સાતમો અધિકારઃ જૈનમતાનુયાયી મિથ્યાદ્રષ્ટિઓનું સ્વરૂપ ][ ૨૬૫
પ્રશ્નઃ — જો જિનદેવ અન્યથાવાદી નથી તો જેવો તેમનો ઉપદેશ છે તેમ જ
શ્રદ્ધાન કરી લઈએ, પરીક્ષા શામાટે કરીએ?
ઉત્તરઃ — પરીક્ષા કર્યા વિના એવું તો માનવું થાય કે – ‘જિનદેવે આ પ્રમાણે કહ્યું છે
તે સત્ય છે,’ પરંતુ તેનો ભાવ પોતાને ભાસે નહિ, અને ભાવ ભાસ્યા વિના શ્રદ્ધાન નિર્મળ
થાય નહિ, કારણ કે – જેની કોઈના વચનદ્વારા જ પ્રતીતિ કરી હોય તેની અન્યના વચનવડે
અન્યથા પણ પ્રતીતિ થઈ જાય તેથી વચનવડે કરેલી પ્રતીતિ શક્તિઅપેક્ષાએ અપ્રતીતિ સમાન
જ છે; પણ જેનો ભાવ ભાસ્યો હોય તેને અનેક પ્રકારવડે પણ અન્યથા માને નહિ, માટે
ભાવભાસનસહિત જે પ્રતીતિ થાય તે જ સાચી પ્રતીતિ છે.
અહીં કહેશો કે – ‘પુરુષની પ્રમાણતાથી વચનની પ્રમાણતા કરીએ છીએ,’ પરંતુ પુરુષની
પ્રમાણતા પણ સ્વયં તો થતી નથી, પહેલાં તેનાં કેટલાંક વચનોની પરીક્ષા કરી લઈએ ત્યારે
પુરુષની પ્રમાણતા થાય છે.
પ્રશ્નઃ — ઉપદેશ તો અનેક પ્રકારના છે, ત્યાં કોની કોની પરીક્ષા કરીએ?
ઉત્તરઃ — ઉપદેશમાં કોઈ ઉપાદેય કોઈ હેય તથા કોઈ જ્ઞેયતત્ત્વોનું નિરૂપણ કરવામાં
આવે છે, ત્યાં એ ઉપાદેય – હેયતત્ત્વોની પરીક્ષા તો અવશ્ય કરી લેવી, કારણ કે – તેમાં
અન્યથાપણું થતાં પોતાનું બૂરું થાય છે, અર્થાત્ જો ઉપાદેયને હેય માની લે તો બૂરું થાય,
અગર હેયને ઉપાદેય માની લે તોપણ બૂરું થાય.
પ્રશ્નઃ — પોતે પરીક્ષા ન કરે અને જિનવચનથી જ ઉપાદેયને ઉપાદેય જાણે
તથા હેયને હેય જાણે તો તેમાં કેવી રીતે બૂરું થાય?
ઉત્તરઃ — અર્થનો ભાવ ભાસ્યા વિના વચનનો અભિપ્રાય ઓળખાય નહિ. પોતે તો
માની લે કે હું ‘જિનવચન અનુસાર માનું છું,’ પરંતુ ભાવ ભાસ્યા વિના અન્યથાપણું થઈ જાય.
લોકમાં પણ નોકરને કોઈ કાર્ય માટે મોકલીએ છીએ ત્યાં એ નોકર જો તે કાર્યના ભાવને
જાણે તો એ કાર્ય સુધારે, પણ જો એ નોકરને તેનો ભાવ ન ભાસે તો કોઈ ઠેકાણે તે ચૂકી
જ જાય; માટે ભાવ ભાસવા અર્થે હેય – ઉપાદેયતત્ત્વોની પરીક્ષા અવશ્ય કરવી.
પ્રશ્નઃ — જો પરીક્ષા અન્યથા થઈ જાય તો શું કરવું?
ઉત્તરઃ — જિનવચન અને પોતાની પરીક્ષા એ બંનેની સમાનતા થાય ત્યારે તો જાણવું
કે સત્ય પરીક્ષા થઈ છે. જ્યાંસુધી તેમ ન થાય, ત્યાંસુધી જેમ કોઈ હિસાબ કરે છે ને તેની
વિધિ ન મળે ત્યાંસુધી પોતાની ભૂલ ખોળે છે; તેમ આ પણ પોતાની પરીક્ષામાં વિચાર
કર્યા કરે.