આઠમો અધિકાર ][ ૨૮૯
– પર્યાયાદિના ભેદ નિરૂપણ કરીએ છીએ, વળી પ્રતીતિ અણાવવા અર્થે અનેક યુક્તિવડે અથવા
પ્રમાણ નયવડે ઉપદેશ આપીએ છીએ તે પણ યુક્ત છે, તથા વસ્તુના અનુમાન – પ્રત્યક્ષજ્ઞાનાદિ
કરાવવા માટે હેતુ – દ્રષ્ટાંતાદિક આપીએ છીએ, એ રીતે અહીં વસ્તુની પ્રતીતિ કરાવવા માટે
ઉપદેશ આપે છે.
તથા અહીં મોક્ષમાર્ગનું શ્રદ્ધાન કરાવવા અર્થે જીવાદિ તત્ત્વોના ભેદ – યુક્તિ – હેતુ
– દ્રષ્ટાંતાદિકવડે નિરૂપણ કરીએ છીએ. જેમ સ્વ – પરભેદ – વિજ્ઞાનાદિક થાય તેમ અહીં જીવ –
અજીવનો નિર્ણય કરીએ છીએ, તથા જેમ વીતરાગભાવ થાય તેમ આસ્રવાદિકનું સ્વરૂપ
દર્શાવીએ છીએ અને ત્યાં મુખ્યપણે જ્ઞાન – વૈરાગ્યનાં કારણ જે આત્માનુભવનાદિક તેનું માહાત્મ્ય
ગાઈએ છીએ.
દ્રવ્યાનુયોગમાં નિશ્ચય અધ્યાત્મ ઉપદેશની પ્રધાનતા હોય છે, ત્યાં વ્યવહારધર્મનો પણ
નિષેધ કરીએ છીએ. જે જીવ, આત્માનુભવનો ઉપાય કરતો નથી અને માત્ર બાહ્યક્રિયાકાંડમાં
મગ્ન છે તેને ત્યાંથી ઉદાસ કરી આત્માનુભવનાદિમાં લગાવવા અર્થે વ્રત – શીલ – સંયમાદિનું
હીનપણું પ્રગટ કરીએ છીએ, ત્યાં એમ ન સમજી લેવું કે એને (વ્રત – શીલ – સંયમાદિને) છોડી
પાપમાં લાગી જવું, કારણ કે એ ઉપદેશનું પ્રયોજન કાંઈ અશુભમાં જોડવાનું નથી
પણ શુદ્ધોપયોગમાં લગાવવા માટે શુભોપયોગનો નિષેધ કરીએ છીએ.
પ્રશ્નઃ — અધ્યાત્મશાસ્ત્રોમાં પુણ્ય{પાપને સમાન કહ્યાં છે માટે શુદ્ધોપયોગ થાય
તો ભલું જ છે, ન થાય તો પુણ્યમાં લાગો વા પાપમાં લાગો?
ઉત્તરઃ — જેમ શૂદ્ર જાતિની અપેક્ષાએ જાટ અને ચાંડાળને સમાન કહ્યા છે, પરંતુ
ચાંડાળથી જાટ કાંઈક ઉત્તમ છે, એ અસ્પૃશ્ય છે ત્યારે આ સ્પૃશ્ય છે. તેમ બંધારણની
અપેક્ષાએ પુણ્ય અને પાપ સમાન છે, પરંતુ પાપથી પુણ્ય કાંઈક ભલું છે, એ તીવ્રકષાયરૂપ
છે ત્યારે આ મંદકષાયરૂપ છે; માટે પુણ્યને છોડી પાપમાં લાગવું યોગ્ય નથી એમ સમજવું.
વળી જે જીવ, જિનબિમ્બ ભક્તિ આદિ કાર્યોમાં જ નિમગ્ન છે તેને આત્મશ્રદ્ધાનાદિ
કરાવવા માટે ‘દેહમાં દેવ છે દેરામાં નથી,’ ઇત્યાદિ ઉપદેશ આપીએ છીએ; ત્યાં એમ ન
સમજી લેવું કે – ભક્તિ છોડી ભોજનાદિથી પોતાને સુખી કરવો. કારણ કે એ ઉપદેશનું પ્રયોજન
કાંઈ એવું નથી.
એ જ પ્રમાણે જ્યાં અન્ય વ્યવહારનો નિષેધ કર્યો હોય ત્યાં તેને યથાર્થ જાણી પ્રમાદી
ન થવું, એમ સમજવું. જે કેવળ વ્યવહારસાધનમાં જ મગ્ન છે તેને નિશ્ચયરુચિ કરાવવા અર્થે
ત્યાં વ્યવહારને હીન બતાવ્યો છે.
વળી એ જ શાસ્ત્રોમાં સમ્યગ્દ્રષ્ટિના વિષયભોગાદિને બંધના કારણરૂપ ન કહ્યા પણ