૨૮૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
વળી ચરણાનુયોગમાં વ્યવહાર – લોકપ્રવૃત્તિની અપેક્ષાએ જ નામાદિક કહીએ છીએ. જેમ
સમ્યગ્દ્રષ્ટિને પાત્ર તથા મિથ્યાદ્રષ્ટિને અપાત્ર કહ્યા, ત્યાં જેને જિનદેવાદિકનું શ્રદ્ધાન છે તે તો
સમ્યગ્દ્રષ્ટિ છે તથા જેને તેનું શ્રદ્ધાન નથી તે મિથ્યાદ્રષ્ટિ જાણવો. કારણ કે – દાન આપવું
ચરણાનુયોગમાં કહ્યું છે ત્યાં ચરણાનુયોગની અપેક્ષાએ જ સમ્યક્ત્વ – મિથ્યાત્વ ગ્રહણ કરીએ
છીએ, જો ત્યાં કરણાનુયોગની અપેક્ષાએ સમ્યક્ત્વ – મિથ્યાત્વ ગ્રહણ કરવામાં આવે તો જે જીવ
અગિયારમાં ગુણસ્થાનમાં છે તે જ પાછો અંતર્મુહૂર્તમાં પ્રથમ ગુણસ્થાનમાં આવે, તો ત્યાં દાતાર
પાત્ર – અપાત્રનો નિર્ણય કેવી રીતે કરી શકે? તથા જો દ્રવ્યાનુયોગની અપેક્ષાએ ત્યાં સમ્યક્ત્વ –
મિથ્યાત્વ ગ્રહણ કરવામાં આવે તો મુનિસંઘમાં દ્રવ્યલિંગી પણ છે અને ભાવલિંગી પણ છે,
હવે પ્રથમ તો તેનો બરાબર નિર્ણય થવો કઠણ છે કારણ કે — બાહ્યપ્રવૃત્તિ બંનેની સમાન છે,
તથા જો કદાચિત્ સમ્યગ્દ્રષ્ટિને કોઈ બાહ્યચિહ્નવડે તેનો નિર્ણય થઈ જાય અને તે આની ભક્તિ
ન કરે તો બીજાઓને સંશય થાય કે – ‘આની ભક્તિ કેમ ન કરી?’ એ પ્રમાણે જો તેનું
મિથ્યાદ્રષ્ટિપણું પ્રગટ થાય તો સંઘમાં વિરોધ ઉત્પન્ન થાય, માટે ત્યાં વ્યવહારસમ્યક્ત્વ –
મિથ્યાત્વની અપેક્ષાએ કથન જાણવાં.
પ્રશ્નઃ — સમ્યગ્દ્રષ્ટિ તો દ્રવ્યલિંગીને પોતાનાથી હીનગુણવાન માને છે તો તે
તેની ભક્તિ કેવી રીતે કરે?
ઉત્તરઃ — વ્યવહારધર્મનું સાધન દ્રવ્યલિંગીને ઘણું છે તથા ભક્તિ કરવી એ પણ
વ્યવહાર જ છે, માટે જેમ કોઈ ધનવાન ન હોય પરંતુ જો કુળમાં મોટો હોય તો તેને કુળ
અપેક્ષાએ મોટો જાણી તેનો સત્કાર કરવામાં આવે છે. તેમ પોતે સમ્યક્ત્વગુણસહિત છે, પરંતુ
જો કોઈ વ્યવહારધર્મમાં પ્રધાન હોય તને વ્યવહારધર્મની અપેક્ષાએ ગુણાધિક માની તેની ભક્તિ
કરે છે, એમ સમજવું. એ જ પ્રમાણે જે જીવ ઘણા ઉપવાસાદિ કરે છે તેને તપસ્વી કહીએ
છીએ, જોકે કોઈ ધ્યાન – અધ્યયનાદિ વિશેષ કરે છે તે ઉત્કૃષ્ટ તપસ્વી છે તોપણ અહીં
ચરણાનુયોગમાં બાહ્ય તપની જ પ્રધાનતા છે, માટે તેને જ તપસ્વી કહીએ છીએ. એ પ્રમાણે
અન્ય નામાદિક સમજવાં.
એ જ પ્રમાણે અન્ય અનેક પ્રકાર સહિત ચરણાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન જાણવું.
✾ દ્રવ્યાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન ✾
હવે દ્રવ્યાનુયોગમાં કેવી રીતે વ્યાખ્યાન છે તે અહીં દર્શાવીએ છીએ.
જીવને જીવાદિ દ્રવ્યોનું યથાર્થ શ્રદ્ધાન જેમ થાય તેમ ભેદ, યુક્તિ, હેતુ અને
દ્રષ્ટાંતાદિકનું અહીં નિરૂપણ કરવામાં આવે છે. કારણ કે આ અનુયોગમાં યથાર્થ શ્રદ્ધાન કરવાનું
પ્રયોજન છે. જોકે જીવાદિ વસ્તુ અભેદ છે તોપણ તેમાં ભેદકલ્પનાવડે વ્યવહારથી દ્રવ્ય – ગુણ