૨૭૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
છૂટી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો
ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો.
વળી એ સાદિમિથ્યાદ્રષ્ટિને થોડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો બાહ્ય જૈનીપણું નષ્ટ
થતું નથી, તત્ત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી તથા વિચાર કર્યા વિના જ યા અલ્પ વિચારથી
જ તેને ફરી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય છે, તથા જો ઘણો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો
જેવી અનાદિ મિથ્યાદ્રષ્ટિની દશા હોય છે તેવી તેની પણ દશા થઈ જાય છે, ગૃહીતમિથ્યાત્વને
પણ તે ગ્રહણ કરે છે તથા નિગોદાદિકમાં પણ રખડે છે, એનું કાંઈ પ્રમાણ નથી.
વળી કોઈ જીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ સાસાદની થાય છે તો જઘન્ય એકસમય તથા
ઉત્કૃષ્ટ છ આવલીપ્રમાણ કાળ રહે છે. તેના પરિણામની દશા વચન દ્વારા કહી શકાતી નથી.
અહીં સૂક્ષ્મકાળમાત્ર કોઈ જાતિના કેવળજ્ઞાનગમ્ય પરિણામ હોય છે, ત્યાં અનંતાનુબંધીનો ઉદય
તો હોય છે પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી, તેનું સ્વરૂપ આગમપ્રમાણથી જાણવું.
વળી કોઈ જીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ મિશ્રગુણસ્થાનને પ્રાપ્ત થાય છે ત્યાં
મિશ્રમોહનીયનો ઉદય થાય છે. તેનો કાળ મધ્યમઅંતર્મુહૂર્તમાત્ર છે; તેનો કાળ પણ થોડો છે
એટલે તેના પરિણામ પણ કેવળજ્ઞાનગમ્ય છે. અહીં એટલું ભાસે છે કે – જેમ કોઈને શિક્ષા
આપી તેને તે કંઈક સત્ય અને કંઈક અસત્ય એક કાળમાં માને છે, તેમ આને તત્ત્વોનું શ્રદ્ધાન –
અશ્રદ્ધાન એક કાળમાં હોય છે, તે મિશ્રદશા છે.
પ્રશ્નઃ — ‘અમારે તો જિનદેવ વા અન્યદેવ બધાય વંદન કરવા યોગ્ય છે.’
ઇત્યાદિ મિશ્રશ્રદ્ધાનને મિશ્રગુણસ્થાન કહે છે?
ઉત્તરઃ — ના, એ તો પ્રત્યક્ષ મિથ્યાત્વદશા છે; વ્યવહારરૂપ દેવાદિકનું શ્રદ્ધાન હોવા
છતાં પણ મિથ્યાત્વ રહે છે ત્યારે આને તો દેવ – કુદેવનો કાંઈ નિર્ણય જ નથી, એટલે આને
તો પ્રગટ વિનયમિથ્યાત્વ છે એમ જાણવું.
એ પ્રમાણે સમ્યક્ત્વસન્મુખ મિથ્યાદ્રષ્ટિઓનું કથન કર્યું; પ્રસંગોપાત્ અન્ય પણ કથન
કર્યું.
એ પ્રમાણે જૈનમતવાળા મિથ્યાદ્રષ્ટિઓના સ્વરૂપનું નિરૂપણ કર્યું.
અહીં નાના પ્રકારના મિથ્યાદ્રષ્ટિઓનું કથન કર્યું છે તેનું પ્રયોજન એ જાણવું કે — એ
પ્રકારોને ઓળખી પોતાનામાં એવા દોષ હોય તો તેને દૂર કરી સમ્યક્શ્રદ્ધાનયુક્ત થવું, પણ
અન્યના એવા દોષ જોઈ જોઈને કષાયી ન થવું. કારણ કે – પોતાનું ભલું – બૂરું તો પોતાના
પરિણામોથી છે; જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું ભલું કરે. પોતાના