રબળ ભાસે તેને સત્ય જાણે; વળી જો એ ઉપદેશથી અન્યથા સત્ય
ભાસે વા તેમાં સંદેહ રહે, નિર્ધાર ન થાય તો જે કોઈ વિશેષ જ્ઞાની હોય તેને પૂછે, અને
તે જે ઉત્તર આપે તેનો વિચાર કરે. એ પ્રમાણે જ્યાંસુધી નિર્ધાર ન થાય ત્યાંસુધી પ્રશ્ન –
ઉત્તર કરે અથવા સમાનબુદ્ધિના ધારક હોય તેમને પોતાનો જેવો વિચાર થયો હોય તેવો કહે,
તેમની સાથે પ્રશ્ન – ઉત્તર દ્વારા પરસ્પર ચર્ચા કરે, એ પ્રશ્નોત્તરમાં જે નિરૂપણ થયું હોય તેનો
એકાંતમાં વિચાર કરે, એ પ્રમાણે જ્યાંસુધી પોતાના અંતરંગમાં જેવો ઉપદેશ આપ્યો હતો તેવો
જ નિર્ણય થઈ તેનો ભાવ ન ભાસે ત્યાંસુધી એવો જ ઉદ્યમ કર્યા કરે.
વળી અન્યમતીઓ દ્વારા જે કલ્પિત તત્ત્વોનો ઉપદેશ આપ્યો છે તે વડે જૈન ઉપદેશ
અન્યથા ભાસે, તેમાં સંદેહ થાય, તોપણ ઉપર કહ્યા પ્રમાણે ઉદ્યમ કરે.
એ પ્રમાણે ઉદ્યમ કરતાં, ‘જેવો શ્રી જિનદેવનો ઉપદેશ છે તેમ જ સત્ય છે, મને પણ
એમ જ ભાસે છે’ એવો નિર્ણય થાય છે; કારણ કે જિનદેવ અન્યથાવાદી નથી.