૩૧૮ ][ મોક્ષમાર્ગપ્રકાશક
જેમ કોઈ પુરુષ નદીના પ્રવાહમાં પડ્યો વહ્યો જતો હોય, ત્યાં પાણીનું જોર હોય ત્યારે
તો તેનો પુરુષાર્થ કાંઈ કામનો નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી. તથા પાણીનું જોર થોડું હોય
ત્યારે જો પુરુષાર્થ કરી નીકળવા ઇચ્છે તો તે નીકળી શકે છે, અને તેને જ નીકળવાની શિક્ષા
આપીએ છીએ. છતાં જો તે ન નીકળે તો ધીરે ધીરે (પ્રવાહે પ્રવાહે) વહે, અને પાછળથી
પાણીનું જોર થતાં વહ્યો ચાલ્યો જાય. એ જ પ્રમાણે જીવ સંસારમાં ભ્રમણ કરે છે, ત્યાં કર્મોનો
તીવ્ર ઉદય હોય ત્યારે તો તેનો કાંઈ પુરુષાર્થ નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી, અને કર્મનો
મંદ ઉદય હોય ત્યારે જો પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે, અને
તેને જ મોક્ષમાર્ગનો ઉપદેશ દે છે. તથા તે મોક્ષમાર્ગમાં ન પ્રવર્તે તો કિંચિત્ વિશુદ્ધતા પામી
પાછળથી તીવ્ર ઉદય આવતાં નિગોદાદિ પર્યાયને પ્રાપ્ત કરશે.
માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે,
આવો અવસર પામવો કઠણ છે, તેથી શ્રીગુરુ દયાળુ થઈ મોક્ષમાર્ગને ઉપદેશે, તેમાં
ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરવી.
✾ મોક્ષમાર્ગનું સ્વરુપ ✾
હવે મોક્ષમાર્ગનું સ્વરૂપ કહીએ છીએઃ —
જેના નિમિત્તથી આત્મા અશુદ્ધદશા ધારણ કરી દુઃખી થયો છે એવાં જે મોહાદિકર્મ
તેનો સર્વથા નાશ થતાં કેવળ આત્માની જે સર્વ પ્રકારથી શુદ્ધ અવસ્થા થવી તે મોક્ષ છે, તથા
તેનો જે ઉપાય અર્થાત્ કારણ તે મોક્ષમાર્ગ જાણવો.
હવે કારણ તો અનેક પ્રકારનાં હોય છે. કોઈ કારણ તો એવાં હોય છે કે – જેના હોવા
વિના તો કાર્ય ન થાય અને જેના હોવાથી કાર્ય થાય વા ન પણ થાય; જેમ – મુનિલિંગ ધારણ
કર્યા વિના તો મોક્ષ ન થાય, પરંતુ મુનિલિંગ ધારણ કરવાથી મોક્ષ થાય વા ન પણ થાય.
તથા કેટલાંક કારણ એવાં છે કે – મુખ્યપણે તો જેના હોવાથી કાર્ય થાય છે પરંતુ કોઈને તે
હોવા વિના પણ કાર્યસિદ્ધિ થાય છે; જેમ કે – મુખ્યપણે તો અનશનાદિ બાહ્યતપનું સાધન કરતાં
મોક્ષ થાય છે, પરંતુ ભરતાદિને બાહ્યતપ કર્યા વિના જ મોક્ષની પ્રાપ્તિ થઈ. તથા કેટલાક કારણ
એવાં છે કે – જેના હોવાથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય જ તથા જેના ન હોવાથી કાર્યસિદ્ધિ સર્વથા
ન થાય; જેમ – સમ્યગ્દર્શન – જ્ઞાનચારિત્રની એકતાં થતાં તો અવશ્ય મોક્ષ થાય અને એ થયા
વિના સર્વથા મોક્ષ ન થાય. — એ પ્રમાણે એ કારણો કહ્યાં તેમાં અતિશયપૂર્વક નિયમથી મોક્ષનો
સાધક જે સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રનો ઐક્યભાવ તે મોક્ષમાર્ગ જાણવો. એ સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન તથા સમ્યક્ચારિત્રમાંથી એક પણ ન હોય તો મોક્ષમાર્ગ થાય નહિ.
શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પણ એમ જ કહ્યું છે, યથા – ‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’
(અ. ૧. સૂત્ર ૧.)