૨૯૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
તુચ્છબુદ્ધિ જીવો તે સમજી શકતા નથી, માટે સીધું કથન કેમ ન કર્યું?
ઉત્તરઃ — શાસ્ત્ર છે તે મુખ્યપણે તો પંડિત અને ચતુર પુરુષોને અભ્યાસ કરવા યોગ્ય
છે. જો અલંકારાદિ આમ્નાયસહિત કથન હોય તો તેમનું મન ત્યાં જોડાય, તથા જે તુચ્છબુદ્ધિ
છે તેને પંડિતપુરુષ સમજાવી દે પણ જે ન સમજી શકે તો તેને મુખથી જ સીધું કથન કહે,
પરંતુ ગ્રંથોમાં સીધાં કથન લખવાથી વિશેષબુદ્ધિજીવ તેના અભ્યાસમાં વિશેષ પ્રવર્તે નહિ માટે
અલંકારાદિ આમ્નાયસહિત કથન કરીએ છીએ.
એ પ્રમાણે એ ચારે અનુયોગનું નિરૂપણ કર્યું.
જૈનમતમાં ઘણાં શાસ્ત્ર તો એ ચારે અનુયોગમાં ગર્ભિત છે.
વળી વ્યાકરણ, ન્યાય, છંદ, કોષ, વૈદ્યક, જ્યોતિષ અને મંત્રાદિ શાસ્ત્ર પણ જૈનમતમાં
હોય છે તેનું શું પ્રયોજન છે? તે સાંભળો —
વ્યાકરણ, ન્યાય, છંદ, કોષ, વૈદ્યક, જ્યોતિષ અને
મંત્રાદિશાસ્ત્રનું પ્રયોજન
વ્યાકરણ – ન્યાયાદિકનો અભ્યાસ થતાં અનુયોગરૂપ શાસ્ત્રોનો અભ્યાસ થઈ શકે છે માટે
વ્યાકરણાદિ શાસ્ત્રો કહ્યાં છે.
કોઈ કહે – ભાષારૂપ સીધું નિરૂપણ કર્યું હોત તો વ્યાકરણાદિનું શું પ્રયોજન રહેત?
ઉત્તરઃ — ભાષા તો અપ્રભંશરૂપ અશુદ્ધવાણી છે, દેશ દેશમાં અન્ય અન્ય છે, ત્યાં
મહાનપુરુષ શાસ્ત્રોમાં એવી રચના કેવી રીતે કરે? વળી વ્યાકરણ – ન્યાયાદિવડે જેવો યથાર્થ સૂક્ષ્મ
અર્થ નિરૂપણ થાય છે તેવો સીધી (સરલ) ભાષામાં થઈ શકતો નથી માટે વ્યાકરણાદિ
આમ્નાયથી વર્ણન કર્યું છે, તેનો પોતાની બુદ્ધિ અનુસાર થોડોઘણો અભ્યાસ કરી અનુયોગરૂપ
પ્રયોજનભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરવો.
વળી વૈદ્યકાદિ ચમત્કારથી જૈનમતની પ્રભાવના થાય, ઔષધાદિથી ઉપકાર પણ બને
તથા જે જીવ લૌકિક કાર્યોમાં અનુરક્ત છે તે વૈદ્યકાદિ ચમત્કારથી જેની થાય અને પાછળથી
સત્યધર્મ પામી પોતાનું કલ્યાણ કરે, ઇત્યાદિ પ્રયોજનસહિત વૈદ્યકાદિ શાસ્ત્રો કહ્યાં છે.
અહીં એટલું છે કે — આ પણ જૈનશાસ્ત્ર છે એમ જાણી તેના અભ્યાસમાં ઘણું લાગવું
નહિ; જો ઘણી બુદ્ધિથી તેનું સહજ જાણવું થાય તથા તેને જાણતાં પોતાને રાગાદિ વિકારો
વધતા ન જાણે તો તેનું પણ જાણવું ભલે થાય, પરંતુ અનુયોગશાસ્ત્રવત્ એ શાસ્ત્રો ઘણાં
કાર્યકારી નથી માટે તેના અભ્યાસનો વિશેષ ઉદ્યમ કરવો યોગ્ય નથી.