૩૦૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
ઉપદેશ તો વચનાત્મક છે અને વચનદ્વારા અનેક અર્થ એકસાથે કહ્યા જતા નથી, માટે ઉપદેશ
તો કોઈ એક જ અર્થની મુખ્યતાપૂર્વક હોય છે.
જે અર્થનું જ્યાં વર્ણન ચાલે છે ત્યાં તેની જ મુખ્યતા છે, જો બીજા અર્થની ત્યાં જ
મુખ્યતા કરવામાં આવે તો બંને ઉપદેશ દ્રઢ ન થાય, તેથી ઉપદેશમાં એક અર્થને દ્રઢ કરવામાં
આવે છે, પરંતુ સર્વ જિનમતનું ચિહ્ન સ્યાદ્વાદ છે, ‘સ્યાત્’ પદનો અર્થ ‘કથંચિત્’ છે, માટે
જે ઉપદેશ હોય તેને સર્વથા ન જાણી લેવો. ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલો વિચાર કરવો
કે – ‘આ ઉપદેશ કયા પ્રકારે છે, કયા પ્રયોજનસહિત છે અને કયા જીવને કાર્યકારી છે’ ઇત્યાદિ
વિચાર કરી તેના યથાર્થ અર્થને ગ્રહણ કરવો, પછી પોતાની દશા દેખે; એ ઉપદેશ જેમ પોતાને
કાર્યકારી થાય તે પ્રમાણે તેને પોતે અંગીકાર કરે, તથા જે ઉપદેશ જાણવા યોગ્ય જ હોય
તો તેને યથાર્થ જાણી લે, એ પ્રમાણે ઉપદેશના ફળને પ્રાપ્ત કરે.
પ્રશ્નઃ — જો અલ્પબુદ્ધિવાન એટલો વિચાર ન કરી શકે તો તે શું કરે?
ઉત્તરઃ — જેમ વ્યાપારી પોતાની બુદ્ધિ અનુસાર જેમાં નફો સમજે તે થોડો વા ઘણો
વ્યાપાર કરે પરંતુ નફા – તોટાનું જ્ઞાન તો અવશ્ય જોઈએ; તેમ વિવેકી પુરુષ પોતાની બુદ્ધિ
અનુસાર જેમાં પોતાનું હિત સમજે તે થોડો વા ઘણો ઉપદેશ ગ્રહણ કરે પરંતુ ‘મને આ
કાર્યકારી છે, આ કાર્યકારી નથી’ એટલું જ્ઞાન તો અવશ્ય જોઈએ. હવે કાર્ય તો એટલું છે
કે – યથાર્થ શ્રદ્ધાનજ્ઞાનવડે રાગાદિક ઘટાડવા, એ કાર્ય પોતાને જેમ સધાય તે જ ઉપદેશનું
પ્રયોજન ગ્રહણ કરે, વિશેષ જ્ઞાન ન હોય તોપણ પ્રયોજનને તો ભૂલે નહિ, એ સાવધાનતા
તો અવશ્ય જોઈએ, જેમાં પોતાના હિતની હાનિ થાય તેમ ઉપદેશનો અર્થ સમજવો યોગ્ય નથી.
એ પ્રમાણે સ્યાદ્વાદદ્રષ્ટિસહિત જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરવાથી પોતાનું કલ્યાણ થાય છે.
પ્રશ્નઃ — જ્યાં અન્ય અન્ય પ્રકાર સંભવે ત્યાં તો સ્યાદ્વાદ સંભવે પણ એક
જ પ્રકારથી શાસ્ત્રોમાં વિરુદ્ધતા ભાસે તો ત્યાં શું કરીએ? જેમ પ્રથમાનુયોગમાં એક
તીર્થંકરની સાથે હજારો મુનિ મોક્ષ ગયા બતાવ્યા છે; કરણાનુયોગમાં છ મહિના અને
આઠ સમય છસો આઠ જીવ મોક્ષ જાય એવો નિયમ કહેલ છે; પ્રથમાનુયોગમાં એવું
કથન કર્યું કે – દેવદેવાંગના ઊપજીને પછી મરણ પામી સાથે જ મનુષ્યાદિ પર્યાયમાં
ઊપજે છે, ત્યારે કરણાનુયોગમાં દેવનું આયુષ્ય સાગરોપ્રમાણ અને દેવાંગનાનું આયુ
પલ્યોપપ્રમાણ કહ્યું છે. ઇત્યાદિ વિધિ કેવી રીતે મળે?
ઉત્તરઃ — કરણાનુયોગમાં જે કથનો છે તે તો તારતમ્યસહિત છે પણ અન્ય
અનુયોગમાં પ્રયોજન અનુસાર કથનો છે; માટે કરણાનુયોગનાં કથનો તો જેમ કર્યાં છે તેમ
જ છે પણ બીજા અનુયોગના કથનની જેમ વિધિ મળે તેમ મેળવી લેવી. જ્યાં હજારો મુનિ