આઠમો અધિકાર ][ ૨૮૫
શુદ્ધોપયોગની પ્રવૃત્તિ થાય છે, તેનું નિરૂપણ કરીએ છીએ; તથા યથાર્થશ્રદ્ધાનસહિત
સમ્યગ્દ્રષ્ટિઓને જેવાં કોઈ યથાર્થ આખડી, ભક્તિ, પૂજા – પ્રભાવનાદિ કાર્ય હોય છે વા ધ્યાનાદિ
હોય છે તેનો ઉપદેશ આપીએ છીએ. અહીં જૈનમતમાં જેવો સાચો પરંપરા માર્ગ છે તેવો
ઉપદેશ આપવામાં આવે છે. એ પ્રમાણે ચરણાનુયોગમાં બે પ્રકારથી ઉપદેશ છે એમ સમજવું.
વળી ચરણાનુયોગમાં તીવ્રકષાયોનાં કાર્યો છોડાવી મંદકષાયરૂપ કાર્યો કરવાનો ઉપદેશ
આપીએ છીએ. જોકે કષાય કરવો બૂરો જ છે તોપણ સર્વ કષાય ન છૂટતો જાણી જેટલો
કષાય ઘટે તેટલું તો ભલું થશે! એવું ત્યાં પ્રયોજન જાણવું. જેમ – જે જીવોને આરંભાદિ
કરવાની, મંદિરાદિ બનાવવાની, વિષય સેવવાની વા ક્રોધાદિક કરવાની ઇચ્છા સર્વથા દૂર ન
થતી જાણે તેને પૂજા – પ્રભાવનાદિક કરવાનો, ચૈત્યાલયાદિ બનાવવાનો, જિનદેવાદિકની આગળ
શોભાદિક અને નૃત્ય – ગાનાદિક કરવાનો વા ધર્માત્મા પુરુષોને સહાય આદિ કરવાનો ઉપદેશ
આપીએ છીએ; કારણ કે તેમાં પરંપરા કષાયોનું પોષણ થતું નથી અને પાપકાર્યોમાં તો પરંપરા
કષાયોનું પોષણ થાય છે તેથી પાપકાર્યોથી છોડાવી આ કાર્યોમાં લગાવીએ છીએ; થોડાં ઘણાં
જેટલા છૂટતાં જાણે તેટલાં પાપકાર્યો છોડાવી સમ્યક્ત્વ વા અણુવ્રતાદિ પાળવાનો તેને ઉપદેશ
આપીએ છીએ તથા જે જીવોને આરંભાદિકની ઇચ્છા સર્વથા દૂર થઈ છે તેમને પૂર્વોક્ત
પૂજનાદિ કાર્યો વા સર્વ પાપકાર્યો છોડાવી મહાવ્રતાદિ ક્રિયાઓનો ઉપદેશ આપીએ છીએ. તથા
જેમને કિંચિત્ રાગાદિક છૂટતાં જાણે તેમને દયા, ધર્મોપદેશ અને પ્રતિક્રમણાદિ કાર્યો કરવાનો
ઉપદેશ આપીએ છીએ; પણ જ્યાં સર્વરાગ દૂર થયો હોય ત્યાં કોઈ પણ કાર્ય કરવાનું રહ્યું
જ નથી તેથી તેમને કાંઈ ઉપદેશ જ નથી, એવો ક્રમ જાણવો.
વળી ચરણાનુયોગમાં કષાયી જીવોને કષાય ઉપજાવીને પણ પાપથી છોડાવી ધર્મમાં
લગાવીએ છીએ. જેમ – પાપનાં ફળ નર્કાદિકનાં દુઃખ બતાવી ત્યાં ભયકષાય ઉપજાવી તેને
પાપકાર્ય છોડાવીએ છીએ, તથા પુણ્યનાં ફળ સ્વર્ગાદિનાં સુખ બતાવી ત્યાં લોભકષાય ઉપજાવી
તેને ધર્મકાર્યોમાં લગાવીએ છીએ. બીજું આ જીવ ઇંદ્રિયવિષય, શરીર, પુત્ર અને ધનાદિના
અનુરાગથી પાપ કરે છે – ધર્મથી પરાઙ્મુખ રહે છે માટે ઇંદ્રિયવિષયોને મરણ – ક્લેશાદિનાં કારણ
દર્શાવી તેમાં અરતિકષાય કરાવીએ છીએ; શરીરાદિને અશુચિરૂપ બતાવી ત્યાં જુગુપ્સાકષાય
કરાવીએ છીએ; પુત્રાદિને ધનાદિકનાં ગ્રાહક બતાવી ત્યાં દ્વેષ કરાવીએ છીએ તથા ધનાદિકને
મરણ – ક્લેશાદિનાં કારણ બતાવી ત્યાં અનિષ્ટબુદ્ધિ કરાવીએ છીએ; ઇત્યાદિ ઉપાયોથી
વિષયાદિમાં તીવ્રરાગ દૂર થવાથી તેને પાપક્રિયા છૂટી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. નામસ્મરણ,
સ્તુતિકરણ, પૂજા, દાન – શીલાદિકથી આ લોકમાં દરિદ્ર – કષ્ટ દૂર થાય છે, પુત્ર – ધનાદિની પ્રાપ્તિ
થાય છે એમ નિરૂપણ કરી તેને લોભ ઉપજાવી તે ધર્મકાર્યોમાં લગાવીએ છીએ, એ જ પ્રમાણે
અન્ય ઉદાહરણ પણ જાણવાં.
પ્રશ્નઃ — કોઈ કષાય છોડાવી વળી કોઈ અન્ય કષાય કરાવવાનું શું પ્રયોજન?