નવમો અધિકાર ][ ૩૧૭
જાય તો તેનું ભલું થાય, અને એ જ અવસરમાં પુરુષાર્થ કાર્યકારી છે.
એકેન્દ્રિયાદિક તો ધર્મકાર્ય કરવાને સમર્થ જ નથી એટલે તેઓ કેવી રીતે પુરુષાર્થ
કરે? તથા તીવ્રકષાયી પુરુષાર્થ કરે તો તે પાપકાર્યનો જ કરે પણ ધર્મકાર્યનો પુરુષાર્થ થઈ
શકે નહિ.
માટે જે વિચારશક્તિ સહિત હોય તથા જેને રાગાદિક મંદ હોય તે જીવ પુરુષાર્થ વડે
ઉપદેશાદિકના નિમિત્તથી તત્ત્વનિર્ણયાદિકમાં ઉપયોગ લગાવે તો તેનો ઉપયોગ ત્યાં લાગે, ત્યારે
તેનું ભલું થાય. જો આ અવસરમાં પણ તત્ત્વનિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદથી કાળ
ગુમાવે, અગર કાં તો મંદરાગાદિ સહિત વિષય – કષાયોનાં કાર્યોમાં જ પ્રવર્તે વા કાં તો
વ્યવહારધર્મકાર્યોમાં પ્રવર્તે તો અવસર તો ચાલ્યો જાય અને સંસારમાં જ પરિભ્રમણ રહે.
બીજું, આ અવસરમાં જીવ જો પુરુષાર્થ વડે તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો
અભ્યાસ રાખે તો તેને વિશુદ્ધતા વધે છે અને તેથી કર્મોની શક્તિ હીન થાય છે, તથા કેટલાક
કાળમાં આપોઆપ દર્શનમોહનો ઉપશમ થતાં તેને તત્ત્વોમાં યથાવત્ પ્રતીતિ આવે છે. હવે આનું
કર્તવ્ય તો તત્ત્વનિર્ણયનો અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શનમોહનો ઉપશમ તો સ્વયં જ
થાય છે. એમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી.
વળી એ (દર્શનમોહનો ઉપશમ) થતાં જીવને સમ્યગ્દર્શન તો સ્વયં થાય છે, અને
સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધાન તો આવું થયું કે — ‘હું આત્મા છું, મારે રાગાદિક ન કરવા;’ પરંતુ
ચારિત્રમોહના ઉદયથી રાગાદિક થાય છે, ત્યાં તીવ્ર ઉદય થાય ત્યારે તો તે વિષયાદિકમાં પ્રવર્તે
છે અને મંદ ઉદય હોય ત્યારે પોતાના પુરુષાર્થથી ધર્મકાર્યોમાં વા વૈરાગ્યાદિ ભાવનામાં
ઉપયોગને લગાવે છે, તેના નિમિત્તથી ચારિત્રમોહ મંદ થતો જાય છે. એ પ્રમાણે થતાં
દેશચારિત્ર વા સકલચારિત્ર અંગીકાર કરવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. વળી ચારિત્ર ધારણ
કરી પોતાના પુરુષાર્થ વડે ધર્મમાં પરિણતિને વધારે છે, ત્યાં વિશુદ્ધતા વડે કર્મની શક્તિ હીન
થાય છે તેથી વિશુદ્ધતા વધે છે ને તેથી કર્મની શક્તિ વધારે હીન થાય છે. એ પ્રમાણે ક્રમથી
મોહનો નાશ કરે ત્યારે પરિણામ સર્વથા વિશુદ્ધ થાય છે, તે વડે જ્ઞાનાવરણાદિનો નાશ થઈ
કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યાર પછી ઉપાય વિના અઘાતિકર્મોનો પણ નાશ કરીને શુદ્ધ
સિદ્ધપદને પ્રાપ્ત કરે છે.
એ પ્રમાણે ઉપદેશનું તો નિમિત્ત બને અને પોતાનો પુરુષાર્થ કરે તો કર્મનો નાશ થાય છે.
વળી જ્યારે કર્મનો ઉદય તીવ્ર હોય ત્યારે પુરુષાર્થ થઈ શકતો નથી, ઉપરના
ગુણસ્થાનેથી પણ પડી જાય છે, ત્યાં તો જેવું હોનહાર હોય તેવું થાય છે, પરંતુ જ્યાં મંદ
ઉદય હોય અને પુરુષાર્થ બની શકે ત્યાં તો પ્રમાદી ન થવું, સાવધાન થઈ પોતાનું કાર્ય કરવું.