૩૨૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
તેમાં મોક્ષને ઓળખે તો તેને હિતરૂપ માની તેનો ઉપાય કરે, તેથી મોક્ષનું શ્રદ્ધાન કરવું.
મોક્ષનો ઉપાય સંવર – નિર્જરા છે તેને ઓળખે તો જેમ સંવર – નિર્જરા થાય તેમ પ્રવર્તે
માટે સંવર – નિર્જરાનું શ્રદ્ધાન કરવું.
વળી સંવર – નિર્જરા તો અભાવલક્ષણસહિત છે તેથી જેનો અભાવ કરવાની જરૂર છે
તેને ઓળખવો જોઈએ. જેમકે – ક્રોધનો અભાવ થતાં ક્ષમા થાય, હવે ક્રોધને ઓળખે તો તેનો
અભાવ ફરી ક્ષમારૂપ પ્રવર્તે. એ જ પ્રમાણે આસ્રવનો અભાવ થતાં સંવર થાય તથા બંધનો
એકદેશ અભાવ થતાં નિર્જરા થાય, હવે આસ્રવ – બંધને ઓળખે તો તેનો નાશ કરી સંવર –
નિર્જરારૂપ પ્રવર્તે, માટે આસ્રવ – બંધનું પણ શ્રદ્ધાન કરવું.
એ પ્રમાણે એ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન થતાં જ મોક્ષમાર્ગ થાય. એને ઓળખે તો તે
મોક્ષને ઓળખે, પણ જો તેને ન ઓળખે તો મોક્ષની ઓળખાણ વિના તેનો ઉપાય શા માટે
એ કરે? સંવર – નિર્જરાની ઓળખાણ વિના તેમાં કેવી રીતે પ્રવર્તે? આસ્રવ – બંધની ઓળખાણ
વિના તેનો નાશ કેવી રીતે કરે? એમ પાંચ પર્યાયોનું શ્રદ્ધાન ન થવાથી મોક્ષમાર્ગ ન થાય.
એવી રીતે જોકે તત્ત્વાર્થ અનંત છે તેનું સામાન્ય – વિશેષવડે અનેક પ્રકારે પ્રરૂપણ થાય
છે પરંતુ અહીં એક મોક્ષનું પ્રયોજન છે માટે જાતિ અપેક્ષાએ બે તો સામાન્ય તત્ત્વ તથા
પર્યાયરૂપ પાંચ વિશેષતત્ત્વ મળી સાત તત્ત્વ જ કહ્યાં.
કારણ કે — એના યથાર્થશ્રદ્ધાનને આધીન મોક્ષમાર્ગ છે, એ વિના અન્ય પદાર્થોનું શ્રદ્ધાન
હો વા ન હો અથવા અન્યથા હો, પરંતુ કોઈને આધીન મોક્ષમાર્ગ નથી — એમ જાણવું.
વળી કોઈ ઠેકાણે પુણ્ય – પાપ રહિત નવ પદાર્થ કહ્યા છે, એ પુણ્ય – પાપ આસ્રવાદિકનાં
જ ભેદો છે માટે એ સાત તત્ત્વોમાં ગર્ભિત થયા. અથવા પુણ્ય – પાપનું શ્રદ્ધાન થતાં પુણ્યને
મોક્ષમાર્ગ ન માને વા સ્વચ્છંદી બની પાપરૂપ ન પ્રવર્તે તેથી મોક્ષમાર્ગમાં એનું શ્રદ્ધાન પણ
ઉપકારી જાણી એ બે તત્ત્વો આસ્રવ વિશેષમાં મેળવી નવ પદાર્થ કહ્યા વા શ્રી સમયસારાદિમાં
એને નવ તત્ત્વ પણ કહ્યાં છે.
પ્રશ્નઃ — એનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન કહ્યું, પણ દર્શન તો સામાન્ય અવલોકનમાત્ર
છે તથા શ્રદ્ધાન પ્રતીતિમાત્ર છે, તો એને એકાર્થપણું કેવી રીતે સંભવે?
ઉત્તરઃ — પ્રકરણના વશથી ધાતુનો અર્થ બીજો પણ થાય છે. મોક્ષમાર્ગનું પ્રકરણ છે
તેથી તેમાં દર્શન શબ્દનો અર્થ સામાન્ય અવલોકનમાત્ર ગ્રહણ કરવો નહિ; કારણ કે ચક્ષુ –
અચક્ષુદર્શનવડે સામાન્ય અવલોકન તો સમ્યગ્દ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિને સમાન હોય છે, તેથી એ
વડે કાંઈ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ – અપ્રવૃત્તિ થતી નથી. તથા શ્રદ્ધાન હોય છે તે સમ્યગ્દ્રષ્ટિને જ
હોય છે અને એ વડે મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય છે. માટે દર્શન શબ્દનો અર્થ પણ અહીં
શ્રદ્ધાનમાત્ર જ ગ્રહણ કરવો.