આઠમો અધિકાર ][ ૨૯૭
કરે? માટે આ નિયમ છે કે — બાહ્યસંયમ સાધન વિના પરિણામ નિર્મળ થઈ શકતા
નથી; માટે બાહ્યસાધનનું વિધાન જાણવા અર્થે ચરણાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવા યોગ્ય
છે.
✾ દ્રવ્યાનુયોગમાં દોષ – કલ્પનાનું નિરાકરણ ✾
કોઈ જીવ કહે છે કે — દ્રવ્યાનુયોગમાં વ્રત – સંયમાદિ વ્યવહારધર્મનું હીનપણું પ્રગટ કર્યું
છે, સમ્યગ્દ્રષ્ટિના વિષયભોગાદિને નિર્જરાનાં કારણ કહ્યાં છે, ઇત્યાદિ કથન સાંભળી જીવ
સ્વચ્છંદી બની પુણ્ય છોડી પાપમાં પ્રવર્તશે તેથી તેનું વાંચવું, સાંભળવું યોગ્ય નથી. તેને કહીએ
છીએ કે —
જેમ સાકર ખાઈને ગધેડું મરી જાય તો મનુષ્ય તો સાકર ખાવી ન છોડે, તેમ કોઈ
વિપરીતબુદ્ધિ જીવ અધ્યાત્મગ્રંથો સાંભળી સ્વચ્છંદી થઈ જાય તો વિવેકી તો અધ્યાત્મગ્રંથોનો
અભ્યાસ ન છોડે. હા, એટલું કરે કે – જેને સ્વચ્છંદી થતો જાણે તેને જેમ તે સ્વચ્છંદી ન થાય
તેવો ઉપદેશ આપે. વળી અધ્યાત્મગ્રંથોમાં પણ સ્વચ્છંદી થવાનો ઠામઠામ નિષેધ કરવામાં આવે
છે, તેથી જે તેને બરાબર સાંભળે છે તે તો સ્વચ્છંદી થતો નથી. છતાં કોઈ એકાદ વાત
સાંભળી કોઈ પોતાના અભિપ્રાયથી સ્વચ્છંદી થાય તો ત્યાં ગ્રંથનો તો દોષ નથી પણ તે જીવનો
જ દોષ છે.
વળી જો જૂઠી દોષકલ્પનાવડે અધ્યાત્મશાસ્ત્રોના વાંચન – શ્રવણનો નિષેધ કરવામાં આવે
તો મોક્ષમાર્ગનો મૂળ ઉપદેશ તો ત્યાં જ છે! એટલે તેનો નિષેધ કરતાં મોક્ષમાર્ગનો
નિષેધ થાય છે. જેમ મેઘવૃષ્ટિ થતાં ઘણા જીવોનું કલ્યાણ થાય છે છતાં કોઈને ઊલટું નુકશાન
થાય તો તેની મુખ્યતા કરી મેઘનો તો નિષેધ ન કરવો; તેમ સભામાં અધ્યાત્મઉપદેશ થતાં
ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, છતાં કોઈ ઊલટો પાપમાં પ્રવર્તે તો તેની મુખ્યતા
કરી અધ્યાત્મશાસ્ત્રોનો તો નિષેધ ન કરવો.
બીજું, અધ્યાત્મગ્રંથોથી કોઈ સ્વચ્છંદી થાય તે તો પહેલાં પણ મિથ્યાદ્રષ્ટિ હતો અને
આજે પણ મિથ્યાદ્રષ્ટિ જ રહ્યો. હા, એટલું જ નુકશાન થાય કે – તેને સુગતિ ન થતાં કુગતિ
થાય. પરંતુ અધ્યાત્મઉપદેશ ન થતાં ઘણા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિનો અભાવ થાય છે અને
તેથી ઘણા જીવોનું ઘણું બૂરું થાય છે માટે અધ્યાત્મઉપદેશનો નિષેધ કરવો નહીં.
શંકાઃ — દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે, અને તે ઉચ્ચદશાને
પ્રાપ્ત હોય તેને કાર્યકારી છે પણ નીચલી દશાવાળાઓને તો વ્રત – સંયમાદિનો જ ઉપદેશ
આપવો યોગ્ય છે.
સમાધાનઃ — જિનમતમાં તો એવી પરિપાટી છે કે — પહેલાં સમ્યક્ત્વ હોય