આઠમો અધિકાર ][ ૨૮૧
કર્મપરમાણુ અનંતપ્રકારની શક્તિસહિત છે છતાં તેમાં ઘણાની એકજાતિ કરી આઠ વા એકસો
અડતાલીસ પ્રકૃતિ કહી; ત્રણ લોકમાં અનેક રચના છે છતાં ત્યાં મુખ્ય રચનાઓનું નિરૂપણ
કરે છે, તથા પ્રમાણના અનંત ભેદ છે છતાં ત્યાં સંખ્યાતાદિ ત્રણ ભેદ વા તેના એકવીસ ભેદ
નિરૂપણ કર્યા, — એ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી કરણાનુયોગમાં — જો કે વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિક અખંડિત છે
તોપણ છદ્મસ્થને તેનું હીનાધિક જ્ઞાન થવા અર્થે પ્રદેશ, સમય અને અવિભાગપ્રતિચ્છેદાદિકની
કલ્પના કરી તેનું પ્રમાણ નિરૂપણ કરવામાં આવે છે. એક વસ્તુમાં જુદા જુદા ગુણો વા પર્યાયોનો
ભેદ કરી નિરૂપણ કરીએ છીએ તથા જીવ – પુદ્ગલાદિક જોકે ભિન્ન ભિન્ન છે તોપણ
સંબંધાદિકવડે વા અનેક દ્રવ્યથી નિપજેલા ગતિ – જાતિ આદિ ભેદોને એક જીવના નિરૂપણ કરે
છે. ઇત્યાદિ વ્યાખ્યાન વ્યવહારનયની પ્રધાનતા સહિત સમજવું. કારણ કે – વ્યવહાર વિના વિશેષ
જાણી શકાય નહિ. વળી કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન પણ હોય છે. જેમ કે – જીવાદિક દ્રવ્યોનું
પ્રમાણ નિરૂપણ કર્યું ત્યાં જુદાં જુદાં એટલાં જ દ્રવ્ય છે, તે યથાસંભવ જાણી લેવાં.
વળી કરણાનુયોગમાં જે કથન છે તેમાં કોઈ તો છદ્મસ્થને પ્રત્યક્ષ – અનુમાનાદિગોચર
થાય છે, પણ જે ન થાય તેને આજ્ઞા – પ્રમાણવડે જ માનવાં. જેમ જીવ – પુદ્ગલના સ્થૂળ ઘણા
કાળસ્થાયી મનુષ્યાદિ પર્યાય વા ઘટાદિ પર્યાય નિરૂપણ કર્યા તેનાં તો પ્રત્યક્ષ – અનુમાનાદિક થઈ
શકે છે પરંતુ સમયે સમયે થતાં સૂક્ષ્મ પરિણમનની અપેક્ષાએ જ્ઞાનાદિકના તથા સ્નિગ્ધ –
રુક્ષાદિકના અંશોનું જે નિરૂપણ કર્યું છે તે તો આજ્ઞાથી જ પ્રમાણ થાય છે. એ જ પ્રમાણે
અન્ય ઠેકાણે પણ સમજવું.
કરણાનુયોગમાં છદ્મસ્થોની પ્રવૃત્તિ અનુસાર વર્ણન કર્યું નથી પણ કેવળજ્ઞાનગમ્ય
પદાર્થોનું નિરૂપણ છે. જેમ કેટલાક જીવ તો દ્રવ્યાદિકનો વિચાર કરે છે તથા વ્રતાદિક પાળે
છે પરંતુ તેને અંતરંગ સમ્યક્ત્વ – ચારિત્રશક્તિ નહિ હોવાથી તેને મિથ્યાદ્રષ્ટિ – અવ્રતી કહીએ
છીએ; તથા કેટલાક જીવ દ્રવ્યાદિકના વા વ્રતાદિકના વિચાર રહિત છે, અન્ય કાર્યોમાં પ્રવર્તે
છે વા નિદ્રાદિ વડે નિર્વિચાર થઈ રહ્યા છે તોપણ તેને સમ્યક્ત્વાદિ શક્તિનો સદ્ભાવ હોવાથી
સમ્યગ્દ્રષ્ટિ વા વ્રતી કહીએ છીએ. વળી કોઈ જીવને કષાયોની પ્રવૃત્તિ તો ઘણી છે પણ જો
તેને અંતરંગ કષાયશક્તિ થોડી છે તો તેને મંદકષાયી કહીએ છીએ, તથા કોઈ જીવને કષાયોની
પ્રવૃત્તિ તો થોડી છે પણ જો તેને અંતરંગ કષાયશક્તિ ઘણી છે તો તેને તીવ્રકષાયી કહીએ
છીએ. જેમ વ્યંતરાદિ દેવો કષાયોથી નગરનાશાદિ કાર્ય કરે છે તોપણ તેમને થોડી કષાયશક્તિ
હોવાથી પીતલેશ્યા કહી, તથા એકેંદ્રિયાદિ જીવો કષાયકાર્ય કરતા જણાતા નથી તોપણ તેમને
ઘણી કષાયશક્તિ હોવાથી કૃષ્ણાદિ લેશ્યાઓ કહી. વળી સર્વાર્થસિદ્ધિના દેવો કષાયરૂપ થોડા
પ્રવર્તે છે તોપણ તેમને ઘણી કષાયશક્તિ હોવાથી અસંયમી કહ્યા, તથા પંચમગુણસ્થાનવર્તી જીવ
વ્યાપાર અને અબ્રહ્મચર્યાદિ કષાયકાર્યરૂપ ઘણો પ્રવર્તે છે તોપણ તેને મંદકષાયશક્તિ હોવાથી