આઠમો અધિકાર ][ ૩૦૫
અહીં ઉદાહરણ — જેમ કોઈને શાસ્ત્રાભ્યાસની અતિ મુખ્યતા છે પણ આત્માનુભવનો
તેને ઉદ્યમ જ નથી, તેના અર્થે ઘણા શાસ્ત્રાભ્યાસનો નિષેધ કર્યો પણ જેને શાસ્ત્રાભ્યાસ નથી
વા અલ્પ શાસ્ત્રાભ્યાસ છે તેવો જીવ એ ઉપદેશથી શાસ્ત્રાભ્યાસ છોડી દે અને આત્માનુભવમાં
ઉપયોગ રહે નહિ એટલે તેનું તો બૂરું જ થાય.
વળી જેમ કોઈને યજ્ઞસ્નાનાદિવડે હિંસાથી ધર્મ માનવાની મુખ્યતા છે તેના અર્થે —
‘જો પૃથ્વી ઊલટી થાય તોપણ હિંસા કરવાથી પુણ્યફળ થાય નહિ’ એવો ઉપદેશ આપ્યો, પણ
જે જીવ પૂજનાદિ કાર્યોવડે કિંચિત્ હિંસા લગાવે અને ઘણું પુણ્ય ગુણ ઉપજાવે છે તે જીવ
એ ઉપદેશથી પૂજનાદિ કાર્યો છોડી દે તથા હિંસારહિત સામાયિકાદિ ધર્મમાં ઉપયોગ જોડાય
નહિ એટલે તેનું તો બૂરું જ થાય. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું.
વળી જેમ કોઈ ઔષધિ ગુણકારક તો છે પરંતુ જ્યાંસુધી તે ઔષધિથી પોતાને હિત
થાય ત્યાંસુધી જ તેનું ગ્રહણ કરે છે, જો શીત મટવા છતાં પણ ઉષ્ણઔષધિનું સેવન કર્યા
જ કરે તો ઊલટો રોગ થાય; તેમ કોઈ ધર્મકાર્ય તો છે પરંતુ પોતાને જ્યાંસુધી તે ધર્મકાર્યથી
હિત થાય ત્યાંસુધી જ તેનું ગ્રહણ કરવું, પણ જો ઊંચીદશા થતાં નીચીદશા સંબંધી ધર્મના
સેવનમાં લાગ્યો જ રહે તો ઊલટો બગાડ જ થાય.
અહીં ઉદાહરણ — જેમ પાપ મટાડવા અર્થે પ્રતિક્રમણાદિ ધર્મકાર્ય કહ્યાં છે, પણ
આત્માનુભવ થતાં પ્રતિક્રમણાદિનો જ વિકલ્પ કર્યા કરે તો ઊલટો વિકાર વધે અને એટલા
માટે જ સમયસારમાં પ્રતિક્રમણાદિને વિષ કહ્યું છે. બીજું, અવ્રતીને કરવા યોગ્ય પ્રભાવનાદિ
ધર્મકાર્ય કહ્યાં છે તેને વ્રતી થઈ કોઈ કરે તો તે પાપ જ બાંધે. વ્યાપારાદિ આરંભ છોડી
ચૈત્યાલયાદિ કાર્યો કરવાનો અધિકારી થાય એ કેમ બને! એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ
સમજવું.
વળી જેમ પાકાદિક ઔષધિ પૌષ્ટિક તો છે પરંતુ જો જ્વરવાન તેને ગ્રહણ કરે
તો તેથી મહાદોષ ઊપજે, તેમ ઊંચો ધર્મ ઘણો ભલો છે પરંતુ પોતાને વિકારભાવ દૂર ન
થયો હોય અને ઊંચો ધર્મ ગ્રહણ કરે તો તેથી મહાદોષ ઊપજે. અહીં ઉદાહરણ — જેમ
પોતાને અશુભવિકાર પણ છૂટ્યો નથી અને જો નિર્વિકલ્પદશાને અંગીકાર કરે તો ઊલટો
વિકાર વધે; જેમ — ભોજનાદિ વિષયોમાં આસક્ત હોય અને આરંભ – ત્યાગાદિ ધર્મને અંગીકાર
કરે તો દોષ જ ઉત્પન્ન થશે તથા જેમ – વ્યાપારાદિ કરવાનો વિકાર તો છૂટ્યો નથી અને
જો ત્યાગના વેષરૂપધર્મ અંગીકાર કરે તો મહાન દોષ ઉત્પન્ન થશે. એ જ પ્રમાણે અન્ય
ઠેકાણે સમજવું.
એ જ પ્રમાણે અન્ય પણ ઉપદેશને સાચા વિચારથી યથાર્થ જાણી અંગીકાર કરવો.
અહીં તેનો વિસ્તાર ક્યાં સુધી કરીએ? સમ્યગ્જ્ઞાન થતાં પોતાને જ યથાર્થ ભાસે છે.