૨૭૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
અન્યથા નથી. વળી કોઈને પરસ્પર વચનાલાપ થયો હોય ત્યાં તેમને તો અન્યપ્રકારે અક્ષરો
નીકળ્યા હતા અને અહીં ગ્રંથકર્તાએ અન્યપ્રકારે કહ્યા, પરંતુ ત્યાં પ્રયોજન એક જ દર્શાવે છે.
નગર – વન – સંગ્રામાદિકનાં નામાદિક તો જેમ છે તેમ જ લખ્યાં, પરંતુ ત્યાં વર્ણન હીનાધિક
પણ પ્રયોજનને પોષક નિરૂપવામાં આવે છે. ઇત્યાદિ એ જ પ્રમાણે સમજવું.
વળી પ્રસંગરૂપ કથાઓ પણ ગ્રંથકર્તા પોતાના વિચારાનુસાર કહે છે. જેમ ધર્મપરીક્ષામાં
મૂર્ખની કથા લખી ત્યાં એ જ કથા મનોવેગે કહી હતી એવો નિયમ નથી, પરંતુ મૂર્ખપણાને
પોષક જ એવી કોઈ વાર્તા કહી હતી એવા અભિપ્રાયનું પોષણ કરે છે. એ જ પ્રમાણે અન્ય
ઠેકાણે પણ સમજવું.
પ્રશ્નઃ — અયથાર્થ કહેવું તૌ જૈનશાસ્ત્રોમાં સંભવે નહિ?
ઉત્તરઃ — અન્યથા તો તેનું નામ છે કે જો પ્રયોજન અન્યનું અન્ય પ્રગટ કરવામાં
આવે. જેમ – કોઈને કહ્યું કે તું ફલાણાને ‘આ પ્રમાણે’ કહેજે, હવે તેણે તે જ અક્ષર તો ન
કહ્યા પરંતુ તે જ પ્રયોજનસહિત કહ્યા તો તેને મિથ્યાવાદી કહેતા નથી. અહીં એમ જાણવું
કે – જો જેમ છે તેમ લખવાનો સંપ્રદાય હોય તો કોઈએ ઘણા પ્રકારથી વૈરાગ્યચિંતવન કર્યું હતું
તેનું સર્વ વર્ણન લખતાં ગ્રંથ વધી જાય, તથા કાંઈ પણ લખવામાં ન આવે તો તેનો ભાવ
ભાસે નહિ, માટે વૈરાગ્યના ઠેકાણે પોતાના વિચારાનુસાર થોડું ઘણું વૈરાગ્યપોષક જ કથન કરે
પણ સરાગપોષક ન કરે તો ત્યાં અન્યથા પ્રયોજન ન થયું, તેથી તેને અયથાર્થ કહેતા નથી.
એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી પ્રથમાનુયોગમાં જેની મુખ્યતા હોય તેને જ પોષવામાં આવે છે. જેમ કોઈએ
ઉપવાસ કર્યો તેનું ફળ તો અલ્પ હતું, પરંતુ તેને અન્ય ધર્મપરિણતિની વિશેષતા થવાથી
ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ ત્યાં તેને ઉપવાસનું જ ફળ નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે
પણ સમજવું.
વળી જેમ કોઈએ શીલની જ પ્રતિજ્ઞા દ્રઢ રાખી વા નમસ્કારમંત્રનું સ્મરણ કર્યું વા
અન્ય ધર્મસાધન કર્યું અને તેને કષ્ટ દૂર થયાં – અતિશય પ્રગટ થયા, ત્યાં તેનું જ એવું ફળ
નથી થયું પણ અન્ય કોઈ કર્મના ઉદયથી એવાં કાર્ય થયાં, તોપણ તેને તે શીલાદિકના જ
ફળરૂપે નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે કોઈ પાપકાર્ય કર્યું, તેને તેનું જ તેવું ફળ તો નથી
થયું પણ અન્ય કર્મના ઉદયથી નીચ ગતિ પ્રાપ્ત થઈ વા કષ્ટાદિક થયાં, છતાં તેને તે જ પાપના
ફળરૂપે નિરૂપણ કરે છે. ઇત્યાદિ એ જ પ્રમાણે સમજવું.
પ્રશ્નઃ — એમ જૂઠાં ફળ દર્શાવવાં તો યોગ્ય નથી, એવાં કથનને પ્રમાણ કેમ કરીએ?
ઉત્તરઃ — જે અજ્ઞાની જીવ ઘણું ફળ દર્શાવ્યા વિના ધર્મમાં ન જોડાય વા પાપથી