૩૧૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
સમ્યક્ત્વાદિરૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે; તેથી મુખ્યપણે તો તત્ત્વનિર્ણય કરવામાં
ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો. અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ કરાવવા અર્થે આપીએ
છીએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયમેવ થશે.
વળી તત્ત્વનિર્ણય ન કરવામાં કાંઈ કર્મનો તો દોષ છે નહિ પણ તારો જ દોષ છે.
તું પોતે તો મહંત રહેવા ઇચ્છે છે અને પોતાના દોષ કર્માદિકને લગાવે છે! પણ જિનઆજ્ઞા
માને તો આવી અનીતિ સંભવે નહિ. તારે વિષયકષાયરૂપ જ રહેવું છે માટે આવું જૂઠ બોલે
છે. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શામાટે બનાવે? સંસારના કાર્યોમાં
પોતાના પુરુષાર્થથી સિદ્ધિ થતી ન જાણે તોપણ ત્યાં પુરુષાર્થ વડે ઉદ્યમ કર્યા કરે છે, અને
અહીં પુરુષાર્થ ગુમાવી બેસે છે, તેથી જણાય છે કે — તું મોક્ષને દેખાદેખી ઉત્કૃષ્ટ કહે છે,
પણ તેનું સ્વરૂપ ઓળખી તેને હિતરૂપ જાણતો નથી. હિતરૂપ જાણી જેનો ઉદ્યમ બને તે ન
કરે, એ અસંભવિત છે.
પ્રશ્નઃ — તમે કહ્યું તે સત્ય છે. પરંતુ દ્રવ્યકર્મના ઉદયથી ભાવકર્મ થાય છે
અને ભાવકર્મથી દ્રવ્યકર્મનો બંધ થાય છે, વળી પાછાં તેના ઉદયથી ભાવકર્મ થાય છે,
એ જ પ્રમાણે અનાદિકાળથી પરંપરા ચાલે છે, ત્યાં મોક્ષનો ઉપાય કેવી રીતે થઈ શકે?
ઉત્તરઃ — કર્મનો બંધ વા ઉદય સદાકાળ સમાન જ રહ્યા કરે તો તો એમ જ છે,
પરંતુ પરિણામોના નિમિત્તથી પૂર્વે બાંધેલાં કર્મોનું પણ ઉત્કર્ષણ, અપકર્ષણ અને સંક્રમણાદિ થતાં
તેની શક્તિ હીન – અધિક થાય છે, તેથી તેનો ઉદય પણ મંદ – તીવ્ર થાય છે; તેના નિમિત્તથી
નવીન બંધ પણ મંદ – તીવ્ર થાય છે; તેથી સંસારી જીવોને કર્મોદયના નિમિત્તથી કોઈ વેળા
જ્ઞાનાદિક ઘણાં પ્રગટ થાય છે, કોઈ વેળા થોડાં પ્રગટ થાય છે; કોઈ વેળા રાગાદિ મંદ થાય
છે, કોઈ વેળા તીવ્ર થાય છે, એ પ્રમાણે પલટના થયા કરે છે.
ત્યાં કદાચિત્ સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તપર્યાય પામ્યો ત્યારે મનવડે વિચાર કરવાની તેને
શક્તિ પ્રગટ થઈ. વળી તેને કોઈ વેળા તીવ્ર રાગાદિક થાય છે તથા કોઈ વેળા મંદ થાય
છે, હવે ત્યાં રાગાદિકનો તીવ્ર ઉદય થતાં તો વિષયકષાયાદિનાં કાર્યોમાં જ પ્રવૃત્તિ થાય છે
તથા રાગાદિકનો મંદ ઉદય થતાં બહારથી ઉપદેશાદિનું નિમિત્ત બને અને પોતે પુરુષાર્થ કરીને
તે ઉપદેશાદિકમાં ઉપયોગને જોડે તો ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ થાય. તથા નિમિત્ત ન બને વા પોતે
પુરુષાર્થ ન કરે તો અન્ય કાર્યોમાં જ પ્રવર્તે પરંતુ મંદરાગાદિ સહિત પ્રવર્તે, એવા અવસરમાં
ઉપદેશ કાર્યકારી છે.
વિચારશક્તિ રહિત જે એકેંદ્રિયાદિક છે તેને તો ઉપદેશ સમજવાનું જ્ઞાન જ નથી
તથા તીવ્રરાગાદિ સહિત જીવોનો ઉપયોગ ઉપદેશમાં જોડાતો નથી, માટે જે જીવ વિચારશક્તિ
સહિત હોય તથા જેમને રાગાદિક મંદ હોય તેમને ઉપદેશના નિમિત્તથી ધર્મની પ્રાપ્તિ થઈ